Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

વડોદરામાં એમબીબીએસમાં એડમિશન આપવાના બહાને રાજપીપળાની મહીલા સાથે લાખોની છેતરપીંડી

ફીની રિસીપ્ટ અને એલોટમેન્ટ લેટર બોગસ હોવાનુ ખુલતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

 

વડોદરાની સુમનદીપ વિધાપીઠમાં એમબીબીએસમાં પ્રવેશ અપાવવાના બહાને રાજપીપળાની મહિલા સાથે લાખો રૂપિયાની છેતરપીંડી થવાનો મામલો સામે બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

  રાજપીપળાની નર્સિગ સ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા સુખમણી વસાવાએ વડોદરાના એજન્ટ હિતેન્દ્ર ઠકકરનો સંપર્ક કરી તેમની પુત્રી શુભાંગીની વસાવાને સુમનદીપ વિધાપીઠમાં એમબીબીએસમાં પ્રવેશ અપાવવા માટે ભલામણ કરી હતી.જેના મામલે એજન્ટ હિતેન્દ્ર ઠકકરે વડોદરાના દાંડીયાબજાર લકડીપુલ સ્થિત ગુજરાત પેરામેડીકલ સાયન્સ ઈન્સ્ટીટયુટ ચલાવતા તબીબ વિનય પટેલ સાથે મહિલાની મુલાકાત કરાવી હતી.

  તબીબ વિનય પટેલ અને એજન્ટ હિતેન્દ્ર ઠક્કરે સુખમણીબેન પાસેથી સુમનદીપ વિધાપીઠમાં એમબીબીએમસમાં એડમીશન અપાવવા માટે ડોનેશન અને ફી મળી 33 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેના આધારે મહિલાએ એજન્ટ હિતેન્દ્ર ઠકકર અને તબીબ વિનય પટેલને આરટીજીએસ, ચેક અને રોકડ મળી 33 લાખ ચુકવી આપ્યા જેના બદલામાં તબીબ વિનય પટેલે મહિલાને સુમનદીપ વિધાપીઠનો પ્રવેશનો એલોટમેન્ટ લેટર અને ફીની રિસીપ્ટ આપી હતી.

  સુખમણી વસાવાએ પોતાની પુત્રી શુભાંગીની વસાવા માટે વર્ષ 2018માં એડમીશન માટે રૂપિયા ચુકવ્યા પણ રૂપિયા ચુકવ્યા બાદ પણ શુભાંગીનીને પ્રવેશ ન મળતા આખરે મહિલા સુમનદીપ વિધાપીઠમાં જઈ તપાસ કરી ત્યારે સુમનદીપ વિધાપીઠના કર્મચારીઓએ ફીની રિસીપ્ટ અને એલોટમેન્ટ લેટર બોગસ હોવાનુ મહિલાને જણાવ્યું હતું. જેથી મહિલાએ એજન્ટ હિતેન્દ્ર ઠકરર અને તબીબ વિનય પટેલનો સંપર્ક કરતા બંનેએ મહિલાને 33 લાખમાંથી 17 લાખ પરત કર્યા જયારે 16 લાખ રૂપિયા પરત ન આપતા મહિલા છેલ્લા એક વર્ષથી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ધકકા ખાઈ રહ્યા છે તેમ છતાં પોલીસે માત્ર અરજી સ્વીકારી એફઆઈઆર દાખલ કરતી નથી.

(12:46 am IST)