Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

બિલ્ડર વોરાની હત્યા માટે ૭૦ લાખની સોપારી લીધી

સોહરાબ કેસના સાક્ષી આઝમખાનનો ખુલાસો : આઝમખાન પઠાણે ઉદયપુરની એસટીએફ સમક્ષ કરેલી ચોંકાવનારી કબૂલાતના પગલે ગુજરાત પોલીસ વધુ સક્રિય

અમદાવાદ, તા.૨૨ :  સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસના મહત્ત્વના સાક્ષી અને રાજસ્થાનના ગેંગસ્ટર આઝમખાન પઠાણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, અમદાવાદમાં જૂહાપુરાના બિલ્ડર નઝીર વોરાની હત્યા માટે તેણે રૂ.૭૦ લાખની સોપારી લીધી હતી. આઝમખાન પઠાણે ઉદયપુર એસટીએફ(સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) સમક્ષ જુહાપુરાના બિલ્ડર નઝીર વોરા અને જમાલપુરના બિલ્ડર સલીમ જુમ્માખાન પઠાણની હત્યા કરવા માટે ૭૦ લાખ રૂપિયાની સોપારી લીધી હોવાની ચોંકાવનારી કબૂલાત કરતાં હવે ગુજરાત પોલીસ પણ દોડતી થઇ છે. ક્રાઇમબ્રાંચ સહિતની તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલે હવે તપાસમાં સક્રિય બની છે. થોડાક દિવસ પહેલાં ઉદયપુરની એસટીએફએ ખંડણી અને હત્યાના પ્રયાસો સહિત ૧૭ કરતાં વધુ ગુનામાં સંડોવાયેલા આઝમખાન પઠાણની દિલ્હીથી ધરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૬માં જમાલપુર મ્યુનિસિપલ ક્વાર્ટર્સ પાસે બિલ્ડર મહમ્મદ હનિફ નિઝામુદ્દીન શેખ ઉર્ફે હનિફ દાઢીની પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ફાયરીંગ કરીને થયેલી હત્યાના ચકચારી કિસ્સામાં સીઆઇડીએ ઉદયપુરમાં ધરપકડ થયેલા ગેંગસ્ટર આઝમખાન પઠાણની પૂછપરછ કરી હતી. આઝમખાનની ધરપકડ બાદ તેના બે શૂટર સદામ ન્યારગર અને ઇમરાન ઉર્ફે ભુરિયાની પણ એસટીએફની ટીમે બે ઇમ્પોર્ટેડ પિસ્તોલ અને છ જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી હતી. હનિફ દાઢી હત્યા કેસ અંગે સીઆઇડી ક્રાઇમ તેમજ એસટીએફની ટીમે આઝમખાનની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન તેણે અમદાવાદના બિલ્ડર નજીર વોરા અને હથિયારોના બોગસ પરવાના આપવાના કેસમાં ધરપકડ થયેલા સલીમ જુમ્માખાન પઠાણની હત્યા કરવા માટે ૭૦ લાખ રૂપિયાની સોપારી લીધી હોવાની કબૂલાત કરી છે. આઝમખાન પહેલાં હમીદ લાલાની ગેંગમાં કામ કરતો હતો. ત્યારબાદ તેણે સોહરાબુદ્દીન શેખની ગેંગ જોઇન્ટ કરીને ખંડણી અને હત્યાની કોશિશના ગુના કર્યા હતા. અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલની ઓફિસ પર થયેલા ફાયરીંગ કેસમાં સોહરાબુદ્દીન, તુલસી અને આઝમખાન સંડોવાયેલા હતા. પોપ્યુલર બિલ્ડર્સની ઓફિસ પર થયેલા ફાયરીંગના કેસમાં અમદાવાદની કોર્ટે આઝમખાન હાજર નહીં થતાં તેના વિરુદ્ધમાં ધરપકડ વોરંટ પણ ઇશ્યૂ કર્યું છે. જો કે, હવે આઝમખાનના ઉપરોકત ચોંકાવનારા ખુલાસા અને કબૂલાત બાદ અમદાવાદ પોલીસ ખાસ કરીને શહેર ક્રાઇમબ્રાંચ, એટીએસ સહિતની તપાસ એજન્સીઓ પણ આ મામલે તપાસમાં સક્રિય બની છે.

(7:31 pm IST)