Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રાત્રે માંડવી અને બારડોલીમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ તૂટી પડ્યો : ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

પલસાણા, કામરેજ, મહુવા,માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પણ વરસાદ

સુરત : સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં  રાત્રે પવનના સુસવાટા અને કડાકા ભડાકા ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માંડવી અને બારડોલીમાં બે કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જિલ્લાના બારડોલી, માંડવી,પલસાણા, કામરેજ, મહુવા,માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વાતાવરણ બિહામણું બની ગયું હતું. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ જતાં અંધારપટ છવાઈ ગયો હતો.

 બારડોલી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધારી દીધી હતી. બારડોલી તાલુકામાં રાત્રીના 8 થી 10 વાગ્યા સુધીના બે કલાકમાં 48 મીમી એટલે કે લગભગ 2 ઇંચ વરસાદ થયો હતો. આ સમાચાર લખાય રહ્યા છે ત્યારે 10.30 વાગ્યે પણ વરસાદ વરસવાનું ચાલુ જ હતું. અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો કામરેજમાં 8 મિમી, મહુવા માં 32 મિમી, માંડવી 48મિમી, માંગરોળ 15મિમી, પલસાણા 22મિમી, ઉમરપાડા 19મિમી વરસાદ નોંધાયો હતો.

(12:10 am IST)