Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ડીસા પંથકમાં પ્રેમિકાને પામવા પત્નીની નિર્મમ હત્યા કરીને લાશ ઝાડીમાં ફેંકી દીધી ;ધરપકડ

હત્યારા પતિની અટકાયત બાદ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો

 

ડીસા તાલુકાના એક શખ્સે પત્નીની નિર્મમ હત્યા કરી પત્નીના મૃતદેહને ઝાડીમાં ફેંકી દીધો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે પોલીસે હત્યારા પતિની અટકાયત કરતાં આ સનસનીખેજ મામલો બહાર આવ્યો છે.

  આ અંગે મળતી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધનપુરા ગામની યુવતીના લગ્ન વિરૂણા ગામના ભરત પરમાર સાથે થયા હતા.જોકે લગ્ન બાદ ભરત સાથે મનમેળ ન આવતા આ યુવતી તેના પિયર પરત આવી ગઈ હતી જ્યારે ભરત ધંધાર્થે સાણંદ જતો રહ્યો હતો. જોકે દશ દિવસ અગાઉ આ યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ જતાં યુવતીના પરિવારજનોએ ડીસા તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી. જેના પગલે પોલીસે આ યુવતીની શોધખોળ હાથ ધરી હતી.   

   તપાસ દરમ્યાન પોલીસે કોઈ પર શંકા હોવાનું પૂછતાં યુવતીના પરિવારજનોએ યુવતીના પતિ સામે શંકા વ્યક્ત કરી હતી.જેથી પોલીસે પણ સાણંદ પહોંચી આ યુવતીના પતિ ભરત પરમારની પૂછપરછ કરતાં ભાંગી પડેલા ભરતે પોતે જ પોતાની પત્નીને મળવા બોલાવ્યા બાદ તેણીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.આવી ચોંકાવનારી કબુલાત કર્યા બાદ પોલીસે ભરતની અટકાયત કરી આ હત્યાનો ભેદ ઉકેલવા ભરતની આકરી પૂછપરછ હાથ ધરતા તેણે રજૂ કરેલી સીલસીલાબંધ વિગતો જાણી પોલીસની આંખો પણ પહોળી થઇ ગઇ હતી.

  આરોપી ભરતે નફ્‌ફટ કબુલાત કરતા જણાવ્યુ હતું કે સાણંદમાં તેને અન્ય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેને મેળવવા માટે પોતે કંઈપણ કરવા તૈયાર હતો. જેથી તેણે ડીસા આવી પોતાની પત્નીને મળવા બોલાવી હતી.બાદમાં પત્નીને ભોયણ લઈ જઈ ગળું દબાવી તેણીની હત્યા કર્યા બાદ લાશને ઝાડીમાં ફેંકી દઈ પોતે પરત સાણંદ પહોંચી ગયો હતો. પોલીસે ભરતની આ કબુલાતના પગલે તેને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં ગુમ મનાતી યુવતીની કોહવાઈ ગયેલી અને પશુઓએ ફાડી ખાધેલી લાશ મળી આવતા પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પ્રેમમાં અંધ હત્યારા પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા બાદ પરસ્ત્રીને પામવા પત્નીનું જ કાસળ કાઢી દેનાર આરોપી પતિની પોલીસે અટકાયત કરી છે.. ત્યારે યુવતીના પરિવારોએ હત્યારા પતિને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.

 

(10:36 pm IST)