Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વૈશ્વિક કોરોના મહામારીમાં રાજયના કોરોના વોરિયર્સની નિરંતર ફરજને કારણે કોરોના સંક્રમણ અટકાવવામાં જબરી સફળતા મળી છે : નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ

કોરોના મહામારીમાં ગુજરાત રાજયની શ્રેષ્ઠતમ કામગીરી અંગે ગૃહમાં જવાબ રજુ કરતા નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગર : ગુજરાત વિધાન સભા સત્રમાં વૈશ્વિક કોરોના મહામારીને કાબુમાં લેવા બદલ કોરોના વોરિયર્સની ફરજને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે બિરદાવી હતી.

 નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, લોકશાહીના ઇતિહાસમાં આઝાદીપૂર્વે પણ ન જોઇ હોય તેવી કોરોનાની આ વૈશ્વિક મહામારીને કોઇપણ વહીવટી તંત્રએ ના કલ્પ્યું હોય તેવી એક સદી પછી સમગ્ર માનવજાત માટે મુશ્કેલી ઉભી કરનારી મહામારીને નાથવા માટે રાજ્ય સરકારે છેલ્લા છ માસમાં જે કામગીરી કરી છે તેના પરિણામે સંક્રમણને રોકવામાં સફળતા મળી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે પોતાના જાનની બાજી દાવ પર લગાવીને તબીબો, પેરા મેડીકલ સ્ટાફ, પોલીસકર્મીઓ, સસ્તા અનાજની દુકાન પર કામા કરતાં કર્મચારીઓ સહિત સામાજીક, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ કોરોના વોરીયર્સની ભૂમિકા ભજવી રાજ્યના લાખો નાગરિકોને સંક્રમણથી બચાવવા જે પ્રયાસો કર્યા તેને બિરદાવવા એ આપણી સૌની નૈતિક ફરજ છે.

 નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાજય સરકારે કરેલ કામગીરીનો સંકલ્પ રજૂ કરતા કહ્યુ કે, ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારીના જંગનો મક્કમતાપૂર્વક સફળ મુકાબલો કરી રહેલ છે.આ જંગમાં કોરાના વોરિયર્સની ભૂમિકા ખૂબ જ પ્રશંસનીય રહી છે. જેને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણને મહદઅંશે નિયંત્રણમાં રાખી શકાયું છે. તબીબો, નર્સો, પેરામેડીકલ સ્ટાફ, સુરક્ષા દળો અને રાજ્યનું પોલીસ દળ,સફાઈ કર્મયોગીઓ ,જાહેર પુરવઠા વિતરણ સાથે સંકળાયેલ કર્મયોગીઓ, સેવાભાવી સંસ્થાઓ સહિત સૌ કોઈ કોરોના વોરિયર્સની કામગીરીને અને આ કપરા સમયમાં તેઓએ આપેલી સેવાઓની નોંધ લઈને આ સભાગૃહ હૃદયપૂર્વક બિરદાવે છે તેમજ જે કોરોના વોરિયર્સ દિવંગત થયા તેઓને અંજલી આપી તેમના કુટુંબીજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પ્રજાના આરોગ્ય અને સલામતી અર્થે સમગ્ર પોલીસતંત્રે સ્ટેન્ડ ટુ રહી લોકજાગૃતિ કેળવવામાં, સોશિયલ ડીસ્ટન્સીગ જાળવવામાં અને લોકડાઉનનું ચૂસ્તપણે પાલન કરાવવામાં રાત - દિવસ ખડેપગે ફરજ બજાવી છે. કોરોનાનો ભોગ બનેલા દર્દીઓ માટે રાજ્યની સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવારની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સરકારી હોસ્પિટલના તબીબો , ખાનગી હોસ્પિટલો સાથે સંકળાયેલા તબીબો તેમજ રાજ્યના નામાંકિત ડૉક્ટરો તથા પેરામેડીકલ સ્ટાફે સ્વૈચ્છિક સેવાઓ આપી . સેવા યજ્ઞમાં જોડાયેલ છે.કોરોના સંકટમાં લોકડાઉનના સંપૂર્ણ અમલ અને સોશિયલ ડિસ્ટિન્સંગની જાળવણી માટે અદ્યતન ટેક્નોલોજીનો પોલીસતંત્રએ ઉપયોગ કરી ડિજિટલ પેટ્રોલિંગ – સર્વેલન્સને પરિણામલક્ષી બનાવ્યું હતું .અમદાવાદ શહેરમાં સેન્ટ્રલાઈઝ ડ્રોન કમાન્ડ સેન્ટર દ્વારા કાર્યરત ડ્રોનની મદદથી સોશિયલ ડિસ્ટિન્સંગના અમલીકરણ પર નજર રખાઈ. જાહેર માર્ગો ઉપર પણ પોલીસ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી લોકડાઉનનો અમલ કરાયો.

વધુમાં તેઓશ્રીએ ઉમેર્યુ કે, લોકડાઉન દરમ્યાન વ્યાજબી કારણ વગર લોકોનું ભેગા થવું, પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરવું, ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરવું , ધાર્મિક સ્થાનો ઉપર લોકોની ભીડ એકઠી થવાની ઘટનાઓ, માસ્ક ન પહેરવાની ઘટનાઓ સામે પોલીસતંત્રએ વિડિયોગ્રાફી કે વિશ્વાસ પ્રોજેકટ હેઠળ સી.સી.ટી.વી. નેટવર્કના ફૂટેજના આધારે અનેક ગુના નોંધી સંક્રમણના સમયમાં પણ નોંધપાત્ર કામગીરી બજાવી. આદરણીય વડાપ્રધાનશ્રીના સીધા જ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ મહામારીનો દેશ સામનો કરી રહ્યો છે તેમ જણાવી શ્રી પટેલે કહ્યુ કે, રાજ્ય સરકારની કોરોના સામેની કામગીરીની ઉચ્ચત્તમ ન્યાયાલય , નીતિ આયોગ તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સકારાત્મક નોંધ  લઈને રાજ્યના આરોગ્ય તંત્રની કામગરીની સરાહના કરતા જણાવેલ છે કે,રાજ્યમાં આ માટે ઉભુ કરવામાં આવેલું ઈન્ફાસ્ટ્રક્યર ખૂબ જ અદ્યતન છે જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.રાજ્ય સરકારે આ વૈશ્વિક મહામારી સમયે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય રક્ષા , અન્ન સુરક્ષા , આર્થિક ગતિવિધી સહિતની બાબતોમાં શ્રેણીબદ્ધ પગલા લીવા છે.રાજ્યના ચાર મહાનગરોમાં ૨૨૦૦ બેડની ક્ષમતાવાળી કોવિડ -૧૯ ડેડિકેટેડ હોસ્પિટલ ઉભી કરાઈ તેમજ ૧૧૦૦ થી વધુ ધન્વન્તરી રથો - મોબાઈલ ડિસ્પેન્સરીથી પ્રજાને તબીબી સેવાઓ પુરી પડાઈ.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષીય સુધારણા માટે રાજ્ય સરકાર દ્વારા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના સર્વગ્રાહી પગલા લેવાઈ રહ્યા છે.રાજ્યના ઉદ્યોગ - ધંધા પુન : વેગવંતા બને તે માટે ૧૪૦૦૦ કરોડનું આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ જાહેર કરાયું. પ્રજાજનોમાંથી કોરોનાનો ડર દુર કરવા " હું પણ કોરોના વોરિયર્સ છું " અભિયાન હાથ ધરાયું . ખાસ કરીને વડીલ - વયસ્કો, સગર્ભા માતા, નાના બાળકો જેવા વલ્નરેબલ ગ્રૂપમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ વ્યુહરચના ઘડવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાયરસ માટેની રસીના ઉત્પાદન સંદર્ભમાં પણ કામગીરી મહત્વપૂર્ણ તબક્કામાં છે.સંકટની આ ઘડીમાં રાજ્યના પ્રજાજનોએ આપેલા સહકારની પણ આ સભાગૃહ નોંધ લે છે.પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજ્યનું વહીવટી તંત્ર,તબીબી આલમ સહિત કોરોના વોરિયર્સ સાથે ખભેખભા મિલાવી દરેક જીલ્લો, શહેર અને ગામ આ સંકટ સામે લડે તે માટે અને કોરોના નેસ્તનાબૂદ કરે તે માટે આ સભાગૃહમાં આ સંકલ્પ રજુ કરાયો છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કોરોના મહામારીને અટકાવવા માટે શરૂઆતથી જ રાજ્ય સરકાર દ્વારા મક્કમતા પૂર્વક પગલા ભરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની સાથે-સાથે અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટકા, આંધ્રપ્રદેશ, દિલ્હી વગેરે રાજ્યોની પ્રવર્તમાન પરીસ્થિતિની વિગતો આપી હતીં. સમગ્ર દેશમાં અને અન્ય રાજ્યોમાં કોરોના રોગની હાલની પરીસ્થિતિ અંગે તા.૧૯.૦૯.૨૦૨૦ ની સ્થિતિએ વિગતો આપતાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં ૧,૨૦,૪૯૮ કેસ તથા ૩,૨૮૯ મરણ નોંધાયેલ છે. રાજ્યમાં દૈનિક ધોરણે ૬૫ હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે તા.૧૯.૦૯.૨૦૨૦ સુધીમાં કુલ ૩૬,૭૮,૩૫૦ જેટલા ટેસ્ટ કરવામાં આવેલ છે. જે મુજબ રાજયની પ્રતિ ૧૦ લાખની વસ્તીએ ૫૫,૯૦૭ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જયારે સમગ્ર ભારત દેશમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીએ ટેસ્ટની સંખ્યા ૪૫,૨૫૦ જેટલી છે. રાજ્યમાં પ્રતિ ૧૦ લાખની વસ્તીએ કોવિડ-૧૯ ના કેસની સંખ્યા ૧,૮૩૧ છે જેની સામે સમગ્ર દેશમાં પ્રતિ ૧૦ લાખની વસ્તીએ કેસની સંખ્યા ૩,૮૪૬ છે. દર્દીના સાજા થવાનો દર પણ સમગ્ર દેશમાં ૭૯.૨૮ % ની સામે ગુજરાતનો દર ૮૩.૯૦% છે.

તેમણે કહ્યું કે, ગુજરાત કરતાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, દિલ્હી, પશ્ચિમ બંગાળ, તેલંગણા, કેરાલા, ઉત્તરપ્રદેશ, બિહાર વગેરે રાજયોમાં વધુ કેસ નોંધાવા પામેલ છે. આ તમામ રાજયોમાં પ્રતિ મિલિયન કેસની પરિસ્થિતિ જોઇએ તો તમામ રાજયોમાં પ્રતિ મિલિયન કેસની સંખ્યા પણ ગુજરાત કરતા ખૂબ જ વધારે છે.કોવિડ-૧૯ ના ટેસ્ટમાં પોઝીટીવ રેટ એટલે કે ૧૦૦ ટેસ્ટની સામે આવતા પોઝીટીવ ટેસ્ટની સંખ્યા જોવામાં આવે તો સમગ્ર દેશમાં પોઝીટીવ રેટ ૮.૫૦ ટકા છે જે ગુજરાતમાં ૩.૨૮ ટકા છે.ગુજરાત રાજયમાં હાલમાં જ કેસ ૧ લાખને પાર થયા છે. ત્યારે આપણે જો પ૦ હજાર થી ૧ લાખ કેસ થવામાં લીધેલા સમયની સરખામણી જો બીજા મોટા રાજયો સાથે કરીએ તો ગુજરાતની સ્થિતિ ઘણી સારી જણાય છે. જેમ કે ગુજરાતમાં ૫૦ હજાર થી ૧ લાખ કેસ થવામાં લાગેલા સમય ૪૫ દિવસ જ્યારે મહારાષ્ટ્રમાં ૧૯ દિવસ, દિલ્હીને ૧૮ દિવસ, તમિલનાડુને ૧૫ દિવસ જેટલો સમય લાગ્યો છે.આમ, ગુજરાતે આ મહામારીનો મકકમતા પૂર્વક અને સફળતાપુર્વક સામનો કર્યો છે. આ મહામારીના શરૂઆતના તબકકાથી જ આરોગ્ય વિભાગ સતર્ક થઇને કામગીરી હાથ ધરેલ છે.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, રોગચાળાની શરૂઆતથી જ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રચવામાં આવેલ કોર કમિટી દ્વારા દૈનિક મોનીટરીંગ કરવામાં આવે છે છેલ્લા ૬ મહિનામાં અનેકવિધ બેઠકો યોજીને આ મહામારી સંદર્ભે ત્વરીત નિર્ણયો, સર્વેલન્સ, સારવાર, દવાઓ અને સાધન-સમગ્રીની ઉપલબ્ધતા, દર્દીની સારવાર માટે વધારાના તજજ્ઞો અને અન્ય પેરા મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, જનજાગૃતિ, તાલીમ, સંશોધન તથા સારવાર માટે હોસ્પિટલોના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કરવો વિગેરે માટે ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે. કોવિડ-૧૯ ની મહામારીના સુચારુ રૂપે નિયંત્રણ માટે સરકાર દ્વારા વરીષ્ઠ સનદી અધિકારીઓને રોગ અટકાયત માટે વિવિધ જવાબદારી સોપાવામાં આવી, માસ્ક અને સેનેટાઇઝરને આવશ્યક વસ્તુ ધારા હેઠળ લાવવામાં આવ્યા, ૨,૦૦૦ જેટલા વધારાના સ્ટાફની ભરતી કરવામાં આવી.

તેમણે ઉમેર્યુ કે, ભારત સરકાર તરફથી ચીન દેશમાં આ રોગ ફેલાયો હોવાના સમાચાર મળતા જ રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૨૧ મી જાન્યુઆરી-૨૦૨૦ થી જ કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી હતી. ૨૭ મી જાન્યુઆરી-૨૦૨૦ થી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચીનથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ શરુ કરી દેવામાં આવ્યું હતું. કોવીડ-૧૯ ની મહામારી અન્વયે રાજ્યમાં ૧૩ મી માર્ચ-૨૦૨૦ થી જ એપીડેમિક ડીસીઝએક્ટ લાગુ કરી દેવામાં આવેલ. કોવીડ-૧૯ અન્વયે રાજ્યની અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ખાતે ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૦ થી જ આઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા સમયાંતરે રાજ્યના જુદા-જુદા જીલ્લામાં/ કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર વિગેરેની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે. સ્ક્રીનીંગ અને કોન્ટેકટ ટ્રેસીંગમાં પણ ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર વિદેશથી આવતાં તમામ વ્યકિતઓનું એરપોર્ટ ખાતે જાન્યુઆરી માસથી સ્ક્રીનીંગ ચાલુ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ૫.૫૦ લાખથી વધુ વ્યકિતઓનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઇને પોઝીટીવ વ્યકિતઓના તમામ કોન્ટેકટને ટ્રેસ કરી તેમને ૧૪ દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવે છે.

શ્રી પટેલે કહ્યું કે, આ પૈકી કોઇ વ્યક્તિને લક્ષણો જણાયતો તેઓને ત્વરીત નિદાન અને સારવાર માટે મોકલી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ-૫૧.૭૨ લાખ કોન્ટેકટ ટ્રેસ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ માં કુલ ૯૬,૫૦,૪૨૭ લોકો આરોગ્ય સેતુનો પોતાના મોબાઇલમાં વપરાશ કરી રહ્યાં છે. જે ગુજરાતની કુલ વસ્તીના ૧૪.૨૯ % છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓ આપતી ધન્વંતરી રથ (મોબાઇલવાન) દ્વારા રાજ્યના દરેક ગામ/શહેરના તમામ તાલુકા વોર્ડમાં સેવાઓ આપવામાં આવે છે, જે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને તેમના ઘરઆંગણે સેવાઓ પૂરી પાડે છે. આવા જિલ્લા/શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લે છે તથા આવશ્યક સેવાઓ સમગ્ર રાજ્યમાં લોકોને તેમના ઘરઆંગણે પૂરી પાડવામાં આવે છે. આ મોબાઇલ મેડિકલવાનમાં આયુર્વેદિક અને હોમિઓપેથિક દવાઓ, વિટામીનપૂરક દવાઓ, મૂળભૂત પરીક્ષણના ઉપકરણો તેમજ પલ્સઓક્સિમીટર સહિત તમામ આવશ્યક દવાઓ રાખવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૩૦૦ જેટલા ધન્વંતરી રથ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ ધન્વંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૧.૨૨ કરોડથી વધુ લોકોને નિદાન કરી સારવાર આપવામાં આવેલ છે. આ હસ્તક્ષેપના કારણે અત્યાર સુધીમાં ૧,૩૬,૬૬૦ થી વધુ તાવના દર્દી, ૪,૯૯,૭૬૨ થી વધુ ઉધરસ, શરદી અને સળેખમના દર્દી, ૨,૨૬૯ થીવધુ ગંભીર શ્વાસ સંબધિત સમસ્યાના દર્દીની સારવાર કરવામાં આવી છે, તેમજ હાઇપરટેન્શન, ડાયાબિટિસ અને અન્ય સહ-બીમારી ધરાવતા બીજા ૧,૧૬,૩૭,૩૮૧ દર્દીઓને તબીબી સારવાર માટે તેમની નજીકની આરોગ્ય હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. ધન્વતરી આરોગ્યરથમાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જાણવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેનાથી ૧,૬૨૯ જેટલા દર્દીઓને ઓક્સિજનનું પ્રમાણ ઓછુ જણાતા તેઓને તાત્કાલિક સારવાર આપી નજીકની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ છે.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોવીડ-૧૯ ની સારવાર માટે રાજ્યમાં ઉપલબ્ધ હોસ્પિટલ વિશે માહિતી આપતા જણાવેલ કે રાજ્યમાં કોવીડ-૧૯ ની સારવાર માટે ત્રિ-સ્તરીય સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે. જેમાં ૨૯૧ ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, ૯૯ ડેઝીગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, ૩૨૧ ડેઝીગ્નેટેડ કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરોમાં ૪૯,૭૬૮ બેડ, ૪,૮૯૨ આઇ.સી.યુ. બેડ, ૧૪,૬૯૭ ઓકસીજન બેડ તેમજ ૩૧૮૨ વેન્ટલેટર ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલમાં કુલ ૬૩ લેબોરેટરી (૩૪ સરકારી અને ૨૯ ખાનગી) ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે અંગે લેબોરેટરી દ્વારા કોવીડ-૧૯ નું ટેસ્ટીંગ કરવામાં આવે છે. શરૂઆતના સમયમાં પ્રતિદિન માત્ર ૪૦૦૦ ટેસ્ટ કરવામાં આવતાં હતાં જેમાં વખતો વખત વધારો કરવામાં આવે છે, આજ દિનની સ્થિતિએ પ્રતિદિન ૬૫૦૦૦ થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે.  જુલાઈ-૨૦૨૦ થી રાજ્ય માં વિનામુલ્યે  રેપીડ એન્ટીજન ટેસ્ટ શરુ કરવામાં આવેલ છે. આ માટે જરૂરી ૩૦ લાખથી વધુ ટેસ્ટીંગ કીટની ખરીદી પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે શરૂઆતમાં ફીજીશીયન દ્વારા આપેલ મેડીકલ પ્રિસ્ક્રીપ્શન વગર ટેસ્ટ કરવામાં આવતો ન હતો. જયારે આજે તમામ લેબોરેટરીમાં કોઇપણ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ કોરોના વાયરસનું ટેસ્ટીંગ કરાવી શકે છે, જેથી ટેસ્ટ કરવામાં નાગરિકોને કોઈપણ પ્રકારની પરેશાની ઉભી થતી નથી.

તેમણે ઉમેર્યુ કે, કોવીડ-૧૯ ની ગંભીર પરિસ્થિતિમાં દવાઓ, સાધનો તથા જરૂરી તમામ વસ્તુઓ સમયસર પુરી પાડવા તથા વ્યાજબી ભાવે ખરીદ કરી શકાય તેવા હેતુસર ઉચ્ચકક્ષાની ખાસ ખરીદ સમિતિની રચના કરવામાંઆવેલછે. નોવેલ કોરોના વાયરસના નિદાન માટે જીએમએસસીએલ દ્વારા અત્યાર સુધી ૩,૦૩,૦૦૦ આર.ટી.પી.સી.આર.(RTPCR) ટેસ્ટીંગ કીટ, ૩,૪૬,૫૦૦ આર.એન.એ.(RNA) ટેસ્ટીંગ કીટ તથા ૩૧,૪૦,૦૦૦ રેપીડ એંન્ટીંજન ટેસ્ટીંગ કીટની ખરીદી કરી સપ્લાય કરવામાં આવેલ છે. આમ ગુજરાત મેડીકલ સર્વીસીસ કોર્પોરેશન લી. દ્વારા દવાઓ માટે રૂ.૬૯.૪૨ કરોડ, તબીબી સાધનો માટે રૂ.૧૩૦.૪૧ કરોડ અને કોરોના વાયરસના પરીક્ષણ માટેની ટેસ્ટીંગ કીટ માટે રૂ.૧૬૦.૮૭ કરોડ એમ મળી કુલ રૂ. ૩૬૦.૭૧ કરોડની ખરીદી કરવામાં આવેલ છે.

શ્રી પટેલે ઉમેર્યુ કે, રાજયની તમામ સરકારી હોસ્પિટલો ખાતે પુરતી સંખ્યામાં તજજ્ઞો મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા વિશીષ્ટ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જેમાં નિવૃત થયેલ અને થનાર તબીબોને એક્સન્ટેશન, જિલ્લા કક્ષાએ સ્ટાફની ભરતી માટે સત્તાઓ, આઈ.એમ.એ. ની મદદથી ખાનગી તબીબોનો ઉપયોગ જેવા પગલા લેવામાં આવેલ. કોવીડ-૧૯ માટે વધારાના ૨,૦૦૦ જેટલા તબીબો અને પેરા મેડીકલ સ્ટાફની ભરતી કરવામાં આવેલ. આ ભરતી ઉપરાંત, ૩૬૨ રેસિડેન્ટ ડોક્ટરોને ઓન કેમ્પસ ઓર્ડર અપાયા અને તેઓની તજજ્ઞ તરીકે સેવાઓ લેવામાં આવી. રાજ્યકક્ષાએ કે વિવિધ અનુભવી અને નિષ્ણાત ડોકટરો દ્વારાવેબ એપ્લીકેશનના માધ્યમથી અન્ય જિલ્લાઓમાં દાખલ ક્રિટીકલ દર્દીઓની સારવાર માટે ટેલીમેન્ટરીંગ દ્વારા જે તે હોસ્પિટલના તબીબોને માર્ગદર્શન આપવામાં આવે છે.દર અઠવાડિયે ૧૬ થી ૧૮ જેટલા સેશનનું આયોજન થાય છે અને આમ આજ દિવસ સુધી ૩૦૦ થી વધારે સેશનોનું આયોજન થયેલ છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પ્લાઝમા થેરાપી અંગે માહિતી આપતા કહ્યું કે, પ્લાઝમાં થેરાપી માટે રાજ્ય સરકાર દ્વારા પ્લાઝમાં બેન્કનું તાત્કાલિક ધોરણે વ્યવસ્થાપન કરવામાં આવેલ અને કોવીડ-૧૯ ના સાજા થયેલા દર્દીઓ દ્વારા કરવામાં આવેલ પ્લાઝમાં ડોનેશનની કામગીરીને સમગ્ર રાજ્યમાં બહોળો પ્રતિસાદ મળેલ છે અને તેના કોવિડ-૧૯ ની સારવાર ના સારા પરિણામો પણ મળ્યા. આ મહામારી દરમ્યાન અત્યાર સુધીમાં કુલ ૧,૯૫,૬૮૨ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને વિવિધ તાલીમો પ્રત્યક્ષ અને ઓનલાઇન રીતે આપવામાં આવી છે. જેમાં વેન્ટિલેટર કેર તાલીમ પ્રત્યક્ષ આપી કુલ ૧૧,૦૪૭ આરોગ્યના સ્ટાફને તાલીમ બધ્ધ કર્યા. ભારત સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ ની ઓનલાઇન તાલીમો કરવા માટે આઇ-ગોટ પ્લેટફોર્મ બનાવવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ નંબરે છે. ગુજરાત રાજયમાં કુલ કોર્સ રજીસ્ટ્રેશન ૯,૬૯,૩૭૯ અને કોર્સ કમ્પ્લીશન ૬,૯૮,૩૧૪ (૭૨%) છે.

હાલમાં જ રાજ્યના તમામ જિલ્લાઓમાં કોવીડ વિજયી રથ કે જે કોવીડ-૧૯ ની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને જનજાગૃતિ અર્થે ફરશે. જેની હાલમાં જ મુખ્યમંત્રીશ્રીએ ઈ-માધ્યમથી ફ્લેગ ઓફ આપી. આ ઉપરાંત એક વિશિષ્ટ પહેલ અંતર્ગત, જનસંવાદ-મુખ્યમંત્રીશ્રી દ્વારા કોરોના દર્દીઓની સાથે વિડીયો કોફરન્સથી સંવાદ, સી.એમ.ડેશ બોર્ડ અને સી.સી.ટી.વી.ના માધ્યમથી કોવિડ હોસ્પિટલોના વોર્ડનું મુખ્યમંત્રીશ્રી દ્વારા સીધુ મોનીટરીંગ, લોકડાઉનના સમય- દરમ્યાન થેલેસેમિયાના દર્દીઓને સમયસર સારવારનું આયોજન, અન્ય રોગોના દર્દી જેવા કે ટી.બી., ડાયાબીટીસ, હાયપરટેન્શનના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે આયોજન, રાજયમાં ૮૫ વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓને સરળતાથી સારવાર મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પહેલ કરી આ વૃધ્ધ વ્યકિતઓને ઘરે સારવાર મળી રહે તે માટેનું આયોજન અને ૧૦૪ હેલ્પલાઇન પર કોરોનાની બિમારીને લગતાં ૧,૯૩,૨૦૦ કોલ કરનાર વ્‍યકિતઓને મદદ કરવામાં આવેલ છે. આમ, કોરોના મહામારીને રોકવા રાજય સરકારે પ્રથમથી જ કોરોના રોગના નિયંત્રણ માટેના ભરવાપાત્ર તમામ પગલાં ભરેલ છે અને ભવિષ્‍યમાં આજ રીતે રાજય સરકાર ગંભીરતાથી લેવાપાત્ર તમામ પગલાં લઇ રાજયના નાગરિકોના જીવનનું રક્ષણ કરવા અમારી સરકાર કટિબધ્ધ છે.

(8:48 am IST)
  • એન.સી.પી.ચીફ શરદ પવાર 1 દિવસના ઉપવાસ ઉપર : સ્પીકરે સભ્યોને વિરોધ કરવાની તક આપવી જોઈએ : કૃષિ બિલ પાસ કરતા પહેલા ઓછામાં ઓછી બે થી ત્રણ દિવસની ચર્ચા થવી જરૂરી હતી : બરતરફ કરાયેલા 8 સાંસદોના સમર્થનમાં રાજ્યસભામાંથી વોક આઉટ access_time 1:18 pm IST

  • ૫ વર્ષમાં વડાપ્રધાને ૫૮ દેશોની મુલાકાત લીધી છે : રાજયસભામાં વિદેશ ખાતાએ જણાવ્યુ હતુ કે ૨૦૧૫ પછી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીએ ૫૮ દેશોની મુલાકાત લીધી છે. access_time 3:13 pm IST

  • બનાસકાંઠાની ગઢ ગ્રામપંચાયત દ્વારા 10 દિવસનું લોકડાઉન: તા,22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી લોકડાઉન જાહેર access_time 7:22 pm IST