Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સુરતમાં એક કરોડના MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ:

પકડાયેલા આરોપીની પૂછપરછમાં સુરતનું કનેકશન ખુલ્યું: રાજ્યભરમાં ડ્રગ્સના રેકેટને તોડવા માટે પ્રયાસ

સુરતઃ સુરત પોલીસે  1 કરોડ રૂપિયાના મુલ્યના MD ડ્રગ્સ  સાથે એક પેડલરની ધરપકડ કરી છે જોકે  પોલીસ હજુ આ મામલે સત્તાવાર રીતે કંઇ કહેવા તૈયાર નથી. બૉલીવુડ સ્ટાર સુશાંતસિંઘ રાજપૂતની આત્મહત્યાની તપાસ દરમિયાન ડ્રગ્સ રેકેટને લઈને થેયલા ખુલાસા બાદ સમગ્ર દેશના પોલીસ દ્વારા ડ્રગ્સના ગોરખધંધા ને તોડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ગુજરાત પોલીસ પણ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ડ્રગ્સના રેકેટને તોડવા માટે પ્રયાસ કરી રહી છે. જેમાં તેમને સફળતા પણ મળી છે, સુરતમાં MD Drugsનું વેચાણ કરતી નાની નાની માછલીઓ અત્યાર સુધી પડકાઈ હતી. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલી ગુપ્ત માહિતીને આધારે ડુમસ વિસ્તારમાંથી અંદાજીત એક કરોડ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો.આ આરોપી પેડલર મૂળ સુરતનો જ છે. તે  પોતે ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

 

પંજાબને ઉડતા પંજાબ કહીને સંબોધિત કરાતું હતું તેવી જ રીતે હાલ ગુજરાતની હાલત પણ એવી જ છે. યુવાનોમાં ડ્રગ્સ જેવા કેફી અને નશીલા પદાર્થોનું સેવન કરવાનું ચલણ વધ્યું છે. જેને કારણે ડ્રગ્સનો ધંધો કરતા લોકો માટે ગુજરાત મહત્વનું રાજ્ય બની ગયું છે. હાલમાં જ બોલિવૂડ અભિનેતા સુશાંત રાજપૂતની આત્મહત્યા બાદ ડ્રગ્સ પડેલરો અને તેની સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હાલ આ મુદ્દે એટલી જ વાત કરી રહ્યા છે કે કાર્યવાહી ચાલી રહી છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ યોગ્ય માહિતી આપશે. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં પકડાયેલા કોઈ આરોપીની પૂછપરછમાં સુરતનું કનેકશન સામે આવ્યું હતું. જેની માહિતી મળ્યા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે.

(11:43 pm IST)