Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રાજકોટના ૩૦૦થી વધુ તલાટીઓ હડતાલમાં જોડાયાઃ મહેસુલ તલાટીઓ ફરજ પર...

આજથી ૧૧૮૦૦ પંચાયત તલાટીઓ હડતાલ પર

વિસંગતતા-ફીકસ પગાર ઠરાવ સહિતના મુદ્દે રાજયવ્યાપી હડતાલઃ ગામડાઓમાં તમામ કામગીરી ઠપ્પ...

રાજકોટ તા. રર :.. આજથી રાજકોટના ૩૦૦ થી વધુ સહિત રાજયભરના ૧૧૮૦૦ થી વધુ પંચાયત તલાટીઓ બેમુદતી હડતાલ ઉપર ઉતરી ગયા છે. અને આને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના પંચાયતને લગતા  ખેતી, જમીન ત્થા તમામ બાબતોના સર્વેક્ષણના કામો અટકી પડતા દેકારો બોલી ગયો છે.

 

પંચાયત તલાટી કમ મંત્રીના રાજકોટ જીલ્લાના આગેવાન શ્રી ડાંગરે 'અકિલા' ને ઉમેયુ હતું કે સર્કલ ઇન્સ્પેકટર અંગેની વિસંગતતા, ફીકસ પગાર ઠરાવ સહિત પાંચ મુદા અંગે અનેક વખતો વખત રજૂઆતો છતાં સરકારે કોઇ નિરાકરણ નહી કરતા આખરે   આજથી બેમુદતી હડતાલ શરૂ કરાઇ છે.

 રાજકોટ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળે કલેકટરને આવેદન પાઠવી તલાટી કમ મંત્રી સવર્ગના પ્રશ્નો અંગે કોઇ નિરાકરણ ન આવતા આજથી રાજયભરના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જશે તેમ ઉમેર્યુ હતું.

આવેદનમાં ઉમેર્યુ હતું કે ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહામંડળ તા.૬-૧૦-ર૦૧૮ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ બાદ કોઇ પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહા મંડળની લડત સમીતીની ૧૧-૧૦-ર૦૧૮ને ગુરૂવારના રોજ મળેલ બેઠકમાં નક્કી થયા મુજબ ગુજરાત રાજય તલાટી મહામંડળ તા.રર-૧૦-ર૦૧૮ને આજથી પંચાયતની તમામ કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપેલ હોય તેમજ ગ્રામ્ય કક્ષાએ સરકારશ્રીનું પ્રતિનિધિત્વ કરતા પાયાના કર્મચારી તલાટી કમ મંત્રી સવર્ગના રાજય મંડળના આદેશ અનુસાર રાજયના તલાટી કમ મંત્રી  અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતારી ગયા છે.

વર્ષ ર૦૧૦માં મહેસુલી તલાટીની ભરતી થયા પહેલા ૪૦ વર્ષથી ગુજરાતમાં એક જ તલાટી કમ મંત્રીની એક જ કેડર હતી. જે મહેસુલી રેકર્ડ નિભાવણીથી લઇને પંચાયતી રાજના તમામ કામોનું વહન કરે છે. વર્ષ ર૦૧૪ માં સરકારે મહેસુલી તલાટીઓને ઉપલા વર્ગના પ્રમોશન માટે રૂલ્સ તૈયાર કરીને નોટીફીકેશન બહાર પાડયું ત્યારથી પંચાયતના ૧૦,૪ર૧ તલાટીઓમાં અસંતોષ સર્જાયો હતો. કારણ કે પંચાયતના તલાટીઓ જે દિવસે સેવામાં પ્રવેશ લે ત્યારથી રિટાયર્ડ થાય ત્યાં સુધી તલાટીના તલાટી જ રહે છે. પાયાની સૌથી મોટી કેડરને નજરઅંદાજ કરીને મહેસુલના ૩૬૦૦ તલાટીઓ માટે નિર્ણય લેતા વિવાદ સર્જાયો છે તેમ ઉમેરાયું છે. આ હડતાલમાં મહેસુલી તલાટીઓ જોડાયા  નથી ફરજ ઉપર હાજર હોવાનું ઉમેરાયું છે. (પ-૧ર)

(11:46 am IST)