Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જુગારના અડ્ડાઓ ચલાવનારા સામે કડક પગલા ભરવાની જોગવાઈઃ ગુનેગારોને પકડવાની કામગીરી ઝડપી

રાજયના પોલીસતંત્રની કામગીરી ખૂબ જ સારીઃ પ્રદિપસિંહ જાડેજા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબતના વટહુકમમાં ચર્ચા કરતા જણાવ્યું હતું કે રાજયમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે.

રાજયમાં જુગાર, દારૂ, વ્યાજખોરો, લૂંટ વગેરે ગુનાઓ મોટા પ્રમાણમાં બની રહ્યા છે. આ બાબત પોલીસતંત્ર જાણે છે. છતા ગુનેગારોને પકડવામાં આવતા નથી.

રાજયમાં પરીક્ષાઓમાં થતી ગેરરિતી પણ અટકાવવામાં આવતી નથી, પરિણામે યુવાનોને રોજગારી  મળતી નથી. પાસાના નામે રાજકીય લોકોને સંડોવવામાં આવે  તેવી દહેશત છે.

આ ઉપરાંત રાજયમાં અસામાજિક પ્રવૃતિઓ એટલી વધી છે કે મંદિરોમાં મહારાજો દ્વારા ખરાબ કૃત્યો થઈ રહયા છે, યુવતીઓ લાપતા થઈ રહી છે અને આ યુવતીઓને વિદેશમાં મોકલવામાં આવ્યા છે.

તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ લોકો પાસેથી ખુલ્લે આમ રૂપિયા ઉઘરાવે છે. પોલીસ આવા ગુનેગારોને પકડવામાં આવતા નથી.

આ અંગે જવાબ આપતા રાજય ગૃહમંત્રીએ જણાવ્યું કે પાસા, ભૂમાફિયાની પકડો વગેરે માટે કાયદા બનાવવામાં આવ્યા છે. આ કાયદો થવાનો છે તે ધીરે ધીરે સમજાશે. આ કાયદામાં વ્યાજખોરો માટે પ્રથમ વખત કડક કાર્યવાહી કરવા માટે આવરી લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત સાયબર ક્રાઈમ માટે સરકાર દ્વારા પુરતા પ્રયત્નો કરી પાસામાં ગુનેગારોને નાખવાની જોગવાઈ કરી છે. કોઈ મહિલાઓને પરેશાન કરે અથવા જાતીય સતામણી કરવા માટે આ કાયદો લાવવામાં આવેલ છે.

ગૃહમંત્રી શ્રી જાડેજાએ ઈમરાન ખેડાવાલાના પ્રશ્નોના જવાબ આપતા વધુમાં જણાવ્યું હતું કે જુગારના અડ્ડાઓ ચલાવનારા સામે કડક પગલા ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સરકાર આવા કોઈપણ ગુનેગારોને છાવરવા માંગતા નથી.

ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. સરકાર દ્વારા ગુનેગારોને પકડવાની કામગીરી ખૂબ જ ગતિથી ચાલી છે. સરકારે પોલીસ અધિકારીઓને સતત સુચનાઓ આપી ગુનેગારોને પકડવા અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજયનું પોલીસતંત્ર સતત કામગીરી કરી રહી છે. અમે કોઈપણ ગુનાહિત પ્રવૃતિ ધરાવનારને ચલાવી નહિ લઈએ. ગુજરાતની ગણતરી વિશ્વના દેશોમાં થાય છે.

(4:00 pm IST)