Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

તમાકુના વ્‍યસનના કારણે કરજણના 52 વર્ષના દર્દીના મોઢામાં કીડા પડયાઃ ચહેરાનો મોટાભાગનો ભાગ કોહવાઇ ગયોઃ વડોદરાના પ્‍લાસ્‍ટીક સર્જન ડો. હિમાંશુ નાયક અને ટીમ દ્વારા સફળ સર્જરી

આસપાસ કોઇ ઉભુ ન રહી શકે તેવી દુર્ગંધ આવતીઃ 1 હજારથી વધુ પાતળા ટાંકા લેવાયા

વડોદરાઃ વ્યસનીઓનુ વ્યસન જલ્દી છૂટતુ નથી. કોઈ પણ પ્રકારનું વ્યસન માણસ માટે જોખમી હોય છે. તેનાથી કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. વડોદરાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તમાકુના વ્યસનીના મોઢામાં કીડા પડી ગયા હતા. આંખ સિવાયનો તેમના ચહેરાનો મોટાભાગનો કિસ્સો કહોવાઈ ગયો હતો. ત્યારે તમાકુના બંધાણીઓ માટે આ ચેતી જવા જેવો કિસ્સો છે. આવા કિસ્સામાં તબીબોએ દર્દીને નવો ચહેરો આપીને રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતની આ સંભવત પ્રથમ સર્જરી બની છે.

કરજણના 52 વર્ષીય દર્દી પર વડોદરાના પ્લાસ્ટિક સર્જન ડો.હિમાંશુ નાયક દ્વારા સર્જરી કરવામાં આવી છે. 11 કલાક ચાલેલી સર્જરીમાં ત્રણ તબીબોની ટીમે ઓપરેશન કર્યુ હતું. જેના બાદ દર્દીને નવો ચહેરો આપવામાં આવયો હતો. આ સર્જરીમાં પ્લાસ્ટિક સર્જન ડો. નાયક, ડો. નીરવ મહારાજા ઉપરાંત કેન્સર તજ્જ્ઞ ડો. પ્રિયાંક રાઠોડ પણ જોડાયા હતા.

ચહેરામાં કીડા પડ્યા હતા, માથુ ફાટી જાય તેવી દુર્ગંધ મારતી

કરજણ વિસ્તરાના 52 વર્ષીય શખ્સને તમાકુ ખાવાની આદત હતી. આ વ્યસનથી તેમના મોઢામાં ગાંઠ થઈ હતી. આ ગાંઠ એટલી હદે સડી ગઈ હતી કે, તેમાં કીડા પડી ગયા હતા. એટલુ જ નહિ, આ શખ્સનો ચહેરો એટલી હદે સડી ગયો હતો કે માથુ ફાટી જાય તેવી દુર્ગધ આવી રહી હતી. આસપાસ કોઈ ઉભા રહેવાનું પસંદ ન કરે તેવી હાલત દર્દીની બની હતી.

સફળ ઓપરેશન

દર્દી પર કરાયેલી પહેલા ચાર કલાકની સર્જરીમાં મોઢુ તથા ગાલનો અડધો ભાગ કાઢવામાં આવ્યો હતો. આ ગાંઠ 18 સેન્ટિમીટર લાંબી અને 15 સેન્ટિમીટર પહોળી હતી. તેની અડધી જીભ, ઉપર-નીચેના જડબાંનો ભાગ પણ કાઢી નાખવો પડ્યો હતો. સદભાગ્યે આંખના ભાગે ગાંઠ પહોંચી ન હોવાથી તેને યથાવત્ રખાઈ હતી. આ બાદ શરીરના અન્ય ભાગ પરથી ચામડી લઈને ગાલ પર લગાવાઈ હતી. દર્દીની સર્જરીમાં લગભગ 1000 થી વધુ પતળા ટાંકા લેવાયા હતા. 

(4:36 pm IST)