Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

એડવોકેટ વેલ્ફેર ફંડ રિન્યુઅલ ફી પ્રશ્ને ફેરવિચારણાની માંગ

બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દ્વારા રજૂઆત કરાઈઃ રાજયના વકીલ આલમ વિશેષ કરીને જુનિયર વકીલોની લાગણીને ધ્યાનમાં લઇ ફેરવિચારણા કરવા માટે માંગણી

અમદાવાદ, તા.૨૨: ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી રૂ.૨૫૦૦ વાર્ષિક કરવાના નિર્ણય પરત્વે પુનઃવિચારણા કરવા અંગે ખુદ ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ભાજપ લીગલ સેલના અધ્યક્ષ જે.જે.પટેલે આજે ગુજરાત બાર કાઉન્સીલને મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. રાજયભરના વકીલોના હિતમાં ખાસ કરીને જુનીયર વકીલોની લાગણીને લઇ તેમણે આ રજૂઆત કરી હતી.          ગુજરાત બાર કાઉન્સીલની થોડા સમય પહેલાં જ યોજાયેલી ચૂંટણીમાં ભાજપની સમરસ પેનલે ભવ્ય વિજય મેળવી ફરી એકવાર બાર કાઉન્સીલ પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. ગુજરાત બાર કાઉન્સીલ એ વકીલોની માતૃસંસ્થા છે અને વકીલોના હિતમાં તેમ તેમને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ અને ઉકેલ  તેના હાથમાં હોય છે. કોઇપણ વકીલ માટે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ હેઠળ રિન્યુઅલ કરાવવું જરૂરી હોય છે કારણ કે, તેને વેલ્ફર ફંડની વિવિધ યોજનાનો લાભ મળી શકે. ગુજરાત બાર કાઉન્સીલની ગત તા.૯-૯-૨૦૧૮ના રોજ મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી રૂ.૨૫૦૦ વાર્ષિક ધોરણે કરવામાં આવી હતી. જો કે, આ રિન્યુઅલ ફીના નિર્ણય પરત્વે પુનઃવિચારણા કરવા ખુદ ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ભાજપ લીગલ સેલના અધ્યક્ષ જે.જે.પટેલે આજે ગુજરાત બાર કાઉન્સીલને મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન જે.જે.પટેલે જણાવ્યું હતું કે, રાજયના વકીલઆલમ ખાસ કરીને જુનીયર વકીલોની લાગણીને ધ્યાનમાં લઇને આ નિર્ણયની ફેરવિચારણા જરૂરી છે. બાર કાઉન્સીલને તેમના હિતને ધ્યાનમાં લઇ યોગ્ય નિર્ણય કરવો જોઇએ તેવો મારો અનુરોધ છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાત બાર કાઉન્સીલ તરફથી અમારી રજૂઆત ધ્યાને લઇ એ વખતે રાજયના વકીલમંડળો માટે ઇ લાયબ્રેરી માટે રૂ.૨ કરોડ, ૨૨ લાખ ફાળવ્યા હતા, જે આજે રાજયના તમામ વકીલમંડળો માટે આશીર્વાદરૂપ બન્યા છે ત્યારે આ પ્રકારની રચનાત્મક માંગણીઓ રાજય સરકાર સમક્ષ બાર કાઉન્સીલે કરી વકીલોના હિતમાં આગળ વધવુ જોઇએ.

 

(9:42 pm IST)