Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજ્યમાં કોરોના સંક્રમણ ને અટકાવવા રાજ્યના ડોક્ટર્સ - પેરા મેડિકલ સ્ટાફ, પોલીસ જવાનો, સુરક્ષા દળો, સફાઈ કર્મયોગીઓ સહિત સેવાભાવી કોરોના વોરિયર્સની કામગીરીનો સંકલ્પ અહેવાલ રજૂ કરતા ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા

રાજ્યની કોરોના સામેની કામગીરી ની જે નોંધ ઉચ્ચ ન્યાયાલય - નીતિ આયોગ તેમજ WHO એ લીધેલી : સકારાત્મક નોંધને રાજ્ય સરકાર અને દેશ માટે ગૌરવરૂપ ગણાવી

ગાંધીનગર : આજે વિધાનસભાની પ્રથમ દિવસે રાજ્ય સરકારે કરેલી કોરોના સામે ની કામગીરીનો અહેવાલ (સંકલ્પ) રજૂ કર્યો હતો

કોરોના વોરિયર્સ દિવંગત થયા તેઓને અંજલી આપી તેમના કુટુંબીજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઇ

પોલીસતંત્રએ લોકડાઉનના સંપૂર્ણ અમલ અને સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડિજિટલ પેટ્રોલિંગ–સર્વેલન્સને પરિણામલક્ષી બનાવ્યું

તબીબો, નર્સો, પેરામેડીકલ સ્ટાફ, સુરક્ષા દળો, રાજ્યનું પોલીસ દળ, સફાઈ કર્મયોગીઓ, જાહેર પુરવઠા વિતરણ સાથે સંકળાયેલા કર્મયોગીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ સહિત સૌ કોરોના વોરિયર્સની કામગીરીને અને તેમની સેવાઓની સભાગૃહમાં નોંધ લેવાઇ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશીને કારણે ૧૩૫ કરોડની વસ્તીવાળો દેશ ઓછામાં ઓછી જાનહાની સાથે આ યુધ્ધ લડી શક્યો છે

રાજ્યમાં દવાઓ, મેડીકલ સાધનો, પેરા મીલીટરી ફોર્સના ડીપ્લોયમેન્ટ, લેબોરેટરીની માન્યતા, ટોસીલીઝુમેબ ઇન્જેક્શનના જથ્થા સહિતના તમામ પ્રશ્નોમાં ખુટતી સુવિધાઓ અપાવવામાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ સંકટ સમયની સાંકળ સાબિત થયા

રાજ્યના ઉદ્યોગ-ધંધા પુન:વેગવંતા બને તે માટે નિર્ણાયક મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રૂ. ૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ જાહેર કરાયું

પ્રજાજનોમાંથી કોરોનાનો ડર દુર કરવા " હું પણ કોરોના વોરિયર્સ છું " અભિયાન હાથ ધરાયું

વડીલ-વયસ્કો, સગર્ભા માતા, નાના બાળકો જેવા વલ્નરેબલ ગ્રૂપમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ વ્યુહરચના ઘડવામાં આવી

રાજ્યના ચાર મહાનગરોમાં ૨૨૦૦ બેડની ક્ષમતાવાળી કોવિડ-૧૯ ડેડિકેટેડ હોસ્પિટલ ઉભી કરાઈ

૧૧૦૦થી વધુ ધન્વન્તરી રથો-મોબાઈલ ડિસ્પેન્સરીથી પ્રજાને તબીબી સેવાઓ પુરી પડાઈ

સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે આરોગ્યને લગતી સુચનાઓનું ચુસ્ત પાલન કરાવવા પોતાના મત વિસ્તારમાં અભિયાન છેડી જનજાગૃતિ ફેલાવવા સૌ ધારાસભ્યશ્રીઓને અપીલ

ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાજય સરકારે કરેલી કામગીરીનો સંકલ્પ રજૂ કરતા કહ્યુ કે, ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારીના જંગનો મક્કમતાપૂર્વક સફળ મુકાબલો કરી રહ્યો છે. આ જંગમાં કોરાના વોરિયર્સની ભૂમિકા ખૂબ જ પ્રશંસનીય રહી છે. જેને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણને મહદઅંશે નિયંત્રણમાં રાખી શકાયું છે. તબીબો, નર્સો, પેરામેડીકલ સ્ટાફ, સુરક્ષા દળો અને રાજ્યનું પોલીસ દળ, સફાઈ કર્મયોગીઓ, જાહેર પુરવઠા વિતરણ સાથે સંકળાયેલા કર્મયોગીઓ, સેવાભાવી સંસ્થાઓ સહિત સૌ કોઈ કોરોના વોરિયર્સની કામગીરીને અને આ કપરા સમયમાં તેઓએ આપેલી સેવાઓની નોંધ લઈને આ સભાગૃહ હૃદયપૂર્વક બિરદાવે છે. તેમજ જે કોરોના વોરિયર્સ દિવંગત થયા તેઓને અંજલી આપી તેમના કુટુંબીજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

 

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, પ્રજાના આરોગ્ય અને સલામતી અર્થે સમગ્ર પોલીસતંત્રે સ્ટેન્ડ ટુ રહી લોકજાગૃતિ કેળવવામાં, સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવામાં અને લોકડાઉનનું ચૂસ્તપણે પાલન કરાવવામાં રાત - દિવસ ખડેપગે ફરજ બજાવી છે. કોરોનાનો ભોગ બનેલા દર્દીઓ માટે રાજ્યની સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવારની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સરકારી હોસ્પિટલના તબીબો, ખાનગી હોસ્પિટલો સાથે સંકળાયેલા તબીબો તેમજ રાજ્યના નામાંકિત ડૉક્ટરો તથા પેરામેડીકલ સ્ટાફે સ્વૈચ્છિક સેવાઓ આપી સેવા યજ્ઞમાં જોડાયેલ છે. કોરોના સંકટમાં લોકડાઉનના સંપૂર્ણ અમલ અને સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી માટે અદ્યતન ટેક્નોલોજીનો પોલીસતંત્રએ ઉપયોગ કરી ડિજિટલ પેટ્રોલિંગ–સર્વેલન્સને પરિણામલક્ષી બનાવ્યું હતું. અમદાવાદ શહેરમાં સેન્ટ્રલાઈઝ ડ્રોન કમાન્ડ સેન્ટર દ્વારા કાર્યરત ડ્રોનની મદદથી સોશિયલ ડિસ્ટન્સીંગના અમલીકરણ પર નજર રખાઈ. જાહેર માર્ગો ઉપર પણ પોલીસ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી લોકડાઉનનો અમલ કરાયો તે બાબત પણ નોંધનીય છે.

તેમણે ઉમેર્યુ કે, લોકડાઉન દરમ્યાન વ્યાજબી કારણ વગર લોકોનું ભેગા થવું, પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરવું, ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરવું, ધાર્મિક સ્થાનો ઉપર લોકોની ભીડ એકઠી થવાની ઘટનાઓ, માસ્ક ન પહેરવાની ઘટનાઓ સામે પોલીસતંત્રએ વિડિયોગ્રાફી કે વિશ્વાસ પ્રોજેકટ હેઠળ સી.સી.ટી.વી. નેટવર્કના ફૂટેજના આધારે અનેક ગુના નોંધી સંક્રમણના સમયમાં પણ નોંધપાત્ર કામગીરી બજાવી છે.

વડાપ્રધાનશ્રીના સીધા જ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ મહામારીનો દેશ સામનો કરી રહ્યો છે તેમ જણાવી શ્રી જાડેજાએ કહ્યુ કે, રાજ્ય સરકારની કોરોના સામેની કામગીરીની ઉચ્ચત્તમ ન્યાયાલય, નીતિ આયોગ તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સકારાત્મક નોંધ લઈને રાજ્યના આરોગ્ય તંત્રની કામગીરીની સરાહના કરતા જણાવેલ છે કે, રાજ્યમાં આ માટે ઉભુ કરવામાં આવેલું ઈન્ફાસ્ટ્રક્ચર ખૂબ જ અદ્યતન છે જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. રાજ્ય સરકારે આ વૈશ્વિક મહામારી સમયે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય રક્ષા, અન્ન સુરક્ષા, આર્થિક ગતિવિધી સહિતની બાબતોમાં શ્રેણીબદ્ધ પગલા લીધા છે. રાજ્યના ચાર મહાનગરોમાં ૨૨૦૦ બેડની ક્ષમતાવાળી કોવિડ-૧૯ ડેડિકેટેડ હોસ્પિટલ ઉભી કરાઈ તેમજ ૧૧૦૦ થી વધુ ધન્વન્તરી રથો - મોબાઈલ ડિસ્પેન્સરીથી પ્રજાને તબીબી સેવાઓ પુરી પડાઈ છે.

મંત્રીશ્રી એ કહ્યું કે, રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષીય સુધારણા માટે રાજ્ય સરકાર દ્વારા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના સર્વગ્રાહી પગલા લેવાઈ રહ્યા છે. રાજ્યના ઉદ્યોગ-ધંધા પુન:વેગવંતા બને તે માટે નિર્ણાયક મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રૂ. ૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ જાહેર કરાયું છે. પ્રજાજનોમાંથી કોરોનાનો ડર દુર કરવા " હું પણ કોરોના વોરિયર્સ છું " અભિયાન હાથ ધરાયું. ખાસ કરીને વડીલ-વયસ્કો, સગર્ભા માતા, નાના બાળકો જેવા વલ્નરેબલ ગ્રૂપમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ વ્યુહરચના ઘડવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કોરોના વાયરસ માટેની રસીના ઉત્પાદન સંદર્ભમાં પણ કામગીરી મહત્વપૂર્ણ તબક્કામાં છે. સંકટની આ ઘડીમાં રાજ્યના પ્રજાજનોએ આપેલા સહકારની પણ આ સભાગૃહ નોંધ લે છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજ્યનું વહીવટી તંત્ર, તબીબી આલમ સહિત કોરોના વોરિયર્સ સાથે ખભેખભા મિલાવી દરેક જીલ્લો, શહેર અને ગામ આ સંકટ સામે લડે તે માટે અને કોરોના નેસ્તનાબૂદ કરે તે માટે સભાગૃહ સંકલ્પ કરીને સંકલ્પ પસાર કરે તેવો તમામ સભ્યોને અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રી એ કહ્યું કે, અંદાજે છેલ્લા ૮ માસથી સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે વિશ્વ પાસે આજે માનવસંહારના શસ્ત્રો છે પણ માનવીને બચાવવાનું રામબાણ ઔષધ નથી. આજથી ૧૦૦ વર્ષ પહેલા સને ૧૯૧૯માં સ્પેનીશફ્લુથી ૫ કરોડ લોકો મૃત્યું પામ્યા હતા. આજે ચીને એકપણ મિસાઇલ છોડ્યા સિવાય કોરોના વાયરસના જીવાણું શસ્ત્રથી સમગ્ર વિશ્વમાં અસંખ્ય નિર્દોષ નાગરિકોને વિનાકારણે મોતને ઘાટ ઉતાર્યા. હજારો પરીવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, ઠેરઠેર આંસુ છે, ઠેરઠેર રુદન છે, કેટલાક દેશોમાં તો એવી પરિસ્થિતિ ઉભી થઇ કે કોણ કોને છાનું રાખે? ચીનના કોરોના વાયરસે આખી દુનિયામાં કાળોકેર વર્તાવ્યો. ચીન હવે કોઇ એક દેશનું નહીં સમગ્ર માનવજાતનું દુશ્મન બન્યું છે. આખી દુનિયા સામે આ ખતરનાક ખેલ ખેલનાર ચીનનો આજે વૈશ્વિક બહિષ્કાર શરૂ થઇ ચુક્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે મુખ્યમંત્રીશ્રીએ ગૃહ વિભાગ, આરોગ્ય વિભાગ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ તથા શ્રમ અને રોજગાર વિભાગના સતત સંકલનમાં રહીને ડે ટુ ડે 24x7રાજ્યની પરિસ્થિતિની સતત ચિંતા સેવેલ છે અને સી.એમ. ડેશ બોર્ડના માધ્યમથી રાજ્યના ખૂણે-ખૂણાનો સંપર્ક જાળવી પ્રજાની ચિંતા સેવી ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. એક સમયે તો કોરોનાનું સંક્રમણ હાઇપાવર કમિટીના તમામ સભ્યોને લાગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા છતાં પણ આ કમિટીએ સતત તેની કાર્યશીલતા દાખવી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે આપણા સદનસીબે કોરોના સામેના મહાયુધ્ધના મહાન યોધ્ધા તેવા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશીને કારણે ૧૩૫ કરોડની વસ્તીવાળો દેશ ઓછામાં ઓછી જાનહાની સાથે આ યુધ્ધ લડી શક્યો છે. આટલા વિશાળ દેશમાં અત્યંત ત્વરાથી એકજ ઝાટકે સમયસર લોકડાઉન જાહેર કરવાની તેઓશ્રીએ હિંમત કરી. એટલું જ નહીં જનતા કર્ફ્યુંનું એલાન આપી આવનાર લોકડાઉન માટે પ્રજાને માનસીક રીતે તૈયાર પણ કરી. આફતને અવસરમાં બદલવાની શીખ સાથે આત્મનિર્ભર બનવાનો પણ મંત્ર આપતા રહ્યા. ‘કોરોના એક ટર્નીંગ પોઇન્ટ બની રહેશે.’ તેમ જણાવી તેઓશ્રીએ પ્રજાને આત્મનિર્ભર બનવા પ્રેરિત કરી.

મંત્રીશ્રીએ કહ્યું કે સરહદ ઉપર જ્યારે દુશ્મન સામે હોય ત્યારે સૈન્યને દુશ્મન સામે લડવા સજ્જ કરવું પડે. આજે આપણી પરિસ્થિતિ પણ કંઇક એવી છે કે આપણી સામે એક અદ્રશ્ય દુશ્મન કાળ બનીને આવ્યો છે. આવા સમયે તેની સામે લડવા માટે દેશના પ્રત્યેક નાગરિકને એક સૈનિક બની ઝઝુમવાની જરૂીયાત ઉભી થઇ છે. આવા વખતે વડાપ્રધાનશ્રીએ દેશની પ્રજાને જનજાગૃતિ અને માહિતીસભર માર્ગદર્શનના માધ્યમથી કોરોના સામે લડવા હાકલ કરી છે.

ગુજરાતમાં આ મહામારીને નાથવામાં જે સફળતા મળી છે તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહનો સિંહફાળો છે તેમ કહી મંત્રીશ્રી એ ઉમેર્યુ હતુ કે, લોકડાઉનની શરૂઆતથી આજ દિવસ સુધી શ્રી અમિતભાઇએ હંમેશા તમામ પ્રશ્નોનુ સમાધાન તાત્કાલીક અને સપ્રેમ કર્યુ છે. રાજ્યમાં દવાઓ સહીતના મેડીકલ સાધનોની અછત, પેરા મીલીટરી ફોર્સના ડીપ્લોયમેન્ટ, લેબોરેટરીની માન્યતાનો પ્રશ્ન, ટોસીલીઝુમેબ ઇન્જેક્શનનો જથ્થો મળવાની બાબત જેવા તમામ પ્રશ્નોના સંદર્ભે ખુટતી સુવિધાઓ અપાવવામાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ સંકટ સમયની સાંકળ સાબીત થયા છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે મોત સામે હોય ત્યારે સૌ પોતાના ઘરમાં બેસી જાય, સંતાઇ જાય - એવા કસોટીના કાળે પણ પોલીસતંત્ર અને સરકારી તંત્ર ખડે પગે ઉભું રહ્યું છે. આઠ - દશ કલાકના બદલે  જરૂર પડે ૨૪-૨૪ કલાકની ફરજ બજાવી છે. સૌની ચિંતા કરી સમગ્ર માનવજાતને ખરા અર્થમાં તેણે પોતાની ફરજથી પણ ઉપર ગણીને પોતાની ફરજ નિભાવી છે. આ વોરિયર્સ માત્ર વોરિયર્સ જ નહિ પણ માનવતાના મસિહા હતા.

કોરોના વોરીયર્સએ પોતાના જાનની પરવા કર્યા સિવાય પીડીત દર્દીઓની રાત દિવસ સતત ખડે પગે રહીને સારવાર કરી. અનેક ડોક્ટરો, નર્સો, પોલીસ કર્મીઓ તથા મિડીયાના મિત્રોએ પણ સેવા આપતા આપતા પોતાના જીવ ગુમાવ્યા. તે સૌને નતમસ્તકે શ્રધ્ધાંજલી આપી સન્માનીય ગૃહના માધ્યમથી તેમના કુંટુંબીજનો પ્રત્યે સૌ વતી મંત્રીશ્રી જાડેજાએ સંવેદના વ્યક્ત કરી હતી.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે કોરોના વોરીયર્સને બીરદાવવા, પ્રોત્સાહિત કરવા અને યથોચિત સન્માનીત કરવા વડાપ્રધાનશ્રીએ નિર્ણય કર્યો જે અંતર્ગત વાયુસેનાના ફાઇટર પ્લેન – હેલીકોપ્ટર દ્વારા રાજ્યમાં આવેલ વિવિધ હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરવામાં આવી. ભારતીય વાયુ દળના ખાસ બેંડ દ્વારા અમદાવાદ, ગાંધીનગર સિવિલમાં આવેલ કોવીડ – ૧૯ હોસ્પિટલ તથા SVP હોસ્પિટલ ખાતે ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા’  ધુન વગાડીને કોરોના વોરીયર્સનું સન્માન કરાતા સમગ્ર વાતાવરણ ભાવાત્મક બન્યું અને કોરોના વોરીયર્સનો જુસ્સો વધુ બુલંદ બન્યો. આ લડવૈયાનો જુસ્સો વધારવા, તેમનું સન્માન કરવા અને એકજુથતાની લાગણી દર્શાવવાનો આ એક નમ્ર પ્રયાસ હતો. આ જ વિધાનસભાના સંકુલમાં માન. અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ તબીબ, પોલીસ અને સફાઇ કર્મી જેવા કોરોના યોધ્ધાઓનું યુધ્ધ વિમાનોએ માર્ચપાસ્ટ કર્યું અને વાયુસેનાના વીરોએ પુષ્પવર્ષા કરી કોરોના યોધ્ધાઓનું અભિવાદન કર્યું હતું.

લોકડાઉન દરમિયાન પોલીસની મુખ્ય કામગીરીઓ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, ડી.જી. થી લઇને કોન્સ્ટેબલ સુધીના કુલ- ૬૨,૩૬૯ જેટલા પોલીસ કર્મચારીઓ અને અન્ય સહાયક દળોના કુલ- ૫૩,૩૧૨ જેટલા જવાનો એમ કુલ- ૧,૧૫,૬૮૧ જેટલા જવાનો ખડે પગે રહ્યા હતા. લોકડાઉન અમલમાં આવ્યા બાદ ઘણા લોકોને એમ હતું કે ટૂંક સમયમાં માલ-સામાનની અછત થશે. લોકોને કરિયાણું, શાકભાજી, દૂધ, દવા જેવી જીવન-જરૂરી ચીજ-વસ્તુ પૂરતાં પ્રમાણમાં નહિ મળે અને ભૂખમરા જેવી પરિસ્થિતિ ઊભી થશે. પરંતુ પોલીસે અત્યંત કુનેહથી જે વાહનોની અવર-જવર ચાલુ રાખવાની હતી, તેવો વાહન વ્યવહાર નિયમિત રીતે ચાલુ રહે તે સુનિશ્ચિત કરીને આવી કુશંકાઓને ડામી દીધી. લોકડાઉનના સમગ્ર સમયગાળા દરમ્યાન એક પણ દિવસ રાજ્યના કોઇપણ ભાગમાં શાકભાજી, કરિયાણું, દૂધ, પેટ્રોલ/ડીઝલ, મેડીકલનો સામાન જેવી તમામ વસ્તુમાંથી કોઇ વસ્તુની અછત સર્જાઇ નથી.          પોલીસની આ આયોજનધ્ધ કામગીરીને આ માટે યશ આપવો જોઇએ.

મંત્રીશ્રીએ જણાવ્યું કે ખાસ કરીને તબલીક જમાતના અનેક સભ્યો જે બહારના રાજ્યમાંથી લોકડાઉન બાદ ગુજરાત પરત ફર્યા તેમાંથી ઘણા લોકો સંક્રમિત હોવાથી ગુજરાતમાં પણ સંક્રમણ ફેલાવાનો ડર હતો. જેથી આવા લોકોનું એકદમ બારીકાઇથી Contact Tracing કરવું જરૂરી હતું. આવા ની પ્રક્રિયામાં બીજા અનેક લોકો જે કાયદાનો ભંગ કરીને લોકડાઉન બાદ હેર-ફેર કરી હોવાની વિગતો સાંપડી હતી અને આવા લોકોને ઓળખીને તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને Quarantine કરવામાં આવેલ હતા, જેથી મોટું જોખમ ટળ્યું હતું. તબલીગ જમાતના બે ફાંટાઓ પૈકી સાદ તબલીગ જમાતના લોકો ઉપર લોકડાઉન ભંગના ૫-કેસો અને શુરા જમાતના લોકો ઉપર કુલ-૨૨ કેસો દાખલ થયેલ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે જે લોકોને હેલ્થ વિભાગના નિયમોનુસાર Home Quarantine/Facility Quarantine કરવાના રહેતા હતા તે લોકો Quarantine નો ચુસ્ત અમલ કરે તે માટે હેલ્થ વિભાગની સાથે-સાથે પોલીસ દ્વારા પણ આ લોકોનું નિયમિત રીતે ચેકીંગ કરવામાં આવતું હતું. આ કાર્યવાહીમાં ઘણી વખત મેડીકલ ટીમ ઉપર હુમલાના બનાવો બન્યા હતા. આવા બનાવોને વડાપ્રધાનશ્રીએ અતિ ગંભીરતાથી લઇને કોરોના વોરીયર્સને સુરક્ષા આપવાના હેતુથી Epidemic Diseases Act, 1897માં જરૂરી સુધારો કરી આવા ગુનેગારો માટે ૭ વર્ષની કેદની સજાની કડક જોગવાઇ કરાઇ. આ ગુનાને બિન જામીનપાત્ર બનાવવામાં આવેલ છે. રાજ્ય પોલીસ દ્વારા આવી ઘટનાને રોકવા માટે અને સમાજમાં એક દાખલો બેસે તે માટે આવા લોકો ઉપર પાસા લગાડીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા કે જેથી મેડીકલ સહિતના તમામ કોરોના વોરીયર્સનું મનોબળ વધે અને તેમનામાં ભય ન રહે.

બેંક/ATM જેવી નાણાંકીય સેવાઓ કાર્યરત રહે, ખેતીને લગતી, પશુ પાલનને લગતી, ટ્રાન્સ્પોર્ટને લગતી ફાર્માસ્યુટીકલ ક્ષેત્રને લગતી અને Oil & Gas ને લગતી સેવાઓ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ સામાન્ય રીતે ચાલે તે માટે પોલીસે અથાગ પ્રયત્નો કર્યા છે અને અનેક વિભાગો સાથે સફળતા પૂર્વક સંકલન કર્યું છે. ­              મંત્રીશ્રીએ જણાવ્યું કે સી.આર.પી.સી. હેઠળના જાહેરનામાનું અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ ૧.૭૫ લાખ ઉપરાંત ફરિયાદો નોંધવામાં આવી છે. બિન જરૂરી બહાર ફરતાં લોકોના ૪.૩૨ લાખ કરતાં વધુ વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ અને સરકારનો હેતુ માત્ર કોરોનાથી સમાજના રક્ષણનો હતો. જેથી આ જપ્ત થયેલ વાહનો સંદર્ભે લોકોને ભારે દંડ ભરવો ન પડે તે માટે ટુ વ્હીલર્સને રૂ. ૫૦૦ અને ફોર વિલર્સ માટે રૂ. ૧૦૦૦ ની ફિક્સ રકમ જમા કરાવીને વાહનો મુક્ત કરવાનો માનવતા ભર્યો નિર્ણય પણ કર્યો અને તમામ વાહનો પોલીસ સ્ટેશનમાંથી જ લોકોને પરત પણ મળ્યા. પોલીસની આવી મહેનતના પરિણામે જ હજારો લોકો લોકડાઉન વચ્ચે પણ પોતાના ધરે સહિ સલામત પહોંચી શક્યા. ખાસ કરીને લોકડાઉન દરમિયાન ગુજરાતના વતની એવા જે સૈનિકો સેવામાંથી નિવૃત્ત થયા, તેમને ઘરે લાવવાની બાબત પણ લાગણી અને રાષ્ટ્ર ભાવના સાથે જોડાયેલી બાબત હોય તે માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે શેલ્ટર હોમની મુલાકાત, શ્રમિકોને વતન પહોંચાડવામાં મદદ, સીનીયર સીટીઝન/એકલી રહેતી મહિલાઓની મદદ, હેલ્થ ચેકઅપની કામગીરી માટે વાહનો, ભોજન/રાશન કીટ વિતરણ સહિતની માનવીય વલણથી કરાયેલી કામગીરી પણ ઉદાહરણરૂપ છે. એટલુ જ નહિ, કોરોનાના આ કપરા સમયમાં પોલીસે જે કટિબધ્ધતા, બહાદૂરી, કાર્યદક્ષતા અને કુનેહથી ફરજ બજાવી છે, તેના કારણે સમગ્ર પોલીસ વિભાગની સમાજમાં જે ઇમેજ હતી તેમા આમૂલ ફેરફાર થયો છે. દંડ કરતી પોલીસ, ગુનાઓ દાખલ કરતી પોલીસ, ધરપકડ કરતી પોલીસની બદલે હવે પ્રજાએ પોલીસની સેવાનો રંગ જોયો છે.

 મંત્રીશ્રીએ જણાવ્યું કે ઘણા કુટુંબોએ પોતાના ઘરના મોભી અને એકમાત્ર આર્થિક ઉપાર્જન કરનાર વ્યક્તિને ખોઇને નિરાધાર બન્યા છે. મૃત્યુ પામેલા કોરોના વોરીયર્સને હ્દય પૂર્વક શ્રધ્ધાંજલી પાઠવી તેમના કુટુંબીજનો પ્રત્યે મંત્રીશ્રીએ સંવેદના વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે, કોરોના વોરીયર્સની સેવાની સરકારે નોંધ લઇને કોરોના વોરીયર્સની લડાઇમાં તેમની પડખે ઉભા રહીને શક્ય તે તમામ મદદ કરી છે. શહીદ જવાનોના પરિવારજનોને સરકારે રૂ.૨૫ લાખ રૂપીયાની મરણોત્તર સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત પોલીસ જવાનોની સાથે મદદમાં રહી ફરજ બજાવતા હોમગાર્ડ્ઝના માનદ જવાનો, ગ્રામરક્ષક દળના માનદ જવાનો તેમજ સાગરરક્ષક દળના માનદ જવાનો જેઓ સરકારી કર્મચારી ન હોવા છતા મરણોત્તર સહાયની પાત્રતામાં આવરી લઇ ૨૫ લાખ રૂપિયાની મરણોત્તર સહાય આપવાનું નક્કી કરાયું છે.

મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું કે રાષ્ટ્રભરમાં તા.૨૫/૦૩/૨૦૨૦ના રોજથી લોકડાઉન થયું. સંજોગોને ધ્યાનમાં લઇ આ નિર્ણય અચાનક થયેલ હોવાથી, ધણા લોકો પોતાના ધર, પોતાના વતન, પોતાના રાજ્ય અને પોતાના દેશથી દૂરના કોઇ સ્થાને ફસાઇ ગયેલા હતા. આ સમયે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કોવીડ મહામારી સંદર્ભે પણ એક ૨૪ કલાક કન્ટ્રોલરૂમ શરુ કરાયો જેમા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી માટેની એક ટીમ કાર્યરત હતી. તા.૦૧/૦૩/૨૦૨૦ થી તા.૧૭/૦૯/૨૦૨૦ સુધીમાં SEOCના ઇમરજન્સી નંબર ૧૦૭૦ તથા ૫૧૯૦૦ ઉપર કુલ ૧૮,૩૯૬ જેટલા સહાય/ફરીયાદના કોલ આવ્યા હતા તેમજ જિલ્લા કક્ષાએ ૮૫,૪૨૮ જેટલા સહાય/ફરીયાદના કોલ આવ્યા હતા જે તમામનો નિકાલ કરી લોકોને મદદ પુરી પાડવામાં આવી હતી.

 અન્ય વિભાગો દ્વારા કરવામાં આવેલી વિશેષ કામગીરી સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું કે શ્રમ વિભાગ દ્વારા રાજ્યના ઔદ્યોગીક ગૃહો તથા સંસ્થાઓને ઇ-મેઇલ, વોટ્સએપ મોકલી તથા તંત્રના અધિકારીઓની દરમ્યાનગીરીથી લોકડાઉનના સમયગાળા દરમ્યાન ૩,૧૮૩ કરોડ કરતા વધુ રકમની વેતન પેટે ચુકવણી કરાવવામાં આવી.

મંત્રીશ્રીએ કહ્યું કે ભારત સરકારની વિશેષ ટીમ દ્વારા અમદાવાદના કઠવાડા ખાતેના શેલ્ટર હોમની મુલાકાત દરમિયાન શ્રમિકોને આપવામાં આવતી સગવડો ઉપરાંત શ્રમિકોના મનોરંજન માટે કરવામાં આવેલ ટી.વી.ની વ્યવસ્થા, રોજ સાંજે સ્થાનિક કલાકારોના કાર્યક્રમો તથા યોગ/વ્યાયામની વ્યવસ્થાની નિરીક્ષણ સહ નોંધ લેવામાં આવી અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાની પ્રશંસા કરાઇ હતી.

 મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા શ્રમિકોના સ્થળાંતર માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેઇન શરૂ કરવાની પરવાનગી મળે તે પહેલાં રાજ્ય સરાકારે પહેલ કરીને પડોશી રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના (શેલ્ટર હોમમાં રહેલા) શ્રમિકોનું સ્થળાંતર રાજ્ય પરિવહન નિગમની બસો મારફત કરવામાં આવ્યું.  લોકડાઉનના સમયગાળામાં અંદાજે ૨૪ લાખથી વધુ શ્રમિકોનું થયેલ સ્થળાંતર કદાચ અખંડ ભારતના ભાગલા સમયે થયેલ પ્રજાના સ્થળાંતર પછીનું આ સૌથી મોટું સ્થળાંતર હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે અમદાવાદથી વતન પરત ફરવા અધિરા બનેલા શ્રમજીવીઓ માટેની ટ્રેનનું અમદાવાદ રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી આપી જયારે પ્રસ્થાન કરાવ્યું ત્યારે આવા મજૂરો અશ્રુભીની આંખે ગુજરાતની ધરતીને ચુમીને નમન કરતા હતા. કદાચ તેઓનો આત્મા ગુજરાતની ધરતી છોડવા સંમત ન હતો. સૌથી વધુ ૫૫૯ શ્રમિક ટ્રેઇનો મારફત કુલ-૮,૧૨,૫૨૧ શ્રમિકોને ઉત્તરપ્રદેશ ખાતે મોકલવામાં આવ્યા. સમગ્ર રાષ્ટ્રમાં સૌથી વધુ લાંબી ૨૫૦૦ કિ.મી. અંતરની ટ્રેઇન વડોદરાથી મણિપુર સુધી દોડાવવામાં આવી. રાજ્યના ૩૨ જિલ્લાઓના વહીવટીતંત્રોના સંકલનથી તામિલનાડુ માટે ૦૧ ટ્રેઇન મોકલવામાં આવી. તેમ જ આ રીતે પશ્ચિમ બંગાળ માટે ૦૨ ટ્રેઇન અને જમ્મુ-કાશ્મીર માટે ૦૧ ટ્રેઇન મોકલવામાં આવી. મુખ્યમંત્રી રાહતનીધીમાંથી રૂ. ૨૫ કરોડ ભારતીય રેલ્વેને ભાડા પેટે ચુકવવા નિર્ણય લેવાયો.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ૨૪ લાખથી વધારે શ્રમિકોનું તેમના વતનમાં સ્થળાંતર       કરવામાં આવ્યુ હતુ, જેમાં ૧૪,૬૪,૪૦૩ શ્રમિકોને ૧,૦૦૬ ટ્રેન મારફત તેમજ બાકીના અંદાજે ૧૦ લાખ શ્રમિકોને રાજ્ય સરકાર અથવા તેમના એમ્પ્લોયર દ્વારા કરાયેલ વાહન વ્યવસ્થા મારફત વતનમાં સ્થળાંતર કરવામાં આવ્યુ. બિન નિવાસી ગુજરાતીઓનો પ્રભાગ મારા હસ્તક હોઇ, વિદેશમાં ફસાયેલા ગુજરાતના આવા નાગરિકોને વતનમાં પરત લાવવા માટેની અનેક રજૂઆતો પણ મળી હતી. આ બાબતને વડાપ્રધાનશ્રી તથા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ પણ સંવેદનશીલતાથી લઇને આવા લાકોને વતનમાં પરત લાવવાની નૈતિક જવાબદારી સ્વિકારી આ માટે વંદે ભારત મિશનની વ્યવસ્થા કરી સંબંધિત દેશોની સરકાર સાથે સંકલનમાં રહી આ ભગીરથ કાર્ય પાર પાડ્યું. વંદે ભારત મિશન અંતર્ગત જુદા જુદા ૨૯ દેશોમાંથી ૨૦૩ વિમાનો મારફત ૨૮,૫૫૯ પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા હતા.

કોરોના કાળમાં રાજ્યના વિવિધ સેવા સંગઠનો દ્વારા કરવામાં આવેલા સેવાયજ્ઞ સંદર્ભે વધુ માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે કોવીડ મહામારી દરમ્યાન રાજ્યના અનેક સંગઠનો, ધાર્મિક ટ્રસ્ટો, મંદિરો અને એન.જી.ઓ.એ સરાહનીય કામગીરી બજાવી, જરૂરતમંદોને વહારે આવી છે. કોરોના મહામારીના સમયે દેશ અને ગુજરાતના ખૂણેખૂણે સેવાની સરવાણી વહાવનાર રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, વિવિધ ક્ષેત્રના લોકો, કોરોના વોરીયર્સ અને સેવાવ્રતીઓએ સમગ્ર સમાજને અનોખું પાથેય પુરૂ પાડ્યું છે. ગુજરાત પ્રાંતમાં આર.એસ.એસ.ના ૧૮ હજારથી વધારે કાર્યકરોએ ૬ હજારથી વધુ સ્થાનો પર તથા સૌરાષ્ટ્ર પ્રાંતમાં ૮ હજારથી વધારે કાર્યકર્તાઓએ ૧૨૦૦ થી વધુ સ્થાનો ઉપર સેવાકાર્ય બજાવ્યું. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ, અમદાવાદ દ્વારા ૩,૨૦,૦૦૦ ફ્રુડ પેકેટ અને ૧,૨૫,૦૦૦ રાશનકીટનું વિતરણ કરાયું.

ભારતીય જનતા પક્ષના કાર્યકરો દ્વારા રાજ્યમાં ૧ કરોડ ૬૧ લાખથી વધારે ફ્રુડ પેકેટ, આશરે ૨૨ લાખ જેટલી રેશનકીટઅને ૫૬ લાખ જેટલા માસ્ક જરૂરીયાતમંદોને પુરા પાડ્યા. તેટલું જ નહીં પક્ષના અંદાજે ૩ લાખ જેટલા કાર્યકરોએ રૂ. ૧૪ કરોડથી પણ વધુ રકમ PM CARES FUND (પ્રાઇમ મીનીસ્ટર્સ સીટીઝન આસીસ્ટન્સ એડ રીલીફ ઇન ઇમરજન્સી સીચ્યુએશન ફંડ) માં દાન આપી ફંડને છલકાવી દીધું. વિશ્વ હિન્દુ પરીષદ ગુજરાત એકમ દ્વારા રાજ્યમાં ૩૪,૪૩૯ રાશનકીટ, ૨૫ લાખ ૬૧ હજાર લોકોને ફ્રુડ પેકેટ, ૨ લાખ ૬૪ હજાર સેનીટાઇઝર, ૩૭,૭૪૫ માસ્કનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું. હિન્દુ જાગરણ મંચ દ્વારા કુલ ૩૯,૦૫૧ જેટલી રાશનકીટ, ૫,૭૦,૨૯૨ જેટલા ફ્રુડ પેકટ, ૮,૮૪૫ માસ્ક અને ૨,૮૪૫ સેનીટાઇઝરનું વિતરણ રાજ્યના અલગ અલગ ભાગોમાં કરાયું. શ્રી તુલસી વલ્લભ કલ્યાણ નિધી ટ્રસ્ટ  દ્વારા ૬,૮૦,૦૦૦ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા ૪,૪૪૪ અનાજની કીટ, ૮૬,૮૭૨ લોકોને ભોજનની વ્યવસ્થા, ૮૫ હજાર માસ્કનું વિતરણ તેમજ સી.એમ.રીલીફ ફંડમાં ૫૦ લાખનું અનુદાન આપી અંદાજે સંસ્થાએ રૂ.  ૨ કરોડ ૪૦ લાખ જેટલી રકમનો ખર્ચ કરી તેમનું યોગદાન આપ્યું. SGVP ગુરૂકુલના ૧૦૦ કાર્યકર્તાઓએ ૮૦ બેડની હોસ્પિટલમાં દર્દીઓની સેવા, ૨ લાખ લોકોને ભોજન, ૧૦ હજાર માસ્કનું વિતરણ અને ૧ હજાર અનાજની કીટ આપી અંદાજે ૪૯ લાખ રૂપિયાનું યોગદાન આ સેવા કાર્યમાં આપ્યું. સુરેન્દ્રનગરના પોસ્ટલ કર્મચારીઓએ લોકડાઉનના શરૂઆતના સમયમાં ૨૪૨ દર્દીઓને ઘેર બેઠા દવા પહોંચાડવાનું ઉમદા કાર્ય કર્યું. રાજકોટ કાનુડા મિત્ર મંડળ દ્વારા બે ટ્રેનનો અંદાજીત ખર્ચ ૧૨,૯૦,૦૦૦ તથા ૬૪ ટ્રેનના શ્રમિકોને માસ્ક, સેનેટાઇઝર, ફ્રુડ પેકેટ તેમજ શ્રમિકોના બાળકોને સ્કુલ બેગ સાથે અંદાજે રૂ. ૧ કરોડનું યોગદાન આપેલ છે. સુરતના જુદા જુદા ૪૮૬ એન.જી.ઓ. દ્વારા કુલ ૩,૨૨,૪૬,૦૦૦ ફ્રુડ પેકેટ અને ૬,૪૪,૮૦૦ ફ્રુડકીટનું વિતરણ કરાયું. આવા અનેક સેવાકાર્યો વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા થયા છે.

લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને અનાજ તથા આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ થાય અને કોઇ ભૂખ્યુ ના રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૪,૯૫૫ કરોડ ના ખર્ચે (૧) વિનામુલ્યે અનાજ તથા (ર) કુટુંબદીઠ રૂપિયા ૧,૦૦૦ રોકડ સહાય પૂરી પાડવામાં આવેલ છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક માસમાં ત્રણ ત્રણ વખત લોકો સુધી અન્ન પહોંચાડવાનુ ઉમદા કાર્ય કરેલ છે જે પ્રશંસનીય છે.

આફતને અવસરમાં પલટાવી જનજીવન પૂન: ધબકતું કરવા તથ આર્થિક પરિસ્થિતીને ચેતનવંતી બનાવવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું.

કોરોના મહામારી સામે લડવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને પણ સહાય કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતને સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડમાં રૂ. ૪૯૪ કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી. તે       ઉપરાંત ‘પી.એમ. કેર્સ’ ફંડમાંથી અંદાજીત ૬૬ કરોડની રકમ પણ ગુજરાતને ફાળવવામાં આવી. એકંદરે કેન્દ્ર સરકાર તરફથી રૂ. ૫૬૦ કરોડની સહાયની ફાળવણી કરાઈ.             

કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત ગુજરાતને અંદાજે                  રૂ. ૩,૯૫૦ કરોડની સહાય મળી જે અંતર્ગત પી.એમ.કિસાન સન્માન નિધિ હેઠળ ૪૭,૮૧,૪૨૬ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૨ હજાર લેખે કુલ ૯૫૬.૨૮ કરોડની રકમ ડી.બી.ટી. હેઠળ સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવી. જનધન બેંક યોજના મારફત રૂ. ૫૦૦ની રકમ ૩ મહિના માટે એક્સ-ગ્રેસીયા લાભ તરીકે મહીલાઓને ચૂકવાના નિર્ણયથી રાજ્યની ૭૪ લાખ મહિલાઓને રૂ. ૧૧૦૦ કરોડનો લાભ મળવાપાત્ર થયો.       ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થી ૨૮ લાખ મહિલાઓને ત્રણ માસ ૬૩૦ કરોડના ગેસ સીલીન્ડર મફત મળવાપાત્ર થયા. ગુજરાત સરકારે કુલ રૂ. ૨૨૫૯ કરોડનું મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરાયું.

કોવિડ–૧૯ સામેની લડતમાં સભાગૃહના તમામ ધારાસભ્યોના યોગદાનની નોંધ લઇ શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, આપણે સૌએ પણ એક વર્ષના ગાળાના માટે માસીક પગારની ૩૦ ટકા રકમ કોરોના ફંડ ખાતે આપી. એકંદરે ૬.૩૭ કરોડની આ રીતે મળેલ રકમ જોવા જઇએ તો મોટો આંકડો નથી પરંતુ આ રકમ શ્રમિકોના ભોજન, દવાઓ, વતન વાપસી જેવા ઉમદા કામો માટે વપરાશે અને અન્યો માટે પ્રેરણારૂપ બનશે. તે ઉપરાંત ધારાસભ્યશ્રીઓને મળતી વાર્ષિક દોઢ કરોડની ગ્રાન્ટ માર્ચ–૨૦૨૧ સુધી કોરોના સંક્રમણ અટકાવવા માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો.

મહામારીની સામે ગુજરાત સરકારે અભૂતપૂર્વ કામ કર્યું છે એ ઐતિહાસિક કામ હતું એવું અભિમાન કરવાનો મારો કોઇ ઇરાદો નથી તેમ કહી મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, અમે કોઈ ખોટો યશ લેવા માટે દોડતા હોઈએ એવું નથી. આ મહામારીમાં જેમણે પોતાના જીવની પરવા કર્યા વગર બીજાનો જીવ બચાવવા માટેનો પ્રયાસ કર્યો છે એ લોકોને આ ગૃહ હૃદયપૂર્વક અભિનંદન પાઠવી કૃતજ્ઞતા વ્યક્ત કરૂ છુ. આજે વિધાનસભાગૃહમાં હૃદયપૂર્વક ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી તમામ કોરોના વોરીયર્સનો હું આભાર માનું છું. ફરજ તો બધાની બધા નિભાવતા જ હોય છે, પરંતુ જ્યારે સામો કાળ હોય અને તમારી ફરજ નિભાવી હોય ત્યારે તમારો જન્મારો લેખે લાગ્યો કહેવાય. જેમ સરહદ પર સૈનિક દુશ્મનો સામે લડે ત્યારે એના મનમાં દેશભક્તિ જ હોય છે તેમ દેશની અંદર જ્યારે કોરોના જેવા  કપરા કાળમાં લડતા હોય છે ત્યારે તેઓના મનમાં માત્ર ને માત્ર  માનવતા જ હોય છે. એક એક જીવને બચાવવા માટેનો આટલા દિવસોથી ચાલી રહેલો અવિરત પ્રયાસ એ જ માનવતાનો ખરો યજ્ઞ છે. આ યજ્ઞમાં આહુતિ આપનારા તમામ બાંધવોને હું આજે પુનઃ નત મસ્તક - સાક્ષાત દંડવત પ્રણામ કરું છું. સરહદ પર લડતા સૈનિક અને શહેર કે ગામમાં કોરોના સામે લડતો સૈનિક બંને રાષ્ટ્ર અને રાજ્યનું ગૌરવ છે. ઈશ્વર આ તમામ વોરિયર્સનેશક્તિ આપે તથા તેમના કુટુંબીજનોને નૈતિક જુસ્સો બક્ષે.

શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, કોવીડ – ૧૯ની આ યાત્રાનો જેમ બને તેમ ઝડપથી અંત આવે તે આજની તાતી જરૂરીયાત છે. સમગ્ર માનવ જાતને બચાવવા માટે આપણે સૌ હાથ મીલાવીએ અને નાના મોટા મતભેદો બાજુ પર રાખી આ લડતમાં સહભાગી બનીએ. કામ વિના બહાર ન જવું, જાહેરમાં ન થુંકવું, માસ્ક પહેરવું, દો ગજ કી દુરી રાખવી, નાના મોટા મેળાવડાનું આયોજન ન કરવું, સફાઇ ઉપર ધ્યાન દેવું, આરોગ્યને લગતી દરેક સુચનાઓનું ચુસ્ત પાલન કરશું તો આપણે સૌ સંક્રમિત થતા અટકીશું. રાજ્યમાં પ્રત્યેક પ્રજાજન પોતાની જવાબદારી સમજી તે પ્રમાણે વર્તે તે માટે આપણે ચુંટાયેલા સૌ પ્રજાના પ્રતિનિધિઓ પોત પોતાના મતવિસ્તારમાં આ માટે અભિયાન છેડી જનજાગૃતિ કેળવે તેવી પણ સૌ ધારાસભ્યશ્રીઓને અપીલ કરી હતી.

(8:53 pm IST)
  • ફેસબુકના ભારતના વડા સુપ્રીમમાં દોડ્યા - કાલે સુનાવણી : દિલ્હી વિધાનસભા પેનલ દ્વારા પોતાની સમક્ષ જાજર થવા અંગેની નોટિસ સામે ફેઈસ બુકના ભારતના વડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, અને આ હુંકમ સામે સ્ટે માગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આવતીકાલે બુધવારે આ અંગે સુનાવણી કરશે. access_time 12:01 am IST

  • મુંબઈમાં અત્યારે મોડી રાત્રે પણ ભારે વરસાદ ચાલુ છે. વીજળીની ગાજવીજ અને કડાકા-ભડાકા વચ્ચે જોરદાર વરસાદ પડી રહ્યો છે. આજે અને કાલે ભારે વરસાદની આગાહી છે. access_time 11:51 pm IST

  • અમેરિકામાં ફરીથી " ટિક્ટોક " ઉપર લટકતી તલવાર : જો વોલમાર્ટ અથવા ઓરેકલ સાથેનો સોદો ફાઇનલ નહીં થાય તો પ્રતિબંધ લગાવી દઈશ : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:38 pm IST