Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ખેડૂતો હવે APMC જ નહીં,પણ દેશના કોઈપણ ખૂણે પોતાની પેદાશનું વેચાણ કરી શકશે : સી.આર. પાટીલ

કોંગી શાસનમાં દેશનું કૃષિ બજેટ ૧૨ હજાર કરોડ હતુ જે આજે વધીને ૧ લાખ ૩૪ હજાર કરોડ છે : વેપારીઓએ ઉપજની ખરીદી બાદ ખેડૂતોને ત્રણ દિવસમાં જ પેમેન્ટ કરવું પડશે

અમદાવાદઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી,આર,પાટીલે કહ્યું હતું કે ખેડૂતો હવે APMC જ નહીં, દેશના કોઈપણ ખૂણે પોતાની પેદાશનું વેચાણ કરી શકશે. વેપારીઓએ ઉપજની ખરીદી બાદ ખેડૂતોને ત્રણ દિવસમાં જ પેમેન્ટ કરવું પડશે.સંસદમાં પાસ થયેલા 'કૃષિ સુધાર વિધેયક ૨૦૨૦ અંગે શ્રી પાટીલે વીડિયો પ્રેસ કોન્ફ્રન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના કરોડો ખેડૂતોના હિતમાં, ખેડૂતોની સમૃદ્ઘિમાં વધારો કરવા, ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં લેવાયેલું એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે

 આ કૃષિ સુધારાઓના કારણે ખેડૂતોને આગામી સમયમાં અનેક લાભો થશે. ત્યારે કોંગ્રેસ દેશના કરોડો ખેડૂતો માટે લાભકારી આ વિધેયકને આવકારવાના બદલે બેબાકળી બની ફકત અને ફકત પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા માટે વિવિધ પ્રકારની ગેરસમજો ઊભી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું હીન કૃત્ય કરી રહી છે. સી.આર.પાટીલે   વીડિયો કોન્ફરન્સના માધ્યમથી   જણાવ્યું હતું કે,આ બિલમાં માત્રને માત્ર ખેડૂતોના હિતોનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડૂતોને નુકશાન થાય તે પ્રકારની કોઈ બાબત તેમાં ઉમેરવામાં આવી નથી. ખેડૂતોના પાકની ટેકાના ભાવ(MSP)થી થતી ખરીદ વ્યવસ્થા યથાવત છે અને રહેશે. પરંતુ આ બાબતે કોંગ્રેસ જૂઠ્ઠાણા ફેલાવી ખેડૂતોને ઉશ્કેરવાનું કાર્ય કરી રહી છે. વર્ષો સુધી સત્ત્।ામાં રહ્યા બાદ પણ ખેડૂતોની સમૃદ્ઘિ માટે કાંઈ ઠોસ કાર્ય ન કરનારી કોંગ્રેસના ખેડૂતવિરોધી વલણને ખેડૂતો કયારેય માફ નહી કરે.'

વડાપ્રધાન મોદીએ વિવિધ પેદાશોના ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને લાભ આપવાનું કાર્ય કર્યું છે. આ કૃષિ સુધારા બિલના માધ્યમથી ખેડૂતોના વિકાસમાં આવતા અંતરાયોને દૂર કરવામાં આવ્યા છે.હવે દેશનો ખેડૂત સ્થાનિક APMC જ નહીં પરંતુ દેશના કોઈપણ ખૂણે પોતાની પેદાશનું વેચાણ કરી શકશે. વેપારીઓમાં પણ હવે તંદુરસ્ત હરીફાઈ થવાના કારણે ખેડૂતને પોતાની પેદાશનો યોગ્ય ભાવ મળી રહેશે. વેપારીઓએ ઉપજની ખરીદી બાદ ખેડૂતોને ત્રણ દિવસમાં જ પેમેન્ટ કરી દેવું પડશે. તેવી જોગવાઈ પણ આ બિલમાં કરાઈ છે જેનો સીધો જ લાભ દેશના કરોડો ખેડૂતોને થશે.

કોંગ્રેસની સરકારના સમયમાં વર્ષ ૨૦૦૯-૧૦માં દેશનું કૃષિ બજેટ ૧૨ હજાર કરોડ રૂપિયા હતું જે આજે વધારીને૧ લાખ ૩૪ હજાર કરોડ રૂપિયા છે. વર્ષો સુધી કોંગ્રેસ દ્વારા દેશના ખેડૂતોનું શોષણ કરવામાં આવ્યું છે, આજે કોંગ્રેસ પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશના કરોડો ખેડૂતો માટે આશીર્વાદરૂપ કૃષિ સુધાર બિલ અંગે ભ્રામક પ્રચાર કરી રહી છે, પણ દેશનો ખેડૂત શાણો અને સમજુ છે,પોતાનું હિત-આહિત શેમાં છે તે સુપેરે જાણે છે.

(11:53 am IST)