Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વડોદરા:સાવલી તાલુકાના સમલાયા ગામની સીમમાં બનાવવામાં આવેલ ફાર્મમાં નકલી બીડીની ફેક્ટરી પર પોલીસ ત્રાટકી: બે શખ્સોની ધરપકડ

વડોદરા:સાવલી તાલુકાના સમલાયા ગામની સીમમાં એક ફાર્મમાં બનાવેલા શેડમાં નકલી બીડી બનાવવાની મિનિ ફેક્ટરી પોલીસે ઝડપી પાડી રાજસ્થાનના એક શખ્સ સહિત બે વ્યક્તિની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે સમલાયા ગામની સીમમાં કેઇસી કંપનીની બાજુમાં હાલોલમાં રહેતા જયદીપ પટેલના ફાર્મમાં બનાવેલા નાના એક શેડમાં વિવિધ બ્રાંડની નકલી બીડીઓ બનાવવામાં આવે છે તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજી સ્ટાફે દરોડો પાડી તપાસ કરતા રાજકમલ, સ્પેશિયલ ટેલિફોન, દેસાઇ, લંગર કંપનીની બીડીઓના પેકેટો લેબલો, અલગ અલગ માર્કાના સિક્કા તેમજ લેબલ વગરની બીડીઓ ભરેલા બોક્સો મળ્યા હતાં. ઉપરાંત નકલી બીડી બનાવવા માટે બે લાકડાના સ્ટેન્ડ, કાતરો, ચપ્પા, સેલોટેપના બંડલો પણ શેડમાં જણાયા હતાં. શેડમાં હાજર ઇશ્વર દોલજી પુરોહિત (રહે.રાઘેશ્યામ સોસાયટી, સ્ટેશન રોડ, સાવલી, મૂળ રાજસ્થાન) અને રંગુ રઈજી પઢીયાર (રહે.ઇન્દિરા કોલોની, અમારા ગામ, આંકલાવ) મળતા બંનેની પૂછપરછ કરતા ઇશ્વર નકલી બીડી બનાવતો હતો તેમજ રંગુ મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે શેડમાંથી રૃા..૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે રાજસ્થાનનો મૂળ રહેવાસી ઇશ્વર વર્ષ-૨૦૧૮માં પણ નકલી બીડી બનાવતા સાવલીમાં ઝડપાતા તેની સામે ગુનો દાખલ થયો હતો.

(5:28 pm IST)