Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

GSTનું ૩-B રીટર્ન ભરવાના છેલ્લા દિવસે નેટવર્ક ધાંધીયાઃ હજારો વેપારીઓ ચિંતાતુર

વેઇટ એન્ડ વોચનો મેસેજ આવતા કલાકો સુધી વેપારીઓ સ્ક્રીન સામે બેસી રહયા : ટેકસ એડવોકેટસ એસો. દ્વારા નવા વેપારીઓને અપાયેલ ૩૧ ડીસેમ્બરની મુદત બધાને આપવા માંગણી

રાજકોટ, તા., ૨૨: ગુડસ એન્ડ ટેકસની વ્યવસ્થા હેઠળ ૩ બી રીટર્ન ફાઇલ કરવાના છેલ્લા દિવસે જીએસટીએન સાઇટનું નેટવર્ક ઠપ્પ થઇ જતા હજારો વેપારીઓના ૩ બી રીટર્ન અપલોડ કરવાના રહી ગયા છે. દેશમાં ૧.૧૦ કરોડથી વધુ વેપારીઓ જીએસટીનું રજીસ્ટ્રેશન ધરાવે છે. આ સંજોગોમાં પ૦ ટકા જેટલા વેપારીઓને ઇનપુટ ટેકસ ક્રેડીટ મળવામાં તકલીફ થવાની સંભાવના રહેલી છે.

છેલ્લા દિવસે વેપારીઓ ૨૦૧૭-૧૮ના વર્ષના ખરીદી અને વેચાણની ટુંકી વિગતો આપતા થ્રી બી રીટર્ન અપલોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ઠપ્પ થઇ ગયેલા નેટવર્કમાં એવો મેસેજ આવ્યો હતો કે  આ ક્ષણે નેટવર્કમાં ૧.પ લાખ વેપારીઓના થ્રી બી રીટર્ન અપલોડ થયેલા છે તમારો વારો આવે તેની રાહ જુઓ. આ મેસેજને તાકી રહીને ટેકસ કન્સલ્ટન્ટસની કચેરીના કર્મચારીઓએ અને વેપારીઓએ કલાકો સુધી કોમ્પ્યુટરના સ્ક્રીન પર નજર માંડીને બેસી રહેવાની ફરજ પડી હતી.

ગુજરાતના જ એક ટેકસ કન્સલ્ટન્ટસે એવુ ટવીટ કર્યુ હતું કે દેશમાં જીએસટીની સીસ્ટમ નિષ્ફળ જવા માટે કોઇ કારણ હશે તો તે માત્રને માત્ર ડીજીટલ ઇન્ડીયાની નિષ્ફળતા જ હશે. જીએસટીના રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ નજીક આવે ત્યારે  કાયમ આ જ સ્થિતિ નિર્માણ થઇ હોવાની ફરીયાદ ટવીટર પર કરવામાં આવી છે.

ટેકસ એડવોકેટસ એસોસીએશને જીએસટીએન કાઉન્સીલને ઇ-મેઇલથી કરેલી ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે કે સિસ્ટમ ચાલતી ન હોવાથી વેપારીઓ જીએસટી જમા કરાવી શકતા નથી તેમજ તેમના રીટર્ન ફાઇલ થઇ ગયા છે અને જીએસટી જમા કરાવી દેવામાં આવ્યો છે. તેવા કિસ્સાઓમાં જમા થયેલી રકમ ડીલરના જીએસટીએન નેટવર્કમાંના કેશ લેજરમાં રીફલેકટ જ થતી નથી. પરીણામે વેપારીઓને તેમના રીટર્ન ફાઇલ કરવાની કામગીરી મુલત્વી રાખવાની ફરજ પડી રહી છે.

આ ફરીયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આજે રિટર્ન ફાઇલ નહી કરી શકાય તો કેટલાક ડીલરો તેમણે કરેલી ખરીદી માટે ર૦૧૭-૧૮ માં ચુકવેલા જીએસટીની ક્રેડીટ મેળવી શકશે નહિ. જીએસટી એકટની કલમ ૧૬(૪) હેઠળ તેમને આ ક્રેડીટ મેળવવામાં તકલીફ પડશે. બીજુ જેમના રિટર્ન અપલોડ નહી થાય તેમને ર૧ મી ઓકટોબરની મધરાતથી પેનલ્ટી લાગવાની શરૂ થઇ જશે. તેઓ ડિફોલ્ટર ન હોવા છતાંય તેમને દંડનો બોજ વેંઢારવો પડશે. આ સાથે નવા રજીસ્ટર્ડ થયેલા વેેપારીઓને જે રીતે ૩૧ મી ડીસેમ્બર સુધી રીટર્ન ફાઇલ કરવાની મુદત કરી આપવામાં આવી છે તે જ રીતે સહુ વેપારીઓને પણ રિટર્ન અપલોડ કરવાની ૩૧ મી ડિસેમ્બર સુધી છુટ આપવાની માંગણી કરવામાં આવી છે.

(3:59 pm IST)