Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સુરત:30 હજારની લાંચ લેવા બદલ મજૂરના તલાટી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત, : સુરતના એક વકીલની પત્નીની વડીલોપાર્જીત જમીનમાં વારસાઇ કરવાની હોવાથી પેઢીનામું બનાવી બાદમાં અસલ પેઢીનામું આપવા માટે મજૂરાના તલાટીએ વકીલને એક મહિના સુધી ધક્કા ખવડાવી રૂ.30 હજારની લાંચ માંગી હતી. વકીલે સુરત એસીબીનો સંપર્ક કરતા આજરોજ છટકું ગોઠવ્યું હતું ત્યારે તલાટી વકીલને પોતાની ઓફિસની બાજુના શૌચાલયમાં લઈ ગયા હતા અને ત્યાં લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીએ બંનેને ઝડપી લીધા હતા. એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં રહેતા એક વકીલની પત્નીની વડીલોપાર્જીત જમીનમાં વારસાઇ કરવાની હોવાથી પેઢીનામું બનાવવા માટે વકીલે અઠવાલાઇન્સ સ્થિત મજુરા રેવન્યુ તલાટીની ઓફિસમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. મજૂરાના રેવન્યુ તલાટી સાગર ચતુરભાઇ ભેસાણીંયાએ ગત 26 ઓગષ્ટના રોજ પેઢીનામું તૈયાર કરી દીધું હતું. જોકે, અસલ પેઢીનામું આપવા માટે મહિના સુધી ધક્કો ખવડાવ્યા બાદ લાંચ પેટે રૂ.30 હજારની માંગણી કરી હતી. તે સમયે તલાટી સાગર ભેંસાણીયાની સાથે તેનો સાગરીત હિરેન ગોસાઇભાઇ પટેલ પણ હતો અને તલાટીએ લાંચની રકમ તેને આપવા કહ્યું હતું. આ અંગે વકીલે સુરત ગ્રામ્ય એસીબીનો સંપર્ક કરતા આજરોજ એસીબી સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એસીબી પીઆઈ આર.કે.સોલંકીએ છટકું ગોઠવ્યું હતું. તે મુજબ વકીલ તલાટીની ઓફિસમાં તલાટી સાગર ભેંસાણીયાને મળતા તેમણે હિરેનની હાજરીમાં વાત કરી પૈસા આપવા કહ્યું હતું. તલાટી વકીલને પોતાની ઓફિસની બાજુમાં આવેલા શૌચાલયમાં લઈ ગયો હતો અને ત્યાં લાંચના રૂ.30 હજાર સ્વીકાર્યા તે સાથે જ એસીબીએ તલાટીને તેમજ તેના સાગરીતને ઝડપી લીધા હતા. આ અંગે એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:57 pm IST)