Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જો થોડી સાવચેતીઓ રાખવામાં આવે તો મેલેરીયાને ચોક્કસ હરાવી શકાય તેમ છે

સૌના સહિયારા પ્રયત્નોથી જ આપણે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૨૦૨૨ સુધી ગુજરાત અને ૨૦૩૦ સુધીમા સંપૂર્ણ ભારતને મેલેરિયા મુક્ત બનાવી શકીશુ.

લેખકઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) :  રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૨૦૨૨ સુધી ગુજરાત અને ૨૦૩૦ સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવો લક્ષાંક આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવેલ છે. મેલેરીયા થવાનું એકમાત્ર કારણ મચ્છર જ છે. જો મચ્છર જ નહિ હોય તો મેલેરીયા નહી થઇ શકે. આપણો દુશ્મન મચ્છર આપણા ઘરમાં જ છે અને બહાર પણ છે. જો આપણે થોડી સાવચેચીઓ રાખીએ તો મેલેરીયાને ચોક્કસ હરાવી શકાય તેમ છે. મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીને આપણે મચ્છરની ઉત્પત્તિ અટાવીશું તો ચોક્કસ મેલેરીયા થતો આટકાવી શકીશુ. તો ચાલો આપણે મેલેરીયા વિશેની પ્રાથમિક જાણકારી મેળવીએ.
મેલેરિયા એ ઠંડી સાથે ચઢઉતરીયા તાવ અને માથાના દુઃખાવાના લક્ષણો ધરાવતો રોગ છે. ક્યારેક અચાનક તાવ આવે ફરી વખત જતો રહે તેવાં શરૂઆતી પરિબળો ધરાવે છે. ઘણાં ગંભીર કિસ્સામાં બેભાન અથવા કયારેક મૃત્યું પણ થઈ શકે છે. મેલેરિયા એક પરોપજીવી જેને પ્લાઝમોડિયમ તરીકે ઓળખવામાં આવે છે તેના કારણે થાય છે. સામાન્ય રીતે તેની શરૂઆત એનોફિલિસ તરીકે ઓળખાતા ચેપી માદા મચ્છરોના કરડવાના કારણે થાય છે, જે પરોપજીવીઓને પોષે છે. આ રોગ ઉપ સહારા આફ્રિકા અને એશિયાના મોટાભાગના વિસ્તારો સહિત ભૂમધ્ય રેખાની આસપાસ ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. મેલેરીયા વર્ષાઋતુ દરમ્યાન અને તે પછી પણ મચ્છરોના પ્રજનનના કારણે વધુ ફેલાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યાં  અનુસાર દક્ષિણ પૂર્વ એશિયાના ૭૭% મેલેરિયાના કેસો થવામાં ભારતનું યોગદાન છે. આ રોગ મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, કર્નાટક, ગોવા, દક્ષિણ મધ્યપ્રદેશ, છતીસગઢ, ઓરિસ્સા અને બીજા ઉત્તરના રાજ્યમાં પ્રચલિત છે. મેલેરિયા ચેપગ્રસ્ત મચ્છર કરડયાના ૧૨ થી ૧૪ દિવસ પછી તેના લક્ષણોનો દેખાય થાય છે. તાવ આવવો, માથાનો દુઃખાવો, ઉલટી થવી અને બીજા કેટલાંક ફ્લુ જેવાં લક્ષણો મેલેરીયામાં જોવા મળે છે. જો મેલેરિયાના લક્ષણોને સમયસર ઓળખવામાં ન આવે તો જીવલેણ પરિણામ આવી શકે છે. મેલેરિયા પ્લાઝામોડિયમ જીનસ પરોપજીવીને અનુસરે છે. પી.ફાલ્સીફેરમ, પી.મેલેરિયમ, પી.વાઇવેક્સ ને કારણે મનુષ્યને મેલેરિયા થાય છે. મચ્છરોમાં અને મનુષ્યોમાં પરોપજીવીઓ તેમનું ચક્ર પૂરું કરે છે.  રોગની પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે મેલેરિયાના મચ્છરો વહેલી સવાર અથવા સાંજના સમયે વધુ કરડે છે જે પ્લાઝામોડિયમ તરીકે ઓળખાતા પરોપજીવીના કારણે થાય છે સામાન્ય રીતે આ પરોપજીવીઓ માદા એનોફિલીસ મચ્છરોના કરડવાથી ફેલાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિને જયારે કોઈ મચ્છર કરડે છે ત્યારે તે ચેપ ઝડપથી અન્ય લોકોને પરોપજીવી દ્વારા ઝડપથી ફેલાય છે. માદા મચ્છરોના કરડ્યા પછી અડધાથી વધુ સંક્રમિત પરોપજીવીઓ મચ્છરોની લાળ સ્વરૂપે નાની રક્તનળી  મારફતે માનવશરીરના વિશિષ્ટ ભાગો કે જે પ્રોબોસાઈસ કહે છે તેના મારફતે મનુષ્ય માં દાખલ થાય  છે. આ પરોપજીવી પ્રવેશીને લોહી મારફતે યકૃતમાં પહોંચે છે. યકૃતમાં પરોપજીવીઓ લોહી વડે પરિપક્વ અને પુનઃ પ્રવેશ કરીને ભ્રમણ કરે છે. ચેપ લોહીના પ્રવાહમાં પુનઃ પ્રવેશ અને લાલ રક્તકોષો પર આક્રમણ કરતાં પહેલાં યકૃતમાં વિકાસ પામે છે. પરોપજીવીઓ વિભાજીત થઈને લાલ રક્તકોષોમાં ભળે છે. નિયમિત વિરામો પર ચેપી રક્ત કોષોનો વિસ્ફોટ લોહીમાં વધુ ને વધુ પરોપજીવીઓને મુક્ત કરે છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત રક્તકોષો દર ૪૮ થી ૭૨ કલાક દરમ્યાન વિસ્ફોટ થાય છે. દર વિસ્ફોટ વખતે તાવ આવવો, ઠંડી લાગવી અને પરસેવો થાય છે. માણસમાં આ રોગનો વિકાસ મચ્છર કરડ્યા પછીના ૧૦ થી 12 દિવસો બાદ થઈ શકે છે. જો અસંક્રમિત માદા એનોફિલિસ મચ્છર કરડે તો તેના કારણે મેલેરિયા થતો નથી.
        ગુજરાતમાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લેબોરેટરી ટેકનીશીયન દ્વારા માઇક્રોસ્કોપી તપાસ દ્વારા મેલેરીયાનું નિદાન કરવામાં આવી રહ્યુ છે. જે નિઃશુલ્ક છે. ફિલ્ડ સર્વેલન્સ દરમ્યાન પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ દર્દીઓની બ્લડ સ્મિયર લેવામાં આવે છે અને ૨૪ થી ૪૮ કલાકમાં તેનું નિદાન પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કરવામાં આવે છે. ફાલ્સીફેરમ મેલેરિયા એ એક ગંભીર બિમારી છે જો યોગ્ય સમય પર સારવાર કરવામાં ન આવે તો પ્રાણઘાતક બની શકે છે. મેલેરીયાના કારણે માનવીના શરીરમાં બીજી પણ સમસ્યાઓ સર્જાઇ શકે છે. પાંડુરોગ થવાનું કારણ મેલેરિયા પરોપજીવીમાં લાલ રક્તકોષોની હાજરી મુખ્ય કારણ છે. પાંડુરોગની એક સ્થિતિ એ છે કે શરીરમાં અને માંસપેશીઓમાં બીજા અંગોમાં લાલ રક્તકોષો સાથે ઓક્સિજનની માત્રા પહોચાડવામાં અસમર્થ હોય જેના લીધે દર્દીને નબળાઈ,બેભાન થવું અને અનિન્દ્રાનો અનુભવ થાય છે. ઘણી વખત સ્થાયી મગજની ક્ષતિના લીધે મસ્તિષ્ક મેલેરિયાની અસરો અને મગજની સ્થિતિનું કારણ બને છે. તેનો હુમલો અથવા કોમા ઉત્પન્ન થઈ શકે છે. ગર્ભવતી સ્ત્રીઓના વિકાસાત્મક સ્થિતિમાં જોખમ વધવાની જટિલતા રહે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આગ્રહ રાખે છે કે ગર્ભવતી સ્ત્રીઓ એ જે વિસ્તારોમાં મેલેરિયાનું જોખમ હોય ત્યાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. ગર્ભાવસ્થા દરમ્યાન મેલેરિયાની પરિસ્થિતિ દ્વારા ભ્રૂણ અને નવજાત શિશુ માટે જોખમ રહે છે. જો ભ્રૂણને અસર થઈ શકે તો ગર્ભવતી સ્ત્રીઓ મેલેરિયાના ચેપ સામે સંઘર્ષ કરવામાં સક્ષમ રહી શકે છે. ગંભીર મેલેરિયાથી ઘણી મુશ્કેલી ઉત્પન્ન થઈ શકે છે કે જેમાં અન્ય જટિલતાઓનો સમાવેશ થાય છે. શ્વાસોશ્વાસની તકલીફો, ફેફસાંમાં પાણી ભરાવું. લીવર ખરાબ થવું અને કમળો (આંખો સફેદ અને ચામડી પીળી થવી). આધાત લાગવો (લોહીના પ્રવાહમાં અચાનક ઘટાડો થવો). રક્ત શર્કરામાં અસામાન્ય ઘટાડો. કિડની ખરાબ થવી. બરોળ તૂટવી અથવા સોજો આવવો. નીર્જલીકરણ (શરીરમાં પાણી ઘટવું). મેલેરીયાથી ચોક્ક્સ આપણે બચી શકીએ છીએ પરંતુ તેના માટે આપણે સાવચેતી રાખવી જરૂરી છે. મેલેરિયાના નિવારણ માટે મચ્છરોને કરડતાં અટકાવવાં પર આધાર રાખે છે. મેલેરીયાથી બચવા માટે કીટનાશકોના પ્રજજનને અટકાવવું જરૂરી છે. મચ્છરના બધા જ પ્રજજન સ્થાનોને ઢાંકવા અને બંધ કરવા. ટાયરો, વાસણો, ફુવારા અને બીજા સ્થળો પર ગમબુસીયા અથવા ગુપ્પી જેવી લાર્વાલોરોસ માછલીનો ઉપયોગ કરવો. પીવાના પાણીમાં રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવો.  મેલેરીયાના વ્યક્તિગત રીતે નિવારણ માટે મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો. મચ્છરનાશકો જેમ કે ક્રીમ,પ્રવાહી કોઈલ અને સાદડીનો ઉપયોગ કરો. જંતુનાશકો સાથે ઇન્ડોર રેસીડ્યુંલ સ્પ્રેનો ઉપયોગ કરો. બાયોસાઈડનો ઉપયોગ કરો. ઘર ફરતે જાળીઓ લગાવો. કીટનાશકના ઈલાજ માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. શરીરને સરખી રીતે ઢાંકવું. મેલેરીયાના  સામુદાયિક નિવારણ  માટે અનિયંત્રિત પ્રકોપ વખતે મેલાથિયનનો છટકાવ કરવો. હાથ પંપ દ્વારા ગટર આસપાસ અન્ય જગ્યાઓ પર યોગ્ય પદ્ધતિથી છટકાવ કરવો. સંવેદનશીલ અને એનોફિલિસ પ્રજનનસ્થાનોના સમુદાયને નાબુદ કરવા જોઇએ.
        ભુતકાળમાં આખી દુનિયામાં શિતળાના રોગનો પ્રકોપ હતો અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. પરંતુ સરકાર, આરોગ્ય વિભાગ, વિવિધ સરકારી વિભાગ તથા લોકોના અમુલ્ય સહકારના કારણે આખી દુનિયામાંથી આપણે શિતળાના રોગને નાબુદ કરી શક્યા છીએ. તેવી જ રીતે અનેક બાળકોને લકવો કરતા પોલીયો વાયરસને પણ આપણે ભારતમાંથી નાબુદ કરી શકીઆ છીએ. તેવી જ રીતે જો આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીશુ તો ચોક્કસ આપણે મેલેરીયાને પણ હરાવી શકીશુ. સરકાર કે ફક્ત આરોગ્ય વિભાગના પ્રયત્નોથી મેલેરીયાને નહિ હરાવી શકાય પરંતુ મેલેરીયાને હરાવવા માટે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. સૌના સહિયારા પ્રયત્નોથી જ આપણે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૨૦૨૨ સુધી ગુજરાત અને ૨૦૩૦ સુધીમા સંપૂર્ણ ભારતને મેલેરિયા મુક્ત બનાવી શકીશુ. (માહિતી સ્ત્રોત : નરેન્દ્રસિંહ રાઠોડ, જીલ્લા મેલેરીયા અધિકારી, અમદાવાદ)

(8:15 pm IST)