Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

નવા પ્રોહિબિશન એકટ મુજબ નોંધાયેલા કેસ નીચલી કોર્ટમાં ચલાવો : ગુજરાત હાઇકોર્ટ

સરકારે હજુ સુધી દારૂના જથ્થા અંગેના નિયમ નક્કી ન કર્યા હોવાથી કોર્ટ મુંઝવણમાં હતીઃ રાજ્યમાં ૧૨ હજારથી વધુ વાહનો પ્રોહિબિશન કેસમાં જપ્ત

અમદાવાદ તા. ૨૨ : રાજય સરકારે પ્રોહિબિશનના કાયદામાં સુધારો કર્યા બાદ રાજયની તમામ નીચલી અદાલતોએ નવા કાયદા મુજબના કેસો ચલાવવાના બંધ કરી દીધા હતા. તમામ કેસો સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવતા હતા. અમૂક જગ્યાએ તો એક બોટલ દારૂ પકડાયો હોય તેવો કેસ પણ સેશન્સ કોર્ટમાં કમિટ થયો હતો. જેથી સેશન્સ કોર્ટે આ બાબતે ગંભીરતાથી લઇ કેસો નીચલી કોર્ટમાં પરત મોકલી આપ્યા હતા. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટે પરિપત્ર જારી કરી નવા પ્રોહિબિશન એકટ મુજબ નોંધાયેલા કેસ નીચલી કોર્ટમાં જ ચલાવવા આદેશ કર્યો છે.

 

રાજયમાં પ્રોહિબિશનના નવો કાયદો આવ્યા બાદ તેમાં પોલીસ ૯૮(૨)ની કલમ લગાવે છે જેથી કોર્ટમાંથી વાહન(મુદ્દામાલ) છુટતા નથી. રાજયમાં ૧૨ હજાર વાહનો જપ્ત કરવામાં આવ્યા છે જે પોલીસ સ્ટેશનમાં જ ધૂળ ખાઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે પ્રોહિબિશનના કાયદામાં સુધારો કરી સજાની જોગવાઇ દસ વર્ષ સુધી કરી છે પરંતુ તેમાં દારૂની માત્રા(જથ્થો) અંગે નિયમ નક્કી કર્યો નથી. બીજી તરફ, મેટ્રો કોર્ટને વધુમાં વધુ સાત વર્ષ સજાના કેસો ચલાવવાની જ સત્તા છે. જેથી સરકારે કાયદામાં દારૂની અમૂક માત્રા નક્કી ન કરી હોવાથી કોર્ટ મૂંઝવણમાં મૂકાઇ હતી.

નવા કાયદામાં દસ વર્ષ સુધીની સજાની જોગવાઇ હોવાથી નીચલી કોર્ટ કેસો ચલાવી ન શકે તેવું અર્થઘટન થયું હતું અને પ્રોહિબિશનના તમામ કેસો કમિટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ દારૂના કેટલા જથ્થામાં કઇ કલમ લાગે અને તેમાં કેટલી સજાની જોગવાઇ તે મામલો હજુ ગુંચવાયેલો છે. જેથી નીચલી કોર્ટ અને સેશન્સ કોર્ટ કેસ ચલાવતી ન હતી. આ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે જ રાજયની નીચલી અદાલતો માટે પરિપત્ર જારી કરી આદેશ કર્યો છે કે, ગુજરાત પ્રોહિબિશન એકટ છે ૧૯ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ વટહુકમથી તાત્કાલીક અસરથી સુધારા વધારા કરવામાં આવ્યા છે. કલમ ૬૫ અને ૬૮ મુજબ સજાની જોગવાઇ વધારી છે અને તે ગુનો(પ્રોહિબિશન) માટે તેને સેશન્સ ટ્રાયેબલ થઇ ગયો છે.

જો કે, કાયદાની કલમ ૬૫ એએ મુજબ જયાં સુધી રાજય સરકાર દારૂના જથ્થાની માત્રા નક્કી ન કરે ત્યાં સુધી નીચલી કોર્ટે કેસો ચલાવવાના રહેશે. જથ્થો નક્કી કરવાની બાબત રાજય સરકાર સમક્ષ હજુ પડતર છે અને વિચારાધીન છે તથા સરકારનો જવાબ હજુ આવવાનો બાકી છે. તેથી જયુડિશિયલ ઓફિસરે પ્રોહિબિશનના કેસો ચલાવવાના રહેશે.(૨૧.૫)

 

(12:05 pm IST)