Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

અમદાવાદના છારાનગર વિસ્‍તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો દરોડોઃ જુગાર રમતા ૧૮ શખ્સો રૂૂ.૧૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

અમદાવાદ: અમદાવાદના છારાનગર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીગ સેલની ટીમે દરોડા પાડી 58 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. શ્રાવણીયો જુગાર રમતા શખ્સો પાસેથી 17 લાખ 3 હજારથી વધુનાં કુલ મુદામાલ સાથે 2.66 લાખની રોકડ રકમ અને મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે.

અમદાવાદનાં સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં બુધવારે સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારધામ રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચોક્કસ બાતમી આધારે છારાનગર વિસ્તારમાં આવેલી સિંગલ ચાલીમાં રેડ કરી હતી. જોકે અહિયાં ચાલી રહેલા જુગારધામ જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. કેમ કે, અહિયાં એકલ દોકલ નહી પરંતુ 58 જેટલા શખ્સો જુગાર રમતા હતા.

તમામ જુગારીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે પોલીસને જુગારીઓ પાસેથી 2.66 લાખની રોકડ, 67 મોબાઈલ , 27 જેટલા ટુ વ્હીલર અને 2 કાર પણ મુદ્દામાલમાં જપ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની તપાસ દરમ્યાન જુગારધામ હર્ષદ ઉર્ફે મુંગડા નામનો વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી ચલાવતો હતો. પરંતુ દરોડા પડતાં તે ફરાર થઈ ગયો હતો. જોકે હાલ તો પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી મુખ્ય આરોપી હર્ષદને પકડવાની તજવીજ હાથ ધરી છે.

(5:35 pm IST)