Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પોતાની પ્રેમિકાને રૂપાલ પલ્લી બતાવવા બાઇકની કરેલી ચોરી

લવ કે લિયે કુછ ભી કરેગાની વાત યોગ્ય ઠેરવીઃ આખી રાત બંને પ્રેમી પંખીડાં ફર્યા બાદ સવારે ઘરે પરત આવતાં ખુદ બાઇક માલિકે બંનેને પકડ્યા : ઉંડી ચકાસણી

અમદાવાદ, તા.૨૨:  કહેવાય છે ને કે, પ્રેમ આંધળો હોય છે અને પ્રેમની અંધતામાં પ્રેમી પોતાના પ્રિય પાત્ર માટે ગમે તે હદ સુધી જતા હોય છે. ઘણીવાર તેઓ પ્રેમમાં આંધળાં બની તેમના પ્રેમ માટે ગુનાઇત પ્રવૃત્તિ પણ કરી બેસતા હોય છે. કંઇક આ જ પ્રકારના એક કિસ્સામાં શહેરના સાબરમતી વિસ્તારમાં સગીર પ્રેમિકાને રૂપાલની પલ્લી જોવા લઈ જવા માટે યુવકે બાઈક ચોર્યું હોવાની ઘટના સામે આવતાં પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઇ હતી. આખી રાત બંને પ્રેમીપંખીડાં ફર્યા બાદ સવારે ઘરે પરત આવતાં ખુદ બાઇકના માલિકે બંનેને ઝડપી લીધાં હતાં. બાઈક માલિકે આરોપીને ઝડપીને પોલીસ ફરિયાદ નોંધાવતાં સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપી બાઇકચોર પ્રેમીની ધરપકડ કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સાબરમતી વિસ્તારમાં સાબરમતી કોલેજ પાસે આવેલા ઋષભ એપાર્ટમેન્ટમાં રહેતા અને કોલેજ પાસે જ સોનીની દુકાન ધરાવી વ્યવસાય કરતા સતીશભાઈ પ્રેમચંદભાઈ સોનીએ તા.૧૮ ઓક્ટોબરના રોજ રાતે તેમનું બાઈક ફ્લેટના પાર્કિંગમાં મૂક્યું હતું. વહેલી સવારે છ વાગ્યે સતીશભાઈ મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે પાર્કિંગમાંથી તેમનું બાઈક ગાયબ જણાયું હતું. બાઈક ચોરી થઇ જતાં તેઓએ આસપાસના પાર્કિંગમાં પણ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાઈક મળ્યું ન હતું. બાઈક શોધવા માટે તેઓ આસપાસમાં અને રામનગર વિસ્તારમાં શોધવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં તેમના એક ઓળખીતા મિત્રને તેઓએ વાત કરતાં તેમણે કબીરચોક બાજુ એક યુવકને બાઈક લઇ જતાં જોયો હતો તેમ જણાવ્યું હતું. સતીશભાઈ તેમના મિત્રોને લઇ અને બાઈક શોધતાં શોધતાં બાઈક ચોરી કરનાર યુવકની સગીર પ્રેમિકાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં પૂછપરછ કરતાં સાહિલ રાવત (ઉ.વ.૧૯, રહે. ગોવિંદલાલની ચાલી, કબીરચોક) નામનો યુવક તેમની પુત્રીને લઇ ગયો હોવાનું જણાવ્યું હતું. સાહિલ તેની સગીર પ્રેમિકાને લઇ પરત આવતાં સતીશભાઇએ તેને ઝડપી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી.

બાદમાં વાત સામે આવી હતી કે, પ્રેમમાં પાગલ યુવક પોતાની પ્રેમિકાને રૂપાલની પલ્લી જોવા લઇ જવા બાઇક ચોરી કરી બેઠો હતો. સાબરમતી પોલીસે આરોપી સામે જરૂરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(9:41 pm IST)