Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ઓકટોબરના પ્રથમ અઠવાડીયામાં મેઘરાજાનો રાઉન્‍ડ આવી શકે

આજથી ચાર દિવસ ગુજરાતના ૧૭ થી વધુ તાલુકાઓમાં હળવાથી મધ્‍યમ વરસાદ પડશેઃ હવામાન ખાતુ : આજે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં આગાહી, જો કે રાજયના એકપણ જિલ્લામાં રેડ એલર્ટ નથી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્‍ડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હાલ મેઘરાજા થોડા શાંત જોવા મળી રહ્યા છે. રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે. જોકે, હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગઈ નથી. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી ૪ દિવસ સુધી રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના ૧૭થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી છે. આ તાલુકાઓમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી છે. આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. જોકે, હાલ રાજ્‍યના એક પણ જિલ્લામાં રેડ અલર્ટ નથી.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાયક્‍લોનિક સકર્યુલેશન બની ગયું હતું અને હવે તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્‍ટમ લો-પ્રેશર એરિયા બન્‍યા બાદ આગળ વધશે અને તે ફરી ગુજરાત કેટલાક વિસ્‍તારોમાં વરસાદ વરસાવે તેવી શકયતા જણાઈ રહી છે. 

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્‍ણાંતો કહી રહ્યા છે કે, ઓક્‍ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્‍ડ જોવા મળી શકે છે. તા. ૯ અને ૧૦ ઓક્‍ટોબર સુધીમાં રાજ્‍યમાંથી ચોમાસું વિદાય લેશે.

ચોમાસાના ચોથા રાઉન્‍ડના વરસાદથી ચાલુ સપ્‍ટેમ્‍બર મહિનામાં રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં ૧૬૮.૮૪ એમ એમ વરસાદ પડી ચૂકયો છે. રાજ્‍યમાં વરસાદની ટકાવારી ૧૦૦ ટકાથી પણ વધી ગઈ છે. ચોમાસાના ભારેથી અતિભારે વરસાદના પગલે રાજ્‍યના પૂર પ્રભાવિત નવ જિલ્લામાંથી ૧૯,૩૬૦ લોકોનું સલામત સ્‍થળે સ્‍થળાંતર કરવામાં આવ્‍યું છે, જ્‍યારે અત્‍યાર સુધીમાં ૧૦૭૬ લોકોનું રેસ્‍કયૂ કરાયું છે.

(11:50 am IST)