Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

નવસારીના જમાલપોર ખાતેની આંગણવાડીમાં બાળકોને સડેલા ચણાનો નાસ્‍તો અપાતા વિવાદઃ વીડિયો વાયરલ

સમગ્ર ઘટનાની જાણ આઇસીડીએમ અધિકારીને થતા તપાસનો આદેશ

નવસારી: કુપોષણ એ ગુજરાત માટે એક કલંકિત શબ્દ બની ગયો છે. ત્યારે આ દૂષણને દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. આંગણવાડીઓમાં આવતા બાળકો માટે વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને તંદુરસ્તી પ્રદાન કરવા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. પરંતુ નવસારી જિલ્લામાં આંગણવાડીમાં જતા બાળકોને સડેલા ચણા આપતા વિવાદ વકર્યો છે.

આંગણવાડી એ ગરીબ બાળકો માટે પોષણયુક્ત આહાર મેળવવાનો એક મહત્વનું માધ્યમ બની ગયું છે. પરંતુ નવસારી શહેરના જલાલપોર વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર સોસાયટીની આંગણવાડીમાં બાળકોને સડેલા ચણા બાફીને નાસ્તામાં આપવામાં આવ્યા હતા. સ્થાનિક આગેવાનો અને વાલીઓને ધ્યાને આવતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેના પગલે આંગણવાડીઓમાં આપવામાં આવતા ખોરાકની પોલ ખુલી છે. આંગણવાડીના ભૂલકાઓને સડેલા ચણા આપતા વાલીઓ ભડક્યા હતા અને આંગણવાડી બહેન સાથે ઉગ્ર ચર્ચાઓ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ આઈસીડીએસ અધિકારીને થતા તપાસના આદેશ આપ્યા છે.

એક તરફ કુપોષણના કારણે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ પર વારંવાર આંગળીઓ ચીંધવામાં આવે છે. આંગણવાડી વર્કરોને પૂરતા પ્રમાણમાં ભથ્થું ન આપવું તથા ધાત્રી માતાઓને અથવા તો આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર માટે યોગ્ય ચુકવણું ન કરવાના કારણે પણ વારંવાર વિવાદો થતા હોય છે. ત્યારે નવસારી જિલ્લામાં સડેલા ચણા આપવાના મુદ્દાને લઈને રાજકારણ પણ ગરમાયું છે.

(5:20 pm IST)