Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સ્લેબ પડવાના કેસમાં કેસમાં કોન્ટ્રાક્ટર સહિત ૩ ઝડપાયા

હલકી કક્ષાનું મટીરીયલ્સ વપરાયુ હોવાનો આક્ષેપ : નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ તુટી પડતા આઠ મજદુરો દટાયા હતા : અનેક લોકો હજુય સારવાર હેઠળ : અહેવાલ

અમદાવાદ, તા.૨૨ : તાજેતરમાં જ શહેરના નિકોલ વિસ્તારમાં ભોજલધામ રેસિડન્સી પાસે એએમસીના નિર્માણાધીન પમ્પિંગ હાઉસનો સ્લેબ પડવાના પ્રકરણમાં ભારે વિવાદ અને પ્રાથમિક તપાસ બાદ આખરે પોલીસે આજે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ પમ્પીંગ હાઉસના સિવિલ કોન્ટ્રાક્ટર ભૂપતાણી એસોસિયેટ્સના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે.       પોલીસે નિકોલમાં પમ્પીંગ હાઉસની ટાંકીના બાંધકામમાં નબળી અને હલકી કક્ષાના મટીરીયલ્સના ઉપયોગ અને તેના બાંધકામમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજીના આરોપસર ઉપરોકત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.  નિકોલમાં પાણીની ટાંકીની બનાવવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે.

      આ ટાંકીની બાજુમાં પમ્પિંગ હાઉસનું ધાબુ ભરવાનું કામ સોમવારે ચાલતું હતું, ત્યારે બે માળ ઊંચો સ્લેબ ધરાશાયી થતા ૮ મજૂર દટાયા હતા.જેમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોર્પોરેશને ૨૩ કરોડના ખર્ચે ઉપરોકત ટાંકીનું કામ રાજકોટના ભૂપતાણી કોન્ટ્રાકટર્સને સોંપ્યું હતું. જેમાં ૧૬૪ લાખ લિટર અંડરગ્રાઉન્ડ ટાંકી અને ૨૫ લાખ લિટર ઓવરહેડ ટાંકી બનાવવાની હતી. દરમ્યાન મ્યુનિસિપલમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માના આરોપ મુજબ, કોન્ટ્રાક્ટર ભૂપતાણી એસોસિએટ્સે મે-૨૦૧૭માં સોંપાયેલું કામ ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં પૂરું કરવાનું હતું. પરંતુ વિલંબ થતાં કોન્ટ્રાક્ટરને મ્યુનિસિપલે ૨૭ નોટિસ આપી પણ બ્લેકલિસ્ટ કરવાની તસ્દી કેમ ન લીધી? કોન્ટ્રાક્ટ પ્રમાણે કામ કરવાનો સમય વીતી જવા છતાં તેમજ ટાંકીમાં તિરાડો હોવાની ફરિયાદ છતાં પણ મ્યુનિ. કોન્ટ્રાક્ટરને શા માટે છાવરતી હતી? આમ, આ સમગ્ર મામલામાં આમ જોવા જઇએ તો, અમ્યુકો સત્તાવાળાઓની પણ બેદરકારી સામે આવી છે, તેથી તે જવાબદાર સત્તાધીશો સામે પણ કાર્યવાહી થવી જોઇએ.

(8:43 pm IST)