Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વિધાનસભામાં કોરોનાગ્રસ્ત ૬ ધારાસભ્ય ગેરહાજર રહ્યા

વિધાનસભાના ચોમાસુ સત્રને કોરોના આભડ્યો : સચિવાલયમાં પ્રવેશ માટે કોરોનાનો ટેસ્ટ ફરજિયાત છે ત્યારે નેતાઓ અને કર્મચારી પણ પોઝિટિવ આવતા ચિંતા

ગાંધીનગર, તા. ૨૧  : કોરોનાની મહામારી વચ્ચે સોમવારથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ચોમાસું સત્ર શરૂ થયું છે. જોકે આ સત્ર માટે વિધાનસભા સંકુલમાં પ્રવેશ કરનારા પ્રત્યેક વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો ફરજિયાત છે. એવામાં રવિવારે વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપવા માટે આવેલા ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે આ ચારેય સભ્યો ગૃહની કામગીરીમાં ભાગ લઈ શકશે નહીં. જ્યારે કોંગ્રેસના બાયડના ધારાસભ્ય જશુ પટેલ અને કપડવંજના કાળુ ડાભી પહેલાથી કોરોના પોઝિટિવ હોઈ સારવાર લઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર પહેલા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોરોના પ્રોટોકોલ જાહેર કર્યો હતો જેમાં વિધાનસભા કાર્યાલયમાં કામ કરતા તમામ સ્ટાફ, મંત્રીમંડળના સભ્યો અને તેમને સ્ટાફ, સલામતી દળના જવાનો તથા પત્રકારોનો કોરોના ટેસ્ટ નેગેટિવ હોવા પર જ પ્રવેશ અપાશે. આ ટેસ્ટ ૧૫થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન કરાયેલો હોવો જોઈએ અને તેમાં નેગેટિવ આવ્યા હોવાનું સર્ટિફિકેટ પણ સાથે રાખવાનું રહેશે.

કોરોના પ્રોટોકોલ જાહેર કરાયા બાદ પાછલા અઠવાડિયે સચિવાલય, સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨માં મેડિકલ ટીમો દ્વારા ટેસ્ટિંગ શરૂ કરાયું હતું. રવિવારે વિધાનસભા સંકુલમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનું ટેસ્ટિંગ કરાયું હતું. ૮૦ ધારાસભ્યોના ટેસ્ટમાં સાણંદના કનુ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય કે ભાજપ અને કોંગ્રેસના બે ડઝનથી વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

કોંગ્રેસના ૬૫ ધારાસભ્યોમાંથી ૪૮ના રવિવારે ટેસ્ટ કરાયા હતા, જેમાંથી ૩ ધારાસભ્યો કોરોના પોઝિટિવ મળ્યા હતા. બાકીના ધારાસભ્યોનો ટેસ્ટ આજે કરવામાં આવશે.

કોંગ્રેસના ધાનેરાના નાથાભાઈ પટેલ, વ્યારાના પુના ગામિત તથા લાઠીના વીરજી ઠુમ્મરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બાયડના ધારાસભ્ય જશુ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને કંપડવંજના કાળુ ડાભી પણ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ત્યારે ભાજપના મંત્રી જયેશ રાદડિયા પણ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સચિવાલય અને સંલગ્ન સ્ટાફમાં અત્યાર સુધી ૫૦થી વધારે કર્મચારીઓ, અધિકારીઓ તથા સ્ટાફના સદસ્યો કોરોના સંક્રમિત આવી ચૂક્યા છે.

(9:33 pm IST)
  • લડાખ સરહદે વધુ સૈનિકો મોકલવાનું બંધ કરવા ચીન અને ભારત વચ્ચે સમજૂતી : ચીન અને ભારત બંને સરહદ ઉપર, ફ્રન્ટ લાઈન ઉપર, વધુ સૈનિકો મોકલવાનું બંધ કરવા, જમીન પરની હાલની પરિસ્થિતિ એકતરફી નહિ બદલવા, અને પરિસ્થિતિને જટિલ બનાવી શકે તેવા કોઈપણ પગલાં લેવાનું ટાળવા માટે સહમત થયા હોવાનું ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ છે. ચીન અને ભારત બંને દેશોનું સત્તાવાર સંયુક્ત નિવેદન ટૂંક સમયમાં જાહેર થશે. access_time 11:59 pm IST

  • સ્ટેમ્પ ડયુટી-દસ્તાવેજ મુલ્યાંકન માટે પુન : ધમધમાટઃ ગ્રામ્ય લેવલે હાલ રપ૦૦ તો સીટી-૧માં હાલ પરપ દસ્તાવેજો પેન્ડીંગઃ દર મહિને ૧પ૦ને ફટકારાતી નોટીસઃ ૬ મહિનામાં ૭૦ લાખની વસુલાત :સ્ટેમ્પ ડયુટી ડે. કલેકટર પુજા જોટાણીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોરોનાને કારણે ઠપ્પ થયેલ સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન કામગીરીનો ફરી ધમધમાટ શરૂ કરાયો છેઃ જસદણમાં કામગીરી નીલ કરી દેવાઇ છેઃ ગોંડલ-ધોરાજીમાં કામગીરી ચાલુઃ શ્રી પૂજા જોટાણીયા પાસે ગ્રામ્ય લેવલ (વિભાગ-૧)માં રપ૦૦ તો રાજકોટ સીટી-૧ માં હાલ પરપ દસ્તાવેજો પેન્ડીંગઃ દર મહિને ૧પ૦ આસામીઓને ફટકારાતી નોટીસોઃ માત્ર ૬ મહિનામાં ૭૦ લાખથી વધુની વસુલાત access_time 3:04 pm IST

  • કાલે નરેન્દ્રભાઇ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજયોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે : આ મીટિંગમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ રહેશે હાજર access_time 3:05 pm IST