Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની પ્રથમ બેઠક સંપન્નઃ ભારે વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ-જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પરિવારો-પશુપાલકો માટે સહાયના ધોરણો જાહેરઃ ૭ હજાર ઘરવખરી સહાય અને ઝુપડા-ઘર રીપેરીંગ માટે ૧૦ હજારની સહાય

ઘરવખરી સહાય/-ઝુંપડા-કાચા પાકા મકાનોની નુકશાન સહાય-પશુ મૃત્યુ સહાયમાં વધારો કરી આપત્તિગ્રસ્તોની પડખે ઊભી રહેતી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારઃ મહેસુલ મંત્રી-શિક્ષણમંત્રીઍ વધારાની સહાયના નિર્ણયો જાહેર કર્યાઃ અંશતઃ નુકશાન પામેલા પાકા મકાનની સહાય પેટે રૂ.૧૫ હજાર મળશેઃ અંશતઃ નુકશાન પામેલા કાચા મકાનોની સહાયમાં રૂ.૬૮૦૦ન વધારો કરાશેઃ દુધાળા મોટા પશુ મૃત્યુ સહાય હવે પાંચ પશુ સુધી પશુ દિઠ રૂ.૫૦ હજાર પ્રમાણે અપાશેઃ ઘેટા-બકરા જેવા દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં પશુ ઠિ રૂ.૫ હજાર સહાય રાજ્ય સરકાર આપશે

રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓનું નુકશાન પામેલા પ્રજાજનો પ્રત્યે સંપૂર્ણ સંવેદનાથી સરકાર તેમની પડખે ઊભી છે તેવી પ્રતિબદ્ધતાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શિક્ષણ મંત્રી શ્રી જીતેન્દ્રભાઇ વાઘાણીએ મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયોની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે આ વરસાદી આફતનો ભોગ બનેલા આ ત્રણ જિલ્લાના  લોકો, પશુપાલકોને ઉદારત્તમ મદદ-સહાય માટે પ્રવર્તમાન SDRFના સહાય ધોરણો ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધારાની સહાય આપવાની સંવેદના દર્શાવી છે.

મંત્રીશ્રીઓએ આ સંદર્ભમાં વધુમાં જણાવ્યું કે, ભારે વરસાદથી ઘરવખરીને નુકશાન કે તણાઇ જવાના કિસ્સામાં SDRFની રૂ. ૩૮૦૦ની સહાયમાં આજે મંત્રીમંડળે વધારાના રૂ. ૩ર૦૦ની સહાય આપીને પરિવાર દિઠ રૂ. ૭૦૦૦ ઘરવખરી સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે, તીવ્ર વરસાદથી જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તેવા કિસ્સામાં રાજ્ય સરકારે રૂ. પ૯૦૦નો વધારો આપવાનો નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, નાશ પામેલા ઝૂંપડાઓ માટે SDRFના રૂ. ૪૧૦૦માં રાજ્ય સરકારના વધારાના રૂ. પ૯૦૦ મળી હવે ઝૂંપડા દિઠ રૂ. ૧૦ હજારની સહાય અપાશે.

મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ અને શ્રી જીતુભાઇએ જણાવ્યું કે, રાજ્ય સરકારે મકાન સહાય ઉપરાંત પશુમૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં કર્યો છે.

આ અંગેની વધુ વિગતો આપતાં બંને મંત્રીશ્રીઓએ કહ્યું કે ભારે વરસાદથી અંશત: નાશ પામેલા પાકા મકાનો માટે SDRF અન્વયે મળવાપાત્ર રૂ. પર૦૦ ઉપરાંત રાજ્ય સરકારના વધારાના રૂ. ૯૮૦૦ મળી હવે આવા મકાનો માટે મકાન દિઠ રૂ. ૧પ હજાર રાજ્ય સરકાર આપશે.

તેમણે એમ પણ ઉમેર્યુ કે, જે કાચા મકાનો ભારે વરસાદને પરિણામે અંશત: નાશ પામ્યા છે તેવા મકાનો માટેની સહાયમાં રાજ્ય સરકારે રૂ. ૬૮૦૦નો વધારો કર્યો છે. તદઅનુસાર, SDRFના ધોરણો મુજબ રૂ. ૩ર૦૦ મળવાપાત્ર સહાય અને વધારાની રૂ. ૬૮૦૦ એમ કુલ ૧૦ હજારની સહાય ચુકવવામાં આવશે.

મહેસુલ મંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીએ અતિ વરસાદની પરિસ્થિતીમાં મૃત્યુ પામેલા નાના-મોટા દૂધાળા પશુઓની પશુ મૃત્યુ સહાયના ધોરણોમાં કેબિનેટ બેઠકે કરેલા વધારાની વિગતો પણ આપી હતી.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાય, ભેસ જેવા મોટા દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં અગાઉ માત્ર ૩ પશુ મૃત્યુ સુધી જ સહાય ચુકવવામાં આવતી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પશુપાલકોને પશુઓના મૃત્યુથી થયેલા નુકશાન અંગે સહાનૂભુતિ દર્શાવતાં હવે પાંચ પશુ સુધી આવી મૃત્યુ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

એટલું જ નહિ, SDRFના ધોરણો મુજબ રૂ. ૩૦ હજારની પશુ મૃત્યુ સહાય પશુ દિઠ મળતી હતી. તેમાં વધારાના રૂ. ર૦ હજાર રાજ્ય સરકાર આપશે તેવો પણ નિર્ણય કર્યો છે.

આમ, હવે દૂધાળા મોટા પશુ મૃત્યુના કિસ્સામાં પાંચ પશુ મૃત્યુ સુધી પશુ દિઠ રૂ. પ૦ હજારની સહાય પશુપાલકોને અપાશે.

વરસાદની આ સ્થિતીમાં આ ત્રણ જિલ્લાઓમાં ઘેટાં-બકરાં જેવા નાના દૂધાળા પશુઓના પણ મૃત્યુ થયાના કિસ્સા રાજ્ય સરકારના ધ્યાને આવ્યા છે.  

મંત્રીશ્રીઓએ આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાયમાં પણ પશુ દિઠ રૂ. બે હજારનો વધારો રાજ્ય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટે કરવાનો નિર્ણય કર્યો છે તેની વિગતો આપી હતી.

તેમણે ઉમેર્યુ કે, હવે આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાય પશુદિઠ પ હજાર પ્રમાણે રાજ્ય સરકાર આપશે.

મંત્રીશ્રીઓએ કહ્યું કે, ભારે વરસાદને કારણે પશુઓ બાંધવાની ગમાણ-કેટલ શેડને પણ નુકશાન થયું હોય ત્યાં SDRFના રૂ. ર૧૦૦ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી રૂ. ર૯૦૦ વધારાના મળી કુલ રૂ. પ૦૦૦ની સહાય શેડ-ગમાણ દિઠ આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ વરસાદી આફતમાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્તોની મદદ સહાય માટે સદૈવ તત્પર છે અને આ સુધારેલા ધોરણો મુજબ સહાય ચુકવણી માટેના જરૂરી આદેશો પણ કરવામાં આવ્યા છે.

(5:29 pm IST)