Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ટીચર વિદ્યાર્થીની કારકિર્દી જ નહી પરંતુ જિંદગી બનાવે છે

ટીચર ઓફ ધ યર ગુજરાતી ફિલ્મનું ટ્રેલર લોન્ચ :ફિલ્મના પ્રોફિટનો ૧૦ ટકા હિસ્સો ગરીબ બાળકને મળશે

અમદાવાદ, તા.૨૨ : વ્યકિતના જીવનમાં વિદ્યાર્થીકાળ દરમ્યાન શિક્ષક કોઇપણ બાળક કે વિદ્યાર્થીની માત્ર કારકિર્દી જ નહી પરંતુ તેની સાચી અને અસલ જીંદગી બનાવી દેવાની ભૂમિકા ભજવે છે. માનવીના જીવનમાં માતા-પિતા સિવાય શિક્ષકનું બહુ મોટુ અને ભૂલી ના શકાય એવું મહત્વ છે. આજના સ્પર્ધાત્મક અને અપેક્ષાભર્યા યુગમાં માતા-પિતા કે સમાજને વિદ્યાર્થી ખૂબ સારા કે ઉંચા માર્કસ કે ટકાવારી સાથે પાસ થાય તેવું જ સપનુ હોય છે પરંતુ ઓછા ટકા લાવનાર કે નાપાસ થનારા વિદ્યાર્થી પણ કંઇ કમ નથી હોતા. ભલે તે અભ્યાસમાં નબળા હોય પરંતુ અન્ય કોઇ ક્ષેત્ર, કલા-કૌશલ્યમાં બહુ પારંગત અને નિષ્ણાત હોય, જે તેમને કારકિર્દીમાં સફળતાના શિખરો સર કરાવી શકે.

    વિદ્યાર્થીના જીવનને સાચા રસ્તા પર આગળ ધપાવવામાં શિક્ષક બહુ મોટા માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે એમ અત્રે અપકમીંગ ગુજરાતી ફિલ્મ ટીચર ઓફ ધ યરના હીરો શૌનક વ્યાસ અને હીરોઇન અલીશા પ્રજાપતિએ જણાવ્યું હતું. ફિલ્મના ટ્રેલર અને મ્યુઝિક લોન્ચીંગ પ્રસંગે આ કલાકારોએ પોતાના પ્રતિભાવમાં આ પ્રમાણે જણાવ્યું હતું. પાર્થ ટાંક પ્રોડક્શનના જયંતિભાઈ આર. ટાંક તથા પાર્થ જે. ટાંક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી અપકમિંગ અર્બન ગુજરાતી ફિલ્મ ટીચર ઓફ ધ યર એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત છે. પ્રો. વિક્રમ પંચાલ તથા શૌનક વ્યાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મનું અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે પોસ્ટર, ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટીચર ઓફ ધ યર ફિલ્મના કલાકારોએ ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ફિલ્મ વિશે જણાવતાં પાર્થ ટાંક પ્રોડક્શનના જયંતિભાઈ આર. ટાંક તથા પાર્થ જે. ટાંકે જણાવ્યું કે, અન્ય ફિલ્મોની જેમ ટીચર ઓફ ધ યર એ ફક્ત પ્રોફિટેબલ વેન્ચર માટેની ફિલ્મ નથી પરંતુ ફિલ્મ એક સામાજિક મેસેજ આપે છે, જે શિક્ષણ પર આધારિત છે.

     અમે અમારી આ  ફિલ્મના પ્રોફિટનો ૧૦ ટકા હિસ્સો ગરીબ બાળકોના ભણતર માટે આપવાનું નક્કી કર્યું છે. અમારી સંસ્થા ટાંક એજ્યુકેશન ટ્રસ્ટ એ હ્યુમન કાઈન્ડ, શ્વાશ, સર્જન તથા જ્ઞાનજ્યોત જેવાં એનજીઓ સાથે ભાગીદારી પણ કરી છે. ટીચર ઓફ ધ યર ફિલ્મમાં શૌનક વ્યાસ, અલીશા પ્રજાપતિ, મેહુલ બુચ, રાગી જાની, જીતેન્દ્ર ઠક્કર, નિસર્ગ ત્રિવેદી, જશ ઠક્કર તથા અર્ચન ત્રિવેદી સહિત ઘણાં ખ્યાતનામ કલાકરોએ પોતાના અભિનયના ઓજશ પાથર્યા છે. ફિલ્મનું મ્યુઝિક પ્રથમેશ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું છે અને ફિલ્મનું એક સોન્ગ ખ્યાતનામ લોકગાયક કિર્તીદાન ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તામાં એક સ્કુલ બતાવવામાં આવી છે જેમાં દર વર્ષે ટીચર ઓફ ધ યર માટેની પ્રતિસ્પર્ધા થાય છે. આ વર્ષે, ૯ સ્પર્ધકો છે જેમણે ૨૦ સૌથી વધુ તોફાની વિદ્યાર્થીઓનો સામનો કરવો પડ્યો છે. શ્રેષ્ઠ શિક્ષક બનવા અને સ્પર્ધા જીતવા શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી કરવી પડશે અને સ્પર્ધામાં ટકી રહેવું પડશે. ફિલ્મનો મુખ્ય અભિનેતા ટીચર તરીકે ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓમાંથી એક છે. કોમેડી, ડ્રામા અને રોમાન્સનું સંપૂર્ણ મિશ્રણ દર્શાવતી આ મનોરંજક અને અર્થપૂર્ણ ફિલ્મ ટીચર ઓફ ધ યર આગામી તા.૧૩ સપ્ટેમ્બર,૨૦૧૯ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(9:25 pm IST)