Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

અરેબિયન દરિયામાં ડિપ્રેશનની સ્થિતિ : ચક્રવાતી તોફાન આવશે

દરિયો તોફાની બનશે જેથી માછીમારોને એલર્ટ કરી દેવાયા : ત્રણ કલાકમાં ૧૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધ્યું : સાબરકાંઠા, છોટા ઉદેપુર સહિતના પંથકમાં ભારે વરસાદ : પાલનપુરમાં ત્રણ ઇંચ વરસાદ

અમદાવાદ, તા.૨૨ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે.  પૂર્વ-મધ્ય અને ઉત્તર પૂર્વ અરબ સાગર પર બનેલા દબાણના ક્ષેત્રના લીધે હવે ચક્રવાતી તોફાનનું સંકટ દેખાઈ રહ્યું છે. દબાણનું આ ક્ષેત્ર ગુજરાતમાં વેરાવળથી પશ્ચિમદક્ષિણ પશ્ચિમ દરિયાથી ૧૭૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. વિભાગના કહેવા મુજબ એક ઘેરા દબાણના ક્ષેત્રમાં તે સર્જાય તેમ લાગે છે જેથી ૨૪ કલાક પછી ચક્રવાતી તોફોનમાં ફેરવાઈ શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાનથી અનેક સ્થળો પર ભારે વરસાદ થઇ શકે છે. બીજી બાજુ વેરાવળથી ૧૭૦ કિલોમીટરના અંતરે અરબી દરિયામાં ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ ગઈ છે અને ભારે પવન સાથે આ સ્થિતિમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિપ્રેશનના પરિણામ સ્વરુપે દરિયો તોફાની બનશે. માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

                   જો કે, તંત્ર દ્વારા સાવચેતીના વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આજે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો હતો જેમાં દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, પોરબંદર, અરવલ્લીનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્રના વિવિધ ભાગો, ખાસ કરીને જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ અને કચ્છમાં પડી શકે છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી અપાયા બાદ માછીમારોને પણ સાવધાન કરાયા છે. દરિયાકાંઠા ઉપર જુદા જુદા સિગ્નલો પણ મુકી દેવાયા છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, પૂર્વ મધ્ય અને અરેબિયન દરિયાના ઉત્તરપૂર્વમાં ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ છે અને તે છેલ્લા ત્રણ કલાકમાં ૧૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પશ્ચિમ ઉત્તરની દિશામાં આગળ વધી રહ્યું છે. વેરાવળમાં પણ આની અસર જોવા મળી શકે છે. આગામી ૧૨ કલાકમાં ડિપડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને ૨૪ કલાકમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ શકે છે. આગામી ૭૨ કલાકમાં તે ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધશે. ગઈકાલે સાંજે બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. આજે બીજા દિવસે પણ મેઘરાજાએ બપોર બાદ એન્ટ્રી મારી હતી. પાલનપુરમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો.

               જેને પગલે શહેરમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પાલનપુરમાં એક જ કલાકમાં અઢીથી ત્રણ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમલપુર અને કતપુર સહિતના પંથકોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. તો બીજીબાજુ, છોટાઉદેપુરના બાડેલી સહિતના પંથકોમાં , રાજકોટના ધોરાજીમાં પણ આજે ધોધમાર વરસાદ ત્રાટકયો હતો. ખાસ કરીને ધોરાજીના ગ્રામ્ય પંથકોમાં ધોધામર વરસાદ નોંધાયો હતો. જેને લઇને આ પંથકોમાં પાણી જ પાણી ફરી વળ્યા હતા. પાલનપુરમાં બપોરે ખાબકેલા અઢીથી ત્રણ ઈંચ વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. જ્યારે શહેરની બીજેશ્વર કોલોની જાણે કે, બેટમાં ફેરવાઈ હતી. વરસાદને પગલે વાહનો પાણીમાં ડૂબ્યા હતા. દાંતીવાડા, પાંથાવાડા, થરા સહિતના જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા. તો, સાબરકાંઠા જિલ્લામાં પણ સતત બીજા દિવસે જોરદાર વરસાદ નોંધાયો હતો.

           આ જ પ્રકારે રાજકોટ, ધોરાજી સહિતના સૌરાષ્ટ્રના પંથકોમા મેઘરાજાએ આજે પણ તેમની મહેર ચાલુ રાખી હતી. જિલ્લામાં વડગામ તાલુકામાં ગઇકાલે પણ બપોરના એકાએક પવનના સુસવાટા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા દોઢ કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબક્તાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. જ્યારે ધાનેરામાં ૨૧, કાંકરેજમાં ૧૩ અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો. ગઇકાલે દાહોદમાં માત્ર એક જ કલાકમાં બે થી અઢી ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો, ઝાલોદ-સંજેલી સહિતના પંથકોમાં પણ બે ઇંચ વરસાદ પડ્યો હતો.  તો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને પંથકોમાં હજુ પણ ભારે વરસાદ વરસવાની હવામાન ખાતાએ આગાહી કરી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

(9:28 pm IST)