Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

છ સ્કુલોને બંધ કરી દેવાનો ગુજરાત બોર્ડે કરેલો આદેશ

ફોર્જ દસ્તાવેજો રજૂ કરવાનો આક્ષેપ કરાયો : છેલ્લા બે વર્ષથી સ્કુલો ચાલી રહી હોવાની વિગતો ખુલી

અમદાવાદ,તા.૨૨ : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે છ સ્કુલોને બંધ કરવા માટેનો આદેશ જારી કરી દીધો છે. બનાવટી મંજુરીના દસ્તાવેજો હોવાના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ ૨૦૧૯-૨૦ના ગાળામાં ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે ૪૭ સ્કુલોને લીલીઝંડી આપી હતી. કુલ ૪૪૩ અરજીઓ આવી હતી. ગયા વર્ષની સરખામણીમાં ૮૦ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ગયા વર્ષે ૫૩૫ અરજીઓ આવી હતી જે પૈકી ૨૨૬ નવી સ્કુલોને મંજુરી આપવામાં આવી હતી. નવા નિયમો કેટલીક રીતે અલગરીતે અમલી કરવામાં આવ્યા છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, આ છ સ્કુલો ગેરકાયદેરીતે ચાલી રહી હતી. આ સ્કુલોએ મંજુરી માટે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. માહિતી સપાટી ઉપર આવ્યા બાદ આ સ્કુલોને બંધ કરવામાં આવી છે. નવી સ્કુલોમાં સુરતમાં ત્રણ અને અમદાવાદની એક સ્કુલનો સમાવેશ થાય છે.

             બોર્ડ તરફથી સૈદ્ધાંતિકરીતે મંજુરી મળી ગયા બાદ બે વર્ષથી આ સ્કુલો ચાલી રહી હતી. ગુજરાત બોર્ડે નવા સ્કુલ પ્રોજેક્ટ માટે વધુ કઠોર ધારાધોરણને અમલી કરવાનો નિર્ણય કર્યા બાદ આ અંગેની વિગત સપાટી ઉપર આવી હતી. ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવ્યા બાદ તાત્કાલિક ધોરણે બોર્ડ દ્વારા છ સ્કુલોને બંધ કરવાનો આદેશ જારી કરાયો છે. અનેક નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. કેટલાક મહત્વના દસ્તાવેજો બનાવટી રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જમીનના ઉપયોગ, બિન કૃષિની જમીનનો સમાવેશ થાય છે. ગુજરાત બોર્ડ સાથે જોડાયેલા અધિકારીઓ તરફથી આ અંગેની વિગતો જારી કરવામાં આવી ચુકી છે. સ્કુલોમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાયા હતા. નવા ધારાધોરણોને પહોંચી વળવા અરજીઓ યોગ્ય ન હતી જેથી આ દસ્તાવેજો જોડવામાં આવ્યા હતા.

(9:26 pm IST)