Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આડમાં વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કઢાયુ

મૂલ્યવાન પ્રકૃતિનો નાશ કરાતાં પ્રકૃતિપ્રેમીઓ ખફા : ઉદ્ઘાટન સ્થળ સુધીના માર્ગને વ્યવસ્થિત બનાવવા માટે દોઢસો વર્ષ કે તેથી પણ વધુ જૂના બહુમૂલ્ય વૃક્ષોને કપાયા

અમદાવાદ,તા. ૨૨ :આગામી તા.૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે અને તે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેની બીજીબાજુ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારીઓ કે તેના ઉત્સાહના અતિરેકમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા મોટા પ્રમાણમાં વર્ષોે જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સ્થળ સુધીના માર્ગને વ્યવસ્થિત બનાવવા માટે દોઢસો વર્ષ કે તેથી પણ વધુ જૂના બહુમૂલ્ય વૃક્ષોનો સોથ વાળી દેવાતાં સ્થાનિક આદિવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનો મામલો હાલ રાજયમાં કેન્દ્રસ્થાને બની રહ્યો છે ત્યારે બીજીબાજુ, સ્થાનિક આદિવાસીઓથી માંડી રાજયના આદિવાસી સમાજમાં આ પ્રોજેકટની આડમાં સરકાર દ્વારા તેઓની જમીન છીનવવાથી માંડી બેઘર કરવા સુધીના થઇ રહેલા પ્રયાસોને લઇ ક્યાંકને ક્યાંક વિરોધ થઇ રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે માર્ગોને વ્યવસ્થિત કરવા માટે મોટા પ્રમાણમાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. જેમાં કેટલાક વૃક્ષો ૧૦૦થી ૧૫૦ વર્ષ જૂના છે. જે અંગે સ્થાનિક આદિવાસીઓ અને પ્રકૃતિપ્રેમી જનતાએ સત્તાવાળાઓના આ પગલાંનો ઉગ્ર વિરોધ કરી આક્રોશ પ્રગટ કર્યો હતો. સ્થાનિક આદિવાસી અગ્રણીઓના જણાવ્યાનુસાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચતા માર્ગોમાં અંકલેશ્વરથી કેવડીયા કોલોની અને વડોદરાના કપુરાઈ ચોકડીથી કેવડીયા સુધી માર્ગ પર આવતા સેંકડો વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. સરકાર અને સત્તાવાળાઓ તેમનું સારું દેખાડવા માટે નિર્દોષ અને બહુમૂલ્ય વૃક્ષોનો ભોગ લઇ શકે નહી, આ એક ગંભીર અપરાધ છે. આ અંગે રાજપીપળામાં રહેતા પ્રફુલભાઈ વસાવા છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી અગ્રણી તરીકે જંગલો અને આદિવાસી લોકોની મદદ માટેના કામ કરે છે.  તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાનું કામ ચાલી રહ્યું છે. જેના માટે મોટા પ્રમાણમાં વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. એક અંદાજ પ્રમાણે નાના-મોટા વૃક્ષો થઈને ૫૦ હજાર જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. અમે આનો વિરોધ કરી રહ્યાં છે. જેમાં મોટા ભાગના આદિવાસી પરિવારો અને પ્રકૃતિપ્રેમીઓ અમારી સાથે જોડાયા છે. આગામી દિવસોમાં આ મામલે સરકારના સત્તાવાળાઓ સમક્ષ ઉગ્ર આક્રોશ પણ પણ કરવામાં આવે તેવી શકયતા છે.

(11:29 pm IST)
  • ગાંધીનગર:ઈન્દ્રોડા પાર્ક ખાતે સિંહનું આગમન:ગીરના શક્કરબાગ ઝૂ ખાતેથી એક સિંહને લવાયો ઈન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન : સિંહણને 7 દિવસ બાદ લવાશે ગાંધીનગર: 20 દિવસ સુધી સિંહને નિરીક્ષણ હેઠળ રખાશે:20 દિવસ બાદ લોકો સિંહને જોઈ શકશે access_time 1:04 am IST

  • આસામ અને અરૂણાચલ પ્રદેશમાં પૂરનો ખતરો:આસામના 10 ગામ પાણીમાં ગરકાવ: આસામ અને અરૂણાચલ પ્રદેશમાં તંત્ર હાઈ એલર્ટ પર:તિબેટમાં લેન્ડ સ્લાઈડ થઇ નદીનો રસ્તો બંધ થતા કૃત્રિમ તળાવ બન્યુ: access_time 4:38 pm IST

  • અમદાવાદ:5.20 કરોડ રૂપિયાની છેતરપીંડી આંચરવાનો મામલો:આરોપીએ એક જ રહેઠાણના બોગસ દસ્તાવેજથી લૉન લીધી હતી:આરોપીએ કરી હતી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી :ગત દિવસોમાં હાથ ધરાઈ હતી સુનવણી:23મી ઓક્ટોબરે સેસન્સ કોર્ટ ચુકાદો જાહેર કરે તેવી શકયતા access_time 1:06 am IST