Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સુરતમાં ધો.12ની વિદ્યાર્થીનીને ઇન્‍સ્‍ટાગ્રામ પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરી કાફે પાસે બોલાવી હેરાન કરતો આરોપી સાજીદને જેલ ભેગો કરતી પોલીસ

કેટલાક દિવસથી ઉદાસ રહેતી સગીરાને માતા-પિતા દ્વારા પૂછપરછ કરાતા તમામ હકીકત વર્ણવતી દીકરી

સુરત: રાજ્યમાં મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓ પર દુષ્કર્મના કેસ વધી રહ્યા છે, ત્યારે કતારગામના ફુલપાડા રોડ વિસ્તારમાં રહેતા જરી વેપારીની પુત્રી અઠવાલાઇન્સની સ્કૂલમાં ધો. 12 માં અભ્યાસ કરે છે અને ત્યાંથી બારોબાર ભટાર વિસ્તારમાં ટ્યુશન જાય છે.

કિશોરી છેલ્લા કેટલાક દિવસથી ઉદાસ રહેતી હોવાથી ગત સાંજે ટ્યુશનથી પરત આવ્યા બાદ માતા-પિતાએ ઉદાસ રહેવાનું કારણ પૂછતા રડતા-રડતા કરીનાએ કહ્યું હતું કે સ્કૂલેથી છૂટયા બાદ ટ્યુશન જવા પહેલા ફ્રેન્ડ સાથે સિટીલાઇટ રોડ સ્થિત અશોક પાન સેન્ટર નજીક અજય કાફેમાં નાસ્તો કરવા જાય છે. તે દરમિયાન મહિના અગાઉ કાફે ઉપર આવતા સાજીદ નામના યુવક સાથે મિત્રતા થઇ હતી.

દરમિયાનમાં સાજીદે ઇન્સ્ટાગ્રામ પર કાફેની બહાર તેઓ મળતા ત્યારે પાડેલા ફોટો મોકલાવી પ્રેમજાળમાં ફસાવી હતી અને જયારે પણ કાફે પાસે મળતો ત્યારે શારિરીક અડપલા કરવાની સાથે કીસ કરતો હતો. કિશોરીએ ઇન્કાર કરતા સોરી કહેતો હતો. પંદરેક દિવસ અગાઉ ઘોડદોડ રોડ સ્થિત કરીમાબાદ સોસાયટીમાં રહેતી તેની બહેનના ઘરે વાત કરવાના બહાને લઇ ગયો હતો.

જયાં બહેનની ગેરહાજરીમાં સાજીદે કિશોરી સાથે શારિરીક અડપલા કરી છૂટછાટ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કિશોરીએ ગુસ્સો કરી વિરોધ કરતા સાજીદે પુનઃ સોરી કહ્યું હતું. સાજીદ વારંવાર શારિરીક છૂટછાટ લેવાનો પ્રયાસ કરતો હોવાથી કિશોરીએ વાત કરવાનું ઓછું કરી દીધું હતું. પરંતુ સાજીદે કાફેની બહાર કીસ કરતા ફોટો બતાવી જો તું મને નહીં મળે અને ઇન્સ્ટા પર ચેટ નહી કરે અને વિડીયો કોલ નહીં કરે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી પોતાની આબરૂ બચાવવા કિશોરીને વાત કરતી હતી પરંતુ ત્યાર બાદ પોતે સિગારેટ પીતો હોવાથી કરીનાને પણ સિગારેટ પીવા માટે દબાણ કરતો હતો.

એટલું જ નહીં, ઇન્સ્ટાગ્રામ પર વિડીયો કોલ કરી કપડા કઢાવતો હતો અને છેલ્લા એકાદ અઠવાડિયાથી શારિરીક સંબંધ બાંધવાની માંગણી કરે છે. જેને પગલે માતા-પિતા ચોંકી ગયા હતા અને ગત રોજ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ઉંમર પોલીસે આરોપી સાજીદની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

(5:18 pm IST)