Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

લ્યો બોલો... હવે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ 'માલ્યાના માર્ગે': નથી ભરતા એજ્યુકેશન લોનઃ ૮૪% વધ્યુ NPA

MSME સેકટરમાં રોજગારીની તકો ઓછી હોવાથી લોન ભરપાઇ નહિ કરનારા વધ્યા

અમદાવાદ તા. ૨૨ : એક વર્ષ જેટલા જ સમયમાં શિક્ષણ ક્ષેત્રે બેડ લોન્સ વધી છે. રાજયકક્ષાની બેન્કર કમિટીએ રજૂ કરેલા આંકડા પ્રમાણે, નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એજયુકેશન લોનની કુલ નોન-પફોર્મિંગ એસેટ (NPA) ૮૧ કરોડ રૂપિયા છે. આ જ સેકટરમાં ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં એજયુકેશન NPA ૪૪ કરોડ રૂપિયા હતું જેમાં હવે ૮૪ ટકા વધારો થયો છે.

બેન્કર્સના મતે, MSME સેકટરમાં રોજગારીની તકો ઊભી કરવામાં નડતી મુશ્કેલીઓના કારણે લોન ચૂકવી શકનારા લોકોની સંખ્યા વધી છે. સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને રોજગારી ઉત્પન્ન કરવા માટે પ્રયાસો કર્યા હોવા છતાં ધાર્યું પરિણામ મળ્યું નથી. રોજગારીની પર્યાપ્ત તકો ન હોય તો લોન ભરવામાં વિલંબ થાય છે. SLBCના ડેટા પ્રમાણે, શિક્ષણ ક્ષેત્રમાં લીધેલી લોનનો NPA છેલ્લા ૭ વર્ષોમાં સૌથી વધારે છે.

બેન્કર્સના જણાવ્યા પ્રમાણે, એજયુકેશન લોન સામાન્ય રીતે વિદ્યાર્થીના પેરેન્ટ્સ કે ગાર્ડિયન (કો-એપ્લિકન્ટ હોય છે) દ્વારા ચૂકવવામાં આવે છે, હંમેશા વિદ્યાર્થીઓ જ લોન ચૂકવે તેવું બનતું નથી. હાલ રિટેલ સેકટરમાં મંદી છે અને MSME સેકટરમાં પણ સ્થિતિ ખરાબ છે. જેના કારણે વ્યકિતગત આવક પર અસર થતાં એજયુકેશન લોન ચૂકવવામાં વિલંબ થાય છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧,૮૭૮ કરોડની એજયુકેશન લોન આપવમાં આવી જે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૨,૨૪૭ કરોડ પર પહોંચી એટલે લગભગ ૨૦ ટકા જેટલો વધારો નોંધાયો.(૨૧.૧૩)

(3:32 pm IST)