Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

નવા ઔદ્યોગિક એકમો-સંસ્થાઓને સ્થાપના તારીખથી ૧ હજાર દિવસમાં શરતો વિના - શરતોને આધિન ઔદ્યોગિક વિવાદ અધિનિયમ જોગવાઇમાંથી મુકતીઃ ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક વિધાનસભામાં પસાર

ગાંધીનગરઃ નવા સ્થાપાતા ઔદ્યોગિક એકમો-સંસ્થાઓને સ્થાપના તારીખથી ૧ હજાર દિવસમાં શરતો વિના - શરતોનેઆધિન ઔદ્યોગિક વિવાદ અધિનિયમની જોગવાઇમાંથી મુકતી આપવામાં આવશે. આ અંગે ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક વિધાનસભામાંથી પસાર થયેલછે.

આ અંગેની વધુ વિગત જોઇએ તો આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક રજુ કરતા મંત્રીશ્રી ઠાકોરે ઉમેર્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે જેના પરિણામે દેશમાં ગુજરાત આજે રોલ મોડલ પુરવાર થઈ રહ્યું છે ત્યારે નવા સ્થપાતા ઉદ્યોગો - સંસ્થાઓની સ્થાપના માટે સ્થાપના તારીખથી એક હજાર દિવસમાં શરતોને આધીન અથવા શરતો વિના મુક્તિ આપવાનો નિર્ણય આ સુધારા વિધેયકથી કરાયો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્યના ઉત્તરોત્તર થયેલ આર્થિક અને ઔધિગિક વિકાસના આપણે સૌ સાક્ષી છીએ પરંતુ છેલ્લા છ માસથી દેશભરમાં અને રાજ્યમાં પ્રવર્તતી કોવિડ-૧૯ની મહામારીને કારણે રાજ્ય અનેક પડકારોનો સામનો કરી રહ્યુ છે. સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમ કાયદાઓનું અમલીકરણ કરાવવમાં આવે છે. વિવિધ શ્રમ કાયદાઓ પૈકી ઔધોગિક તકરાર અધિનિયમ-૧૯૪૭ ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલો છે. જેનો મુખ્ય ઉદ્દેશ માલિકો અને કામદારો વચ્ચેની તકરારોનું નિરાકરણ સમાધાન,લવાદી અને ન્યાયનિર્ણય દ્વારા લાવવાનો તથા ઔધોગિક શાંતિ જળવાઇ રહે તે જોવાનો છે. આ કાયદાના માધ્યમથી રાજ્ય સરકારે માલિકો અને કામદારોના હિતોનું રક્ષણ થાય અને તેઓ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો જળવાઇ રહે તેવા પગલા હંમેશા લીધા છે.

તેમણે કહ્યું કે, ઔધોગિક તકરાર અધિનિયમ, ૧૯૪૭ના કાયદામાં હાલમાં નવા સ્થાપતા ઔધોગિક એકમો - સંસ્થાઓને  કામચલાઉ રીતે નિશ્વિત સમયગાળા માટે આ કાયદાની કોઇ અથવા તમામ જોગવાઇઓમાંથી મુક્તિ આપવા બાબતે  રાજ્ય સરકારને સત્તા આપતી કોઇ જોગવાઇ થયેલ ન હતી. ભારત સરકારના વિકાસલક્ષી પ્રોગ્રામ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સહભાગી બનવા માટે માલિક તેમજ શ્રમયોગીઓના હિતોને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સુધારો સૂચવવામાં આવેલ છે. 

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ઔધોગિક તકરાર અધિનિયમ-૧૯૪૭ના કાયદામાં નવી
કલમ-૩૬સીનો ઉમેરો કરી નવા સ્થાપતા ઔધોગિક એકમો/સંસ્થાઓને તેઓની સ્થાપના તારીખથી એક હજાર દિવસ માટે આ અધિનિયમની તમામ અથવા અમુક જોગવાઇઓમાંથી શરતોને આધિન અથવા શરતો વિના મુક્તિ આપવા અંગેની જોગવાઇ કરાઇ છે.

તેમણે કહ્યું કે, ઔધોગિક તકરાર અધિનિયમ, ૧૯૪૭નો મુળભૂત ઉદે્શ્ય ઉધોગોમાં માલિકો અને કામદારો અથવા માલિકો અને માલિકો અથવા કામદારો અને કામદારો વચ્ચેની તકરાર અને મતભેદ નિવારવાનો છે. જેને અનુલક્ષીને કરવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ આર્થિક ઉદારીકરણ, રાષ્ટ્રીય વિકાસ અને રોજગારીના પ્રશ્નો ધ્યાને લઇને સુધારવાપાત્ર જણાતા પ્રસ્તુત સુધારાઓ સૂચવવામાં આવ્યા છે.

મંત્રીશ્રી ઠાકોરે આ સુધારાથી થનાર ફાયદાની વિગતો આપતાં કહ્યું કે, કામદારોના હિતની જાળવણી કરવામાં આવી છે અને તેમને લાગુ પડતા કાયદાઓ જેવા કે લઘુત્તમ વેતન અધિનિયમ, બોનસ ચૂકવણી અધિનિયમ કે ગ્રેજયુઇટી ચૂકવણી અધિનિયમ હેઠળ કોઇ મુક્તિ આપવામાં આવેલ નથી. માત્ર ઔદ્યોગિક વિવાદ અધિનિયમની જોગવાઇઓમાંથી મુક્તિ આપવામાં આવનાર છે. અધિનિયમના પાલનને ઉત્તેજન મળશે, ઔધોગિક શાંતિ જળવાઇ રહેશે, ઉધોગોમાં મૂડીરોકાણ વધશે, ઉધોગોની સંખ્યા વધશે, ઉધોગોની સંખ્યા વધવાથી રોજગારી વધશે, તાજેતરમાં પ્રવર્તતી કોવિડ-૧૯ની મહામારીને પરિણામે રાજ્યની ધીમી પડેલ આર્થિક પ્રવૃતિને વેગ મળશે તેમ તેમણે ઉમેર્યુ છે.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે ગુજરાત રાજ્ય આર્થિક ગતિવિધિને વેગ આપવા તથા રોજગારીની તકો વધારવા સરકારને યોગ્ય લાગે તેવા બીજા કિસ્સાઓમાં નવા સ્થપાતા કારખાનાઓને ઉત્પાદન પ્રક્રિયા ચાલુ થયેથી એક હજાર દિવસ સુધી કારખાના ધારા, ૧૯૪૮ અમૂક જોગવાઇના પાલનમાંથી મુક્તિ આપવા સુચિત સુધારો/ઉમેરો કરવામાં આવેલ છે.  જેમાં, નવા સ્થપાતા કારખાનાઓને ઉત્પાદન પ્રક્રિયા ચાલુ થયેથી હજાર દિવસ સુધી કારખાના ધારા-૧૯૪૮ માં સરકાર જાહેરનામાથી ઠરાવે તેવી વિવિધ જોગવાઇના પાલનમાંથી મુક્તિ આપવામાં આવશે. જેથી આર્થિક ગતિવિધિને વેગ મળશે, રોજગારીની તકો વધશે તેમજ ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થાપવા માટે બહારના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળશે. 

મંત્રીશ્રી ઠાકોરે ઉમેર્યુ કે કારખાના ધારા ૧૯૪૮ ની કલમ ૫ માં જાહેર કટોકટીના સમયે કારખાનાઓને કારખાના ધારા, ૧૯૪૮ ની જોગવાઇઓમાંથી મુક્તિ આપવા બાબતે ગેઝેટમાં જાહેરનામુ બહાર પાવાની સત્તા આપવામાં આવેલ છે. જેમાં પબ્લીક ઇમરજન્સીની વ્યાખ્યા પણ આપવામાં આવેલ છે. જેમાં હાલની ઉપસ્થિત થયેલ COVID-19 (Corona Virus) ને કારણે ઉદભવેલ પરિસ્થિતિનો સમાવેશ થતો નથી. જેથી કાયદામાં કલમ ૫ પછી કલમ ૫(એ) થી ઉમેરો / વધારો આર્થિક ગતિવિધિને વેગ આપવા તથા રોજગારીની તકો વધારવા સરકારને યોગ્ય લાગે તેવા બીજા કિસ્સાઓમાં નવા સ્થપાતા કારખાનાઓને ઉત્પાદન પ્રક્રિયા ચાલુ થયેથી ૧૦૦૦ દિવસ સુધી કારખાના ધારા, ૧૯૪૮ અમૂક જોગવાઇના પાલનમાંથી મુક્તિ આપવા સુચિત સુધારો / ઉમેરો કરવામાં આવેલ છે.  જેમાં, કારખાના ધારા, ૧૯૪૮ માં કલમ ૫ પછી કલમ ૫(એ)નો ઉમેરો કરવામાં આવેલ છે. જેનાથી નવા સ્થપાતા કારખાનાઓને ઉત્પાદન પ્રક્રિયા ચાલુ થયેથી ૧૦૦૦ દિવસ સુધી કારખાના ધારા, ૧૯૪૮માં સરકારશ્રીના જાહેરનામાથી ઠરાવે તેવી વિવિધ જોગવાઇના પાલનમાંથી મુક્તિ આપવા ઉમેરો કરવામાં આવેલ છે.

આ સુધારો થવાથી ઘણા હકારાત્મક પરિણામો મળશે. જેમાં આર્થિક ગતિવિધિને વેગ મળશે, રોજગારીની તકો વધારવા સરકારને યોગ્ય લાગે તેવા નવા સ્થપાતા કારખાનાઓને કારખાના ધારા, ૧૯૪૮માં સરકારશ્રીના જાહેરનામાથી ઠરાવે તેવી વિવિધ જોગવાઇના પાલનમાંથી ૧૦૦૦ દિવસ સુધી મુક્તિ આપી શકશે.  ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થાપવા માટે બહારના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળશે. આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે પસાર કરાયું હતું. 

(11:34 pm IST)