Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા રૂપે પદયાત્રા કરાશે

બીજી ઓક્ટોબરથી મન મેં બાપુ મંત્ર સાથે યાત્રા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દિલ્હી ખાતેથી દેશભરના ભાજપ પ્રદેશ સંગઠન સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ

અમદાવાદ,તા.૨૧ : પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપા રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતેથી દેશભરનાં ભાજપા પ્રદેશ સંગઠન સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ વિડીયો કોન્ફરન્સમાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાજી તેમજ રાષ્ટ્રીય મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આજરોજ યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતેથી ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રીઓ પુરુષોતમ રૂપાલા, મનસુખ માંડવીયા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા સાથે પ્રદેશ હોદેદ્દારો, મોરચાના પ્રદેશ અધ્યક્ષઓ તથા સાંસદઓએ ભાગ લીધો હતો. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ભાજપા કેન્દ્રીય કાર્યાલય દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર દેશના ભાજપા સંગઠન તથા સાંસદઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં આગામી કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા આપવામાં આવી હતી.

                    વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આગામી ૨ ઓક્ટોબરથી સમગ્ર દેશમાં ગાંધી જયંતિના ૧૫૦ વર્ષની ઉજવણી શરૂ થવા જઇ રહી છે ત્યારે, ગાંધીજીના વિચારો જનજન સુધી પહોચે અને સમાજજીવનમાં ગાંધીમુલ્યોનું સિંચન થાય તેવા હેતુથી આગામી ૨ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધીમાં ''મન મેં બાપુ''ના મંત્ર સાથે સમગ્ર દેશ અને ગુજરાતમાં સાંસદઓ તથા ભાજપા સંગઠન દ્વારા ''ગાંધી સંકલ્પ યાત્રા'' રૂપે ૧૫ દિવસની પદયાત્રા કરવામાં આવશે. આ પદયાત્રા દરમ્યાન પ્રભાતફેરી, જનચેતના સભાઓ, સામાજીક સમરસતા સભાઓ, ગ્રામવાર્તા વગેરે દ્વારા સ્વદેશ, સ્વરાજ, સ્વાવલંબન, ખાદી તથા સાદગી જેવા ગાંધી મુલ્યોની વાતો જનજન સુધી પહોચે તેવા પ્રયાસો કરવામાં આવશે.

(10:06 pm IST)