Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

તલાટીઓની હડતાલ નિવારવા સાંજે બેઠક બોલાવતા અગ્રસચિવ એ.કે. રાકેશ

સંગઠનના નેતાઓ સાથે ચર્ચા થશેઃ બેઠક ફળદાયી ન નિવડે તો પગલા

રાજકોટ તા.૨૨: રાજયના પંચાયતના તલાટી મંત્રીઓએ પોતાની માંગણીઓ સંદર્ભે આજથી હડતાલ શરૂ કરતા રાજય સરકારે રાજય તલાટી મહામંડળના અગ્રણીઓને આજે સાંજે ચર્ચા માટે બોલાવ્યા છે. સરકારે પંચાયતના તલાટીઓની હડતાલની સંભવિત આડઅસર નિવારવા મહેસુલી તલાટીઓ, ગ્રામ સેવકો વગેરેને કામગીરી સોંપવા જિલ્લા તંત્રને સૂચના આપી છે. જરૂર પડે તો સરકાર હડતાલ સામે પગલા ભરવા આગળ વધશે.

તલાટી મહામંડળે અગાઉ સરકારને આવેદન આપી આંદોલનની ચીમકી આપી હતી. તલાટીઓને ઉચ્ચતર પગાર ધોરણમાં થતો અન્યાય નિવારવો, તલાટી મંત્રીને વિસ્તરણ અધિકારી જેવા કે પંચાયત, સહકાર, આંકડા, નાયબ ચીટનીશ જગ્યાએ બઢતી આપવી, ૨૦૦૪માં ફીકસ પગારથી નિમણૂંક પામેલા તલાટીઓને પ્રવર્તતા યાદીમાં સિનિયોરીટી મુજબ સમાવવા, મહેસુલી તલાટીઓની સરખામણીએ પંચાયતી તલાટીઓને કામગીરીની વહેંચણી સમાન ધોરણે કરવી, ફીકસ પગારથી નિમણૂંક પામેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવો વગેરે માંગણીઓનો સમાવેશ થાય છે.

પંચાયત વિભાગના અગ્રસચિવ શ્રી એ.કે. રાકેશ (આઇ.કે.એસ.) હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટિની કામગીરી સંદર્ભે કેવડિયા કોલોની મુકામ કરી રહયા છે. ત્યાં તેમણે આજે સાંજે ૪ વાગ્યે તલાટી મહામંડળના સુકાનીઓને ચર્ચા માટે બોલાવ્યા છે. માંગણીઓ અંગે હકારાત્મક રીતે ચર્ચા થશે. ઉકે આવવાની આશા છે.(૧.૧૨)

 

(11:45 am IST)