Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અમદાવાદમાં ફાયર વિભાગની આકરી કાર્યવાહી : 214 શાળામાં ફાયર NOC ના હોવાથી ક્લોઝર નોટિસ ફટકારી

સાત દિવસમાં બિલ્ડીંગ વપરાશ બંધ કરવામાં આવે, જો શાળા આ નોટિસનું ઉલ્લઘન કરશે તો કાયદેસરની કાર્યવાહી

 

અમદાવાદ ફાયર વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનની હદમાં આવેલા તમામ પ્રકારના એકમોને ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ 2013 અનુસાર તથા વિનિયનો 2014/2016 તેમજ સુધારા વિધેયક 2021 હેઠળ ફાયર સેફટી સર્ટિફિકેટ એટલે કે ફાયર એનઑસી મેળવી તથા તેણે વખતો વખત નિયત સમય મર્યાદામાં રિન્યૂ ન કરાવેલ હોય તેવી કુલ 214 શાળાઓને ફાયર સેફટીનો અમલ નહીં કરવા બાબતે દિવસ 7ની મર્યાદામાં છેલ્લી ક્લોઝર નોટિસ ફટકારી છે. જો આ શાળાઑ 7 દિવસના સમય દરમિયાન શાળામાં ફાયર સેફટી અને જો હોય તો રિન્યૂ નહીં કરાવે તો તેમણે કાયદેસર શાળા બંધ કરવાનો વારો આવશે. એકી સાથે 214 જાણીતી શાળાઑ આ નોટિસ બાદ ફફડી ઉઠી છે. પણ બાળકોની સેફટીને ધ્યાનમાં રાખી ફાયર વિભાગે કરેલી આ કાર્યવાહીના વખાણ થઈ રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમય 214માંથી કેટલી શાળાઑ તાબડતોબ ફાયર સુવિધાથી શાળાને સજ્જ કરે છે કે દર વખતની જે રાજિયા ગાઈ કાર્યવાહી સામે રોળા નાખે છે.

  નવરંગપુરાની નવરંગ માધ્યમિક સ્કૂલ, એલિસબ્રિજ સમર્થ ઈંગ્લિશ સ્કૂલ, ચાંદખેડા સરસ્વતી પ્રાથમિક શાળા, જગતપુર માતૃધામ આશ્રમ, શાળા, શેઠ અમુલખ પ્રી-સ્કૂલ, સરખેજની અપોલો પ્રાથમિક શાળા, જમાલપૂરની અનમોલ સ્કૂલ, જમાલપુરની અંજુમન ઈસ્લામ સ્કૂલ, શાહપુરની અસારવા વિદ્યાલય અને ગીતાંજલિ વિદ્યાલય, ગોમતીપૂરની એબી વિદ્યાલય, ઓઠવની હિન્દુ પબ્લિક સ્કૂલ સહિત કુલ જાણીતી 214 શાળાઑને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.

(9:31 pm IST)