Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પાટણના ખેડૂતોએ જીરાના વાવેતરના મંડાણ કર્યાઃ વરસાદ પડવાની બીકથી જગતનો તાત ચિંતામાં

પાટણ :પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે સતત વરસાદ વરસવાના પગલે ખેતરોમાં ઉભા પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં ખાસ કરી કપાસ, એરંડા, બાજરી સહિતના ખરીફ પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે હવે શિયાળાની ઋતુ ધીમે ધીમે આવી રહી છે, જેને લઇ ખેડૂતો શિયાળુ પાક ગણાતા જીરાના વાવેતરની તૈયારીઓ શરૂ કરી છે. આ પાક સારો રહે તેવી આશાઓ રાખી રહ્યાં છે.

પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યા બાદ સારો એવો વરસાદ વરસ્યો હતો. જેને પગલે ખેડૂતોમાં આશા બંધાઈ હતી. પરંતુ પાછળના દિવસોમાં ધોધમાર વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ જતા તૈયાર પાકને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યારે હવે ધીમે ધીમે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતાની સાથે ખેડૂતો નવી આશાઓ સાથે શિયાળુ પાક વાવેતરની તૈયારીમાં લાગી ગયા છે. પાટણ જિલ્લાના વઢીયાર પંથકમાં મોટાભાગના ખેડૂતો જીરાનું વાવેતર મોટા પ્રમાણમાં કરતા હોય છે. ચાલુ વર્ષે વરસાદ મન મુકીને વરસતા ખેતરોમાં હજુ પણ પાણી અને ભેજ હોવાને પગલે કેટલાક ખેડૂતોએ ખેતરો સૂકવાની રાહ જોઈને બેસ્યાં છે. તો કેટલાક ખેડૂતોએ ખેતરો ખેડવાની શરૂઆત કરી દીધી છે અને દિવાળી બાદ જીરાનું વાવેતર શરૂ થશે.

આ બાબતે ખેડૂતો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, જીરાના પાકમાં એક વિધે 5 થી 6 હજારનો ખર્ચ થાય છે. પરંતુ સામે ભાવ મળતા નથી. પરંતુ હાલ તો અમે ખેડ, પુખવા, પિયતની કામગીરીમાં જોડાયા છે. પરંતુ ભેજવાળી જમીન હોવાને પગલે પાકમાં નુકસાન થઈ શકે તેમ છે. કારણ કે ભેજવાળી જમીનમાં રોગ આવે તેવી પણ સંભાવના છે. ભેજવાળી જમીન હોવાના કારણે પાકનું વાવેતર થોડું મોડું થાય તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે. સાથે જીરાના ભાવ તરફ નજર કરીએ તો, 20 કિલોનો ભાવ રૂપિયા 2200 થી 2300નો મળે છે. જે મજૂરી અને જે ખર્ચ કરાયે તે પ્રમાણે પોષાય તેમ નથી.

(5:20 pm IST)