Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

દેશના જે રાજયોમાં સંક્રમણ ઓછું છે ત્યાં ડોકટરોનાં મોત વધારેઃ IMA

ગુજરાતમાં ૫૦૦થી વધારે ડોકટરો સંક્રમિતઃ ડોકટરોની ઇમ્યુનીટી ઘટી રહી છે

અમદાવાદઃ દેશમાં કોરોનાથી થતા મોતનો સિલસિલો આગળ વધતો જ જાય છે. અત્યાર સુધીમાં ૮૭ હજારથી વધારે મોત થયા છે અને ૫૪ લાખથી વધારે સંક્રમિત થયા છે. દુઃખદ વાત એ છે કે સંક્રમિતોની સારવાર કરનારા ડોકટરો પણ કોરોનાનો શિકાર થઇ રહ્યા છે. દેશમાં ડોકટરોની મુખ્ય સંસ્થા ઇન્ડીયન મેડીકલ એસોસીએશન અનુસાર ૧૬ સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં ૩૮૨ ડોકટરોના મોત કોરોનાથી થઇ ચૂકયા છે.

આઇએમએના આંકડાઓ પર જો ધ્યાન આપીએ તો સ્પષ્ટ થાય છે કે જે રાજયોમાં કોરોના સંક્રમણ વધારે હતું ત્યાં ડોકટરોના મોત ઓછા થયા પણ જે રાજયોમાં કોરોનાના કેસ ઓછા હતા ત્યાં ડોકટરોના મોત વધારે થયા છે. આ આંકડાઓ રાજયોની બેદરકારી અને અસુવિધાઓ જાહેર કરે છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૧૨.૦૮ લાખ લોકો સંક્રમિત થયા અને ૩૨૬૭૧ લોકોના મોત થયા છે, ત્યાં ફકત ૩૬ ડોકટરોના મોત થયા છે. તો કોરોનાથી સૌથી વધુ ડોકટરોના મોત તામિલનાડુમાં ૬૩ થયા છે, જયારે ત્યાં સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રથી અડધી હતી. આવી જ સ્થિતિ આંધ્રપ્રદેશ અને કર્ણાટકની હતી. ત્યાં ૪૨-૪૨ ડોકટરોના જીવ ગયા છે.

કોરોનાના કારણે ગુજરાતમાં ૫૦૦થી વધારે ડોકટરો સંક્રમિત થઇ ચૂકયા છે. તેમાંથી ૨૦૦થી વધારે રેસીડેન્ટ ડોકટર છે. આ માહિતી પણ પુરેપુરી નથી કેમ કે ઘણીવાર પુરતી માહિતી નથી મળતી. રાજયમાં ૨૮ હજારથી વધારે ડોકટર છે. ગુજરાત મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો.મોના દેસાઇનું માનીએ તો સતત દર્દીઓનું ચેકઅપ કરતા રહેવાના કારણે ડોકટરોમાં વાયરલ લોડ વધારે હોય છે. વધારે કામ હોવાના કારણે ખાવાપીવાના રૂટિનને પણ અસર થાય છે જેના કારણે તેમની ઇમ્યુનીટી પણ ઘટી જાય છે અને સંક્રમણનું જોખમ વધી જાય છે.

(3:19 pm IST)