Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજ્યમાં ઘર ઘર પીવાનું શુદ્ધ ફિલ્ટર્ડ વોટર નળ દ્વારા પહોંચાડી તંદુરસ્ત-સ્વસ્થ જનજીવનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી

નલ સે જલ’ અન્વયે શુદ્ધ પાણી ગામો-નગરોમાં સૌને આપી ફ્લોરાઇડ મૂક્ત- ક્ષાર મૂક્ત પાણી આપવા નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી:મોરબી શહેર-જિલ્લા માટે રૂ. ૯૭ કરોડની પાણી પૂરવઠા યોજનાઓના લોકાર્પણ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી સંપન્ન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં દરેક ઘરને પીવાનું શુદ્ધ – ફિલ્ટર્ડ વોટર નળ દ્વારા પહોચાડીને સૌના તંદુરસ્ત સ્વસ્થ જીવન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘જલ જીવન મિશન’ અન્વયે ‘નલ સે જલ’ અંતર્ગત સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી નળથી પહોચાડીને ફ્લોરાઇડ મુક્ત, ક્ષાર મુક્ત પાણી આપીને લોકોને પથરી, હાથીપગા જેવા રોગથી મુક્ત કરવા છે.
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડનારી રૂ. ૧૯ કરોડની યોજનાનો ઇ-લોકાર્પણ તેમજ બ્રાહ્મણી ૧ અને ૨ ડેમ આધારિત NCD-૪ ગ્રૂપ સુધારણાની રૂ. ૭૯ કરોડની યોજનાના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા.
એક જ દિવસમાં રૂ. ૯૭ કરોડના વિકાસ કામોની ભેટ તેમણે મોરબીને આપી હતી.
પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તેમજ સચિવશ્રી ધનંજય દ્રિવેદી પણ આ અવસરે ગાંધીનગરથી તેમજ મોરબી ખાતે ભાજપા અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ભૂતકાળમાં નાગરિકોને પાણી માટે બોર કરાવવા પડતા, ડંકી-હેન્ડ પંપ દ્વારા પાણી મેળવવું પડતું અને એક બેડા પાણી માટે ગામડાની બહેનોને દૂર-દૂર જવું પડતું.
‘’આપણે હવે એ સ્થિતિને, પાણીના દુકાળને ભૂતકાળ બનાવી, સૌની યોજનાથી ૧૧૫ ડેમ નર્મદા જળથી ભરીને સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડ્યું છે ’’ એમ તેમણે ઉમેર્યું હતું.
 વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ના મંત્ર સાથે ગટર, પાણી, લાઇટ, રસ્તા જેવી પાયાની સગવડો દરેક ગામ-નગરોમાં આપી છે.
કેન્દ્રની વડાપ્રધન  નરેન્દ્રભાઇ મોદી સરકારે ઘર ઘર શૌચાલયથી સ્વચ્છતા-સ્વસ્થતા સૌને આપી છે. બહેનોને રસોડામાં ઘૂમાડાથી મુક્તી આપવા ઉજ્જવલા યોજનામાં ગેસના ચૂલા આપ્યા છે.
હવે, સ્વસ્થ-તંદુરસ્ત જીવન માટે ‘હર ઘલ જલ’ અન્વયે ‘નલ સે જલ’ તહેત દેશના દરેક ગામ-નગરના તમામ ઘરોને ૨૦૨૪ સુધીમાં નળથી શુદ્ધ પાણી આપવાની સંકલ્પબદ્ધતા રાખી છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં આ લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં પૂરો કરી તમામ ગામો, ઘરોને નળથી જળ આપવું છે. આગામી તા.૨ ઓક્ટોબરે રાજ્યના પાંચ જિલ્લા ‘નલ સે જલ’નો ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ કરશે તે પછી સમગ્ર રાજ્યમાં આ લક્ષ્ય પૂર્ણ કરવાની નેમ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં ૨૪×૭ ઘરે-ઘરે પીવાના પાણીની યોજનાના ભૂમિપૂજનની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભવિષ્યમાં રાજ્ય આખામાં આ યોજના લાગુ કરીને ગામડાની બહેનોને પણ ૨૪ કલાક નળ ખોલે અને પાણી મળે તેવી સ્થિતિ ઊભી કરવી છે.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણના આ કાળમાં પણ રાજ્યની વિકાસયાત્રા અટકવા દીધી નથી અને કોરોના સામે, કોરાના સાથે સંપૂર્ણ સર્તકતાથી આગળ વધતાં ચાર મહિનામાં રૂ. ૧૦,૪૭૧ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે તેમ પણ ઉમેર્યું હતું.
 વિજયભાઇ રૂપાણીએ મોરબી શહેર અને જિલ્લામાં પાણીની અછત ન રહે અને પૂરતું પાણી મળી રહે તે માટે સમગ્રતયા રૂ. ૧૫૧ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપેલી છે તેમ ઉમેર્યું હતું.
આ યોજના મોરબીની જહોજલાલીને પૂન-પ્રસ્થાપિત કરશે અને સિરામીક ઉદ્યોગથી વિદેશી હુડિયામણ મેળવતું મોરબી વધુ સમુદ્ધ થશે તેવી અપેક્ષા  વિજયભાઇ રૂપાણીએ વ્યક્ત કરી હતી.
પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, રાજ્ય સરકારે ગામે ગામ પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલોજી યુક્ત મેપીંગ કર્યું છે.
જૂથ પાણી પૂરવઠા યોજના, પાણી ન મેળવતા ગોમો, જૂથ પાણી પૂરવઠા સિવાય પાણી મેળવતા ગામો એમ વિવિધ ટેલિસ્કોપીક મેપીંગથી પાણી પૂરવઠાનું સુદઢ યોજન કર્યું છે તેની ભૂમિકા તેમણે આપી હતી.
મોરબીની આ યોજનાથી ૭૯ ગામો અને ૭ પરાને પાણી સુવિધા મળતી થશે તેનો આનંદ તેમણે દર્શાવ્યો હતો.
પાણી પૂરવઠા સચિવ ધનંજય દ્રિવેદીએ પ્રારંભમાં આ યોજનાની રૂપરેખા આપી હતી

(9:49 pm IST)