Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સુરત લોકઅપમાંથી ભાગી 15 વર્ષથી ગંભીર ગુન્‍હાનો નાસતો-ફરતો આરોપી હબીબખાન ઉર્ફે સિકંદર ઝડપાયો

વોન્‍ટેડ આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા 20 હજારનું ઇનામ જાહેર કરાયુ હતુ

સુરત: સુરતના મોસ્ટ વોન્ટેડ ટોપ-160 આરોપી પૈકી વર્ષ 2008માં સચિન પોલીસ મથકમાં નોંધાયેલા ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલા અને લોકઅપમાંથી ભાગી ગયેલા આરોપીને PCB પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો હતો. તેને પકડી પાડવા પોલીસે 20 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

સુરત શહેર પોલીસ દ્વારા આવા ગંભીર પ્રકારના ટોપ 15 આરોપીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં સમાવિષ્ટ આરોપી પર શહેર પોલીસ દ્વારા 20000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપી હસીબખાન ઉર્ફે સિકંદર હબીબખાન પઠાણની સુરતના રાંદેર ખાતે આવેલા સુલતાનિયા જીમખાના ખાતેથી PCBએ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ પોતાના ભાઈ અને અન્ય સાગરીતો સાથે મળી જમીનના ચાલી રહેલા ઝઘડા મુદ્દે મહિલા ઉપર તલવાર અને લાકડા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

વર્ષ 2008માં આરોપી હસીબખાન ઉર્ફે સિકંદર હબીબખાન પઠાણ ઉન ખાતે આવેલા ગુલનાઝ નગર ખાતે પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે વેળાએ ઉન ગામ ખાતે આવેલા તળાવ ફળિયામાં અર્ચનાદેવી વિદ્યાનંદ ઠાકોર સાથે જમીન બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં તેણે તથા તેના સગાભાઈ રકીબ ખાન ઉર્ફે રાજા તથા સાદિક યાકુબ શેખ અને સલીમ અનસારીએ ભેગા મળી તલવાર અને લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે ગુનામા પોલીસે તેનીતથા તેના ભાઈ રકીબ ખાન ઉર્ફે રાજાની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવ્યા હતા.

PSO ટેબલ પાસે પોલીસ દ્વારા આરોપીને હથકડીથી બાંધી તેની પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન હાથમાં બાંધેલી હથકડી હાથમાંથી સરકાવી પોતે ત્યાંથી ભાગી છુટ્યો હતો. આ ગુનાનો આરોપી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો. આરોપી હસીબખાન ઉર્ફે સિકંદર હબીબખાન પઠાણ સુરતના રાંદેર સુલતાનિયા જીમખાના ખાતે આવેલા ઘર નંબર 108માં રહેતો હોવાની માહિતી PCBને મળી હતી. આ માહિતીના આધારે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત પીસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.

(5:18 pm IST)