Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સીબીઆઈ બાદ અસ્થાના સામે ઇડી તપાસ કરી શકે

ટોપ અધિકારી રાકેશ અસ્થાનાની મુશ્કેલી વધશે : સાંડેસરા ગ્રુપના મની લોન્ડરીંગ કેસમાં ઈડી અધિકારીઓ અસ્થાના સામે તપાસ કરી શકે : ગુપ્ત બેઠકોનો દોર જારી

અમદાવાદ, તા.૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત વિશ્વાસુ મનાતા અને ગુજરાત કેડરના આઇપીએસ ઓફિસર અને હાલ સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેક્ટર એવા રાકેશ અસ્થાના વિરૂધ્ધ આખરે રૂપિયા બે કરોડ રૂપિયાની લાંચના ચકચારભર્યા કેસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા બાદ હવે તેમની મુશ્કેલી વધી શકે છે. કારણ કે, સીબીઆઇની તપાસના સપાટાની સાથે હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ઇડી) દ્વારા પણ અસ્થાના વિરૂધ્ધ તપાસનો સપાટો બોલાવાય તેવી શકયતા છે. ખાસ કરીને સાંડેસરા ગ્રુપના મની લોન્ડરીંગ કેસમાં ઇડીના અધિકારીઓ અસ્થાના વિરૂધ્ધ તપાસ કરી શકે છે. આ માટે ઇડીના અધિકારીઓ ભારે ગુપ્તતા સાથે મહત્વની વિગતો એકત્ર કરવાની શરૂઆત કરી દીધી છે. જેને પગલે આગામી દિવસોમાં રાકેશ અસ્થાના પરનો ગાળિયો વધુ કસાય તેવી શકયતા છે. બીજીબાજુ, સીબીઆઇએ આજે આ સમગ્ર પ્રકરણમાં સીબીઆઇના ડીએસપી દેવેન્દ્રકુમારની ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો હતો અને આગામી દિવસોમાં ધરપકડનો દોર શરૂ થાય તેવી પણ શકયતા બળવત્તર બની હતી. ઉલ્લેખનીય છે કે, સીબીઆઇની ટીમ દ્વારા વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયેલા રાકેશ અસ્થાનાની દીકરીના ભવ્ય લગ્ન સાથે સંકળાયેલા ૧૬ બિઝનેસમેનની પૂછપરછ માટે સીબીઆઇની ટીમ વડોદરા આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જાણીતા મીટ કારોબારી મોઇન કુરેશીના કેસનો બંધ કરાવવાના બદલામાં સીબીઆઇના ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ રૂ.બે કરોડની લાંચ લીધી હોવાના આરોપમાં સીબીઆઇ દ્વારા જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  આ કેસમાં અગાઉ સીબીઆઇએ વચેટિયા મનોજકુમારની ધરપકડ કરી હતી અને તેણે મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદનમાં રાકેશ અસ્થાનાને રૂ. બે કરોડની લાંચ આપી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. આ પ્રકરણમાં દેશની ઇન્ટેલિજેન્સ એજન્સી રોના સ્પેશ્યલ ડાયરેક્ટર સમંશ્કુમાર ગોયલનું નામ પણ સામેલ છે. એવીડેન્સ એકટની કલમ-૧૬૪ પ્રમાણે સીબીઆઇએ મેજિસ્ટ્રેટ સમક્ષ ટેલિફોનિક વાતચીત, વોટ્સએપ મેસેજ, મની ટ્રેલ અને સ્ટેટમેન્ટ રજૂ કર્યા હતા. કુરેશી પર હવાલા દ્વારા રૂા. ૨૦૦ કરોડ વિદેશમાં મોકલવાનો આરોપ છે. કુરેશી ૨૦૧૧થી જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રડાર પર હતો. પરંતુ તેના વિરૂદ્ઘ પહેલી વખત ૨૦૧૪મા કાર્યવાહી કરાઇ હતી. મૂળ કાનપુરનો રહેવાસી મોઇન કુરેશી મીટ કારોબાર દ્વારા અબજોપતિ બન્યો. રાજકારણમાં તેની સારી એવી પકડ છે. યુપીના રામપુરમાં તેણે શરૂઆતમાં એક નાનુ કતલખાનુ ખોલ્યું અને થોડા જ સમયમાં તે દેશનો સૌથી મોટો માંસનો કારોબારી બની ગયો હતો. કુરેશીની દેશ-વિદેશમાં અનેક કંપનીઓ છે. તેની એએમક્યુ નામની કંપની માંસની નિકાસ કરે છે.  ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાના આજથી એક વર્ષ પહેલા જ સીબીઆઇના સ્પેશ્યલ ડિરેક્ટર તરીકે નીમાયા હતા. તેઓ સુરત શહેરમાં સૌથી વધુ સમય માટે પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનારા પોલીસ કમિશનર હતા. જેઓને ગયા વર્ષે પ્રમોશનની નિમણુંક સાથે સીબીઆઇના સ્પેશ્યલ ડીરેક્ટર બનાવવામાં આવ્યા હતા. રાકેશ અસ્થાના ૧૯૮૪ બેચના આઇપીએસ અધિકારી છે અને તેઓ અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ, લાલુપ્રસાદ યાદવના ઘાસચારા કૌભાંડ, વિજય માલ્યા લોન ડિફોલ્ટ જેવા કેસોની તપાસ ચલાવી રહ્યા હતા પરંતુ હવે રૂ.બે કરોડની લાંચ કેસમાં ખુદ રાકેશ અસ્થાના જ સપડાતાં સીબીઆઇ સહિત સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. સીબીઆઇની તપાસ બાદ હવે ઇડીએ પણ અસ્થાના વિરૂધ્ધની તપાસની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે અને તેમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શકયતા છે.

(7:32 pm IST)
  • અમરેલી-ખાંભા અને મોટા બારમણની સસ્તા અનાજની બે દુકાનો સીઝ કરાઈ:પુરવઠા વિભાગ દ્વારા તપાસમાં ગેરરીતી જણાતા કરાઈ કાર્યવાહી access_time 9:44 pm IST

  • નેડા : વેનકુવર આઈલેન્ડ પર ભૂકંપના તીવ્ર આંચકા:રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતા માપવામાં આવી:ભયના કારણે લોકો ઈમારતોની બહાર દોડી આવ્યા access_time 4:21 pm IST

  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST