Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રાજપીપળા મચ્છી માર્કેટમાં રૂ.૨.૧૩ કરોડના ખર્ચે શેલ્ટર હોમની સુવિધા ઉભી કરાશે

જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ હેઠળ જિલ્લા પ્રશાસનની વધુ એક પ્રશસ્ય પહેલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનો નોંધારાનો આધાર પ્રોજેક્ટ બેસહારા અને બેઘર,ઉપર આભ અને નીચે ધરતીની દયનીય હાલતમાં જીવન ગુજરાત લોકોના સુવિધાજનક પુનર્વસન માટેની જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને નર્મદા જિલ્લા પ્રશાસનની માનવતા અને સંવેદનાસભર પહેલનું મોડલ બનતો જાય છે.
  આ પ્રોજેક્ટમાં વધુ એક પીંછુ ઉમેરતા નક્કર સોપાન રૂપે હવે રૂ.૨.૧૩ કરોડના ખર્ચે એક આશ્રય ઘર (શેલ્ટર હોમ) બનાવવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે આવા વંચિત ઘર- વિહોણા લોકોને સુખ સુવિધાસભર રાત્રી વિસામાની સુરક્ષિત સુવિધા આપશે.એટલું જ નહિ ગામડાંઓમાંથી હટાણું કરવા રાજપીપલા આવ્યા હોય અને છેલ્લી બસ ચૂકી જવાના પગલે મૂંઝવણમાં મુકાયા હોય એવા અકિંચન ગ્રામીણો પણ અહી સુરક્ષા અને સુવિધાના વાતાવરણમાં રાત ગુજારાની સગવડ મેળવી શકશે.
 નર્મદા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા સ્થાનિક પદાધિકારીઓ, સેવાભાવી સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે લોક સહયોગ અને જનભાગીદારી થકી અમલી “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં રાજપીપલા શહેર અને તેની આસપાસના નજીકના વિસ્તારમાં ફૂટપાથ પર રહીને રઝળતું જીવન ગુજારતા લોકોને સેન્ટ્રલ કિચનના માધ્યમથી બે ટંક ભોજન, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તથા સરકારી વિવિધ યોજનાકીય લાભો થકી તેમને આત્મનિર્ભર બનાવી સમાજ-રાષ્ટ્રની મુખ્ય ધારા-પ્રવાહમાં જોડવાની માનવતાવાદી પ્રવૃત્તિમાં વધુ એક સુવિધા માટે રૂા.૨.૧૩ કરોડના ખર્ચે રાજપીપલામાં શેલ્ટર હોમ સુવિધાના પ્રોજેક્ટને રાજ્ય સરકાર તરફથી સૈધ્ધાંતિક મંજૂરી અપાઇ છે.
 નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આપેલી માહિતી મુજબ અંદાજે ૫૦ થી ૬૦ હજારની વસ્તી ધરાવતા રાજપીપલા નગરપાલિકા ધ્વારા DAY-NULM- નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનની શહરી ઘર વિહોણા લોકો માટે આશ્રય ( SUH ) ઘટક અંતર્ગત ઘર વિહોણા લોકો માટે મચ્છી માર્કેટ પાસે, રાજપીપલામાં શેલ્ટર હોમના બાંધકામ માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન તરફથી અપાયેલા માર્ગદર્શન મુજબ સદરહું શેલ્ટર હોમમાં ઘર વિહોણા લોકો માટે રાત્રે સૂવા માટે રૂમ, સ્નાન અને શૌચાલયની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, રસોઇ, પ્રાથમિક સારવાર કિટ્સ વગેરે જેવી સુવિધાઓ પૂરી પડાશે. આ અદ્યતન શેલ્ટર હોમમાં ૧૦૦ જેટલા લોકોને લાભ મળી શકશે, જેમાં સ્ત્રી-પુરૂષો માટે અલગ અલગ રૂમો, ફેમીલી, દિવ્યાંગજનો માટે પણ અલગ રૂમોની વ્યવસ્થા ઉભી કરાશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, નગરપાલિકા ઓના સુરત ખાતેના પ્રાદેશિક કમિશ્નર અરવિંદ વિજયન તેમજ રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલદેવ ઢોડીયાના પ્રયાસોથી રાજપીપલા નગરપાલિકા ધ્વારા રાજપીપલા શહેરને શેલ્ટર હોમની સુવિધા શક્ય તેટલી વહેલી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા કલેકટર ડી.એ.શાહે આ શેલ્ટર હોમ મંજૂરી માટેની નિયમાનુસાર દરખાસ્ત સરકારમાં ઝડપથી રજૂ કરવા રાજપીપલા નગરપાલિકાના તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શિકા પૂરી પાડી દરખાસ્તને લગતી તમામ બાબતોને રાત-દિવસ જોયા વિના તેના કન્સલ્ટન્ટ સાથે જરૂરી પરામર્શ  કરીને તાકીદના ધોરણે જરૂરી નકશા-અંદાજો તૈયાર કરી પાંચ વર્ષ સુધી તેની નિભાવણીની બાબતના સમાવેશ સહિત તાત્કાલિક સરકારશ્રીમાં NULM માં રજૂ કરી શહેરી વિકાસ વિભાગની તાજેતરમાં જ રાજ્યકક્ષાની મળેલી સ્ટીયરીંગ કમિટીમાં (PSC) ની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી છે. રાજપીપલા નગરપાલિકા ધ્વારા આ શેલ્ટર હોમ પ્રોજેક્ટની તાંત્રિક મંજૂરીની પ્રક્રિયા પ્રગતિ હેઠળ હોઇ, આગામી ટૂંક સમયમાં તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.

(10:23 pm IST)