Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

દર્પણ છ રસ્તા પાસે કારે ટક્કર મારી : ઓટો ચાલકનો બચાવ

લોકોએ કારના કાચ તોડતા કારચાલક ફરાર : રીક્ષાચાલકને તરત ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડાયો

અમદાવાદ, તા.૨૨ : અમદાવાદ શહેરના દર્પણ છ રસ્તા પાસે આઇ-૨૦ કારના ચાલકે એક રીક્ષાને જોરદાર રીતે ટક્કર મારતાં ઓટોરીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાહદારીઓએ ગંભીર રીતે ઘવાયેલા રિક્ષા ચાલકને ૧૦૮ મારફતે હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યારે કારચાલક પીધેલી હાલતમાં હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું. લોકોના રોષનો ભોગ બને એ પહેલા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરંતુ લોકોએ તેની આઇ-૨૦ કારના કાચ તોડફોડ કરી ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો. પોલીસે આરોપી કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

   આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગત મોડી રાત્રે શહેરના દર્પણ છ રસ્તા પાસે એક રીક્ષા પસાર થતી હતી ત્યારે આઇ-૨૦ કારના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક હંકારી ત્યાંથી પસાર થઇ રહેલી એક રીક્ષાને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. કાર ધડાકાભેર અથડાતા રીક્ષાનો તો જાણે ભુક્કો બોલી ગયો હતો. રીક્ષાનો બહુ જોરદાર કચ્ચરઘાણ વળી ગયો હતો તો, રીક્ષાચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ત્યાં ઉમટયા હતા. હાજર લોકોએ તાત્કાલિક ૧૦૮ને જાણ કરતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના બાદ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે, કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. જોકે, કાર ચાલક લોકોના ટોળાનો રોષ બને તે પહેલા જ ફરાર થઈ ગયો હતો. અકસ્માતના કારણે ઉશ્કેરાયલા રાહદારીઓએ કારના કાચ તોડ્યા હતા.

(9:30 pm IST)