Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

જુગારમાં પકડાયેલા પૈસા આરોપીને પરત આપવા કોર્ટનો હુકમ

સરકારે રીવીઝન અરજી કરીઃ જુગારમાં પકડાયેલ રોકડ પરત ન અપાયઃ મોબાઇલ-વાહન જેવી ચીજો આપી શકાય

રાજકોટ : અમદાવાદ નજીકના બારેજામાં જુગારના દરોડામાં પકડાયેલા પૈસા આરોપીઓને પરત આપવાના ગ્રામ્ય કોર્ટના આદેશને સામે સરાકરે સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરી છે. સરકારની રજુઆત છે કે ગ્રામ્ય કોર્ટના આદેશમાં થોડી ભૂલ હોઇ શકે છે કારણ કે પૈસા એ જુગાર રમવાનું સાહિત્ય છે. મોબાઇલ, વાહન કે અન્ય મુદામાલ આરોપીને મળી શકે, પરંતુ દરોડામાં પકડાયેલી રોકડ આરોપીને પરત ન આપી શકાય. જુગારમાં પકડાયેલા પૈસા આરોપીને પરત આપવાના આદેશ થયો હોય તેવો આ જુજ કિસ્સા છે.

આ કેસની વિગત એવી છે કે ઓગસ્ટ મહિનામાં અસલાલી પોલીસ સ્ટેશને અમદાવાદ નજીકના બારેજા ગામમાં દરોડો પાડી જુગાર રમતા કેટલાક શખ્સોને ઝડપ્યા હતા જેમાં કુલ ૪૩,૦૦૦/- ની રકમ આરોપીઓ પાસેથી ઝડપાઇ હતી. જામીન પર છુટયા પછી બે આરોપીઓએ તેમના પૈસા પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાંથી એક આરોપીએ ૧૬,૦૦૦ રૂપિયા અને બીજા આરોપીએ ૯૪૫૦ રૂપિયા પરત મેળવવા અરજી કરી હતી. તેમની દલીલ હતી કે આ પૈસા તેમને પગાર તરીકે મળ્યા હતા. જેના અભાવે તે આર્થિક મુશ્કેલીમાં મુકાઇ શકે તેમ છે. ઉપરાંત પોલીસના કબજામાં રહેલી રોકડ રકમને નુકશાન પણ થઇ શકે તેમ છે. કોર્ટે આ દલીલ માન્ય રાખી પૈસા પરત આપવાનો હુકમ કર્યો હતો. સેશન્સ કોર્ટમાં હુકમને પડકારતી રિવીઝન અરજી કરી સરકારે રજુઆત કરી હતી કે કાયદાની જોગવાઇ હેઠળ જુગારમાં પકડાયેલા પૈસા આરોપીને પરત ન આપી શકાય. કેસની ચાર્જશીટ પણ હજુ ફાઇલ થવાની બાકી છે, તેથી જો પૈસા પરત આપવામાં આવેે તો આરોપીઓ પુરાવાના અભાવે છુટી જાય તેવું પણ બને. હાઇકોર્ટે આ પ્રકારના કિસ્સાઓમાં આપેલા આદેશોને પણ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. તેથી સેશન્સ કોર્ટે આ પૈસા આરોપીઓને પરત આપવાનો આદેશ રદ કરવો જોઇએ. (પ-૧૪)

 

(12:04 pm IST)