Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી : NDRF અને SDRFની ટીમો એલર્ટ રાખવા સૂચના

પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના: રાજકોટ,જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર ,દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની શક્યતા

અમદાવાદ :  ગુજરાતમાં છેલ્લા કેટલાક સમથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સારા વરસાદને લઈ ખેડૂતોમાં હાલ ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી 26 તારીખ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમા 183 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં પંચમહાલ, વલસાડ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજયમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. ત્યારે આજ રોજ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે તથા રાજકોટ,જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર ,દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સાથે 25 અને 26 સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદની સંભાવના છે. 23મી તારીખ સુધી વરસાદનું જોર ઘટી જવાની શક્યતા છે. પરંતુ 24-25 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આમ ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં પણ વરસાદનો વરતારો છે.

NDRF અને SDRFની ટીમો પણ એલર્ટ મોડ પર – આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાના કારણે બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRFને સૂચના આ૫વામાં આવી છે.

(8:08 pm IST)