Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

૧૬૦૦ કરોડના કૌભાંડના આરોપી ઉદ્યોગપતિની ફેકટરીનું ઉદઘાટન પૂર્વ રાષ્ટ્રપતિએ કરેલું

તાજેતરમાં માતાનું અવસાન થતા લંડનથી વેષપલ્ટો કરીને આવેલ પોલીસે જેને વડોદરાના વિજય માલ્યાનું બિરૂદ આપ્યું છે તેવા વડોદરાના ફરારી ઉદ્યોગપતિની ધરપકડની રસપ્રદ કથા : એક સમયે ૪૦૦૦ કર્મચારી ફેકટરીમાં હતાઃ ગોલ્ફ રમવા માટેની પણ સુવિધાઃ કલ્પેશ પટેલ દોઢ કલાક ચડ્ડી-ગંજીમાં બાથરૂમમાં છુપાયેલા રહેલ

રાજકોટ, તા., ૨૨: પંજાબ નેશનલ બેંકથી લઇ એક ડઝન જેટલી બેંકોના ડીફોલ્ટર અને ૬૦૦ કરોડથી વધુ રકમના કૌભાંડના આરોપી એવા વડોદરાના કેમરોક ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર જેઓને પોલીસ વડોદરાના વિજય માલ્યા તરીકેનું બિરૂદ આપ્યું છે તેવા કલ્પેશ પટેલને વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના આદેશથી પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.સી.કાનમીયા ફકત ૮ જ કલાકમાં આરોપીને શોધી અને કઇ રીતે તેની અટક કરી તેની રસપ્રદ કથા જાણવા જેવી છે.

સૌ પ્રથમ તો આરોપીના બંગલાનું સરનામું શોધી પોલીસ જયારે તેના બંગલે પહોંચી ત્યારે આ ઉદ્યોગપતિ કે જેઓએ વેષપલ્ટો કરી માથે વિગ તૈયાર કરાવી લીધી હતી. તેવા આરોપીને પોલીસને આવવાની ગંધ આવી જતા દોઢ કલાક સુધી ગંજી અને લેંઘો પહેરી બાથરૂમમાં સંતાયા હતા. તેમના પત્નીએ પણ દરવાજો ન ખોલવા માટે અનેક દલીલો કરી અંતે પીઆઇ આર.સી. કાનમીયાએ આકરી ચેતવણી આપતા જ પત્નીએ દરવાજો ખોલી નાખ્યો હતો અને બાથરૂમમાં પુરાયેલા આ ડીફોલ્ટર ઉદ્યોગપતિને પોલીસે અટક કરી લીધી હતી.

ધરપકડથી બચવા માટે કલ્પેશ પટેલે ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનોને ફોન કરવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ પોલીસે કોઇ જાતની મચક આપી ન હતી. પોતાના કેસો સુપ્રિમ કોર્ટમાં નિકાલ થઇ ગયાનું પણ આ ઉદ્યોગપતિએ જણાવેલ પરંતુ પોલીસે આ બધુ પોલીસ મથકમાં જઇને જણાવવા માટે મક્કમતા દાખવી હતી.

વૈભવી લાઇફ સ્ટાઇલ જીવતા આ ઉદ્યોગપતિના ઇન્ડસ્ટ્રીઝનું ઉદઘાટન પુર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ દ્વારા થયેલ. આ કંપનીના સંકુલમાં ગોલ્ફ રમવા માટેની પણ તમામ સુવિધાઓ કરવામાં આવી હતી અને કંપનીમાં આરોપીની નીચે એક યુગમાં ૪૦૦૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવતા હતા.  આરોપી વિરૂધ્ધ સીઆઇડી ક્રાઇમે આઇસીઆઇસીઆઇ બેંકમાં થયેલ ૧ર૦ કરોડના ચીટીંગનો ગુન્હો દાખલ કરેલ છે.

કલ્પેશ પટેલની માતાનું તાજેતરમાં જ નિધન થતા તેઓ લંડનથી વડોદરા આવ્યાની બાતમી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને સાંપડતા જ તેઓએ આ ઓપરેશન પીસીબીના આર.સી.કાનમીયાને સુુપ્રત કરેલ.  તેઓએ સફળતાપુર્વક પ્રથમ અટક અને ત્યાર બાદ ધરપકડ કરી હતી.

(12:18 pm IST)