Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કલેકટર વિજય ખરાડીનો નૂતન અભિગમ : ખેડૂતોને પોતાના ઘરે બોલાવી જીવામૃત ખેતીની સમજ આપી

ઘર આસપાસની સામાન્ય વસ્તુઓથી અસામાન્ય દવા-ખાતર બનાવી શકાય

રાજકોટ,તા.૨૨: ઝીરો બજેટ ખેતી થકી ખેડૂતો દ્વારા કૃષિકારોની આવક બમણી કરવાના સરકારના સંકલ્પ પ્રત્યે દાહોદ કલેકટર શ્રી વિજયકુમાર ખરાડીએ એક નવતર કદમ ઉઠાવ્યું છે. તેમણે દાહોદ જિલ્લામાંથી કુલ ૫૨ ખેડૂતોને પોતાના બંગલે ઉપર બોલાવી તેમને સંપૂર્ણ ઓર્ગેનિક કૃષિ પદ્ઘતિ અંગે સમજ આપી હતી. આ ખેડૂતોને સુભાષ પાલેકર દ્વારા સંવર્ધિત જીવામૃત બનાવવાની રીતની સમજ આપવામાં આવી હતી.

જીવામૃત એવું કુદરતી રાસાયણ છે કે જેના ઉપયોગથી કૃષિમાં કોઇ પણ પ્રકારની રસાણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવો પડતો નથી. ઘર આસપાસ રહેલા વૃક્ષો અને વસ્તુઓના ઉપયોગથી જ જીવામૃત બનાવી શકાય છે. ખેતી પાકોમાં થતાં રોગો તથા કિટકો સામે રક્ષણ આપતા જીવાણુને વિકસાવવામાં આવે છે.

કલેકટર શ્રી ખરાડીના નિવાસ સ્થાને થયેલી ગોષ્ઠિમાં જોડાયેલા ૧૭ મહિલા સહિત બાવન ખેડૂતોને સમજ આપવામાં આવી હતી કે, દેશી ગોળ, ગૌ મૂત્ર, ગાયનું છાણ, વડની માટી, ચણા કે અન્ય કઠોણનો લોટના ઉપયોગની દેશી ખાતર બનાવી શકાય છે. જયારે, ગૌ મૂત્ર, કડવા લીમડા, કરંજ, એરંડા, આંકડા, ધતુરા અને સીતાફળના પાનના ઉપયોગની પાકમાં છંટકાવની દવા કેવી રીતે બનાવી શકાય ? તેનું નિદર્શન કરી ખેડૂતોને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત જીવામૃતના ફાયદા, તેના ઉપયોગની પદ્ઘતિ, મિશ્રણ પ્રમાણ સહિતની સમજ ખેડૂતોને સરળ ભાષામાં આપવામાં આવી હતી.

કલેકટરશ્રીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, કૃષિમાં રાસાણિક ખાતર અને દવાના અતિરેકથી જમીન અને તેમાંથી ઉપજનારા પાકને ખાનાર લોકોને નુકસાન થઇ રહ્યું છે. એટલે, હવે સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી કરવાની આ સમયમાં ખૂબ જ જરૂરી છે. જે એકદમ સરળ, બિનનુકસાનકર્તા છે. તેમણે ખેડૂતોને જીવામૃત ખેતી પદ્ઘતિ અપનાવવા અપીલ પણ કરી હતી. તેમની સાથે ખેતીવાડી ખાતાના અધિકારી શ્રી રાઠવા તથા શ્રી સુથાર પણ જોડાયા હતા.વધુ માહિતી માટે કલેકટરનો ફોન નં. ૦૨૬૭૩-૨૨૨૦૦૫ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(11:18 am IST)