Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

વડોદરામાં એક જ દિવસમાં ૧૨ ડેન્ગ્યુના પોઝિટિવ કેસો

વરસાદી કહેર બાદ રોગચાળાએ માથું ઊંચક્યું : શહેરમાં ઠેર-ઠેર ગંદકીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ રોગચાળો વકરવાની દહેશત : આરોગ્ય તંત્ર દોડતું થયું

અમદાવાદ, તા.૨૧ વડોદરામાં ચોમાસાની સીઝનમાં એક જ દિવસમાં ખાબકેલા ૨૧ ઇંચથી વધુ વરસાદના કહેર બાદ ભારે તારાજી સર્જાઇ હતી અને ત્યારબાદ પણ મેઘરાજાની મહેર હજુ સુધી વડોદરામાં ચાલી હતી પરંતુ તેની સાથે સાથે વડોદરા શહેરમાં વરસાદી મોસમની વચ્ચે માંદગી અને રોગચાળાએ જોરદાર રીતે માથુ ઉચકયુ છે. ખાસ કરીને એક જ દિવસમાં વડોદરામાં ડેન્ગ્યુના ૧૨ કેસો પોઝીટીવ આવતાં સમગ્ર આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. આ સિવાય, ઝેરી મેલેરિયા, વાયરલ, તાવ સહિતના રોગચાળાના સંખ્યાબંધ કિસ્સાઓ નોંધાતા તંત્રના અધિકારીઓએ હવે રોગચાળાની પરિસ્થિતિને કાબૂમાં લેવા પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

             વડોદરાના શહેરીજનોને શુધ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગયેલ પાલિકા શહેરમાં સાફ-સફાઇ કરવામાં નિષ્ફળ જતાં ડેન્ગ્યુ જેવા રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક દિવસમાં ડેન્ગ્યુના ૧૨ કેસો પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ચોમાસામાં દુષિત પાણી આપવામાં આવતા પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું હતું. પાણીજન્ય રોગચાળો કાબુમાં આવ્યો નથી. ત્યાં શહેરમાં ઠેર-ઠેર ગંદકી હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં ડેંગ્યુ તાવે માથું ઉંચક્યું હતું. ગત તા.૧૭ સપ્ટેમ્બરના રોજ પાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં શંકાસ્પદ ડેંગ્યુ તાવના ૪૫ નમુના મોકલવામાં આવ્યા હતા.

                  જે પૈકી ૨૨ કેસ પોઝેટીવ આવ્યા હતા. તે બાદ બીજા શંકાસ્પદ ડેંગ્યુ તાવના નમુના મોકલવામાં આવ્યા હતા. જૈ પૈકી ૧૨ દર્દીઓના નમુના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. શહેરમાં સ્વચ્છતાનો દાવો કરનાર કોર્પોરેશન શહેરીજનોને ગેરમાર્ગે દોરી ગયું છે. શહેરના મુખ્ય માર્ગોની સફાઇને બાદ કરતા શહેરના સોસાયટી વિસ્તારો તેમજ સ્લમ વિસ્તારોમાં ગંદકીએ માઝા મુકેલી છે. ઠેર-ઠેર વરસાદનું હજુ પણ પાણી ભરાયેલું છે. આ સાથે ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ગંદકી અને પાણી ભરાયેલા હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. શહેરમાં મચ્છરોનો ત્રાસ રાત્રે તો ઠીક દિવસે પણ વધી ગયો છે. કોર્પોરેશન દ્વારા વહેલીતકે મચ્છરોના ઉપદ્રવ માટે પગલાં નહિં ભરે તો આગામી દિવસોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે. નાગરિકો તંત્રની બેદરકારીને લઇ ભારે આક્રોશ વ્યકત કરી રહ્યા છે

(9:23 pm IST)