Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મોડાસામાં રખડતી ગાયોના ત્રાસથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ :તંત્ર સામે ભારે આક્રોશ

મુખ્ય માર્ગ અને સોસાયટીઓમાં અનેકને શીંગડે ચડાવ્યાના બનાવો

મોડાસા: શહેરમાં છેલ્લા કેટલાયે સમયથી રખડતી ગાયોનો ત્રાસ વધી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે રખડતી ગાયો શહેરના મુખ્યરોડ અને સોસાયટીના લોકોને શિંગડે ચઢાવ્યાના અનેક બનાવો બનવા છતાં નીંભર નગરપાલિકા તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી રાત્રીના સુમારે શહેરના મુખ્યમાર્ગો પર અડિંગો જમાવતા પશુધનના ધણના ટોળા ન દેખાતા અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

મોડાસાના મુખ્ય ચાર રસ્તા, બસ સ્ટેન્ડ રોડ, માલપુર રોડ, ડીપ વિસ્તાર, મેઘરજ રોડ, કોલેજ રોડ અને મોડાસાના સહયોગ બાયપાસ રોડ ઉપર રખડતી ગાયો અઢીંગા જમાવી દેતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. શહેરમાં રખડતી ગાયો બાયપાસ હાઇવે રોડ ઉપર ઉભી થઇ જતાં મુંબઇ- દિલ્હીથી અવર- જવર કરતાં મોટા વાહનોના ચાલકો મોડાસા શહેરની સહયોગ ચોકડી અને મેઘરજ બાયપાસ રોડ ઉપર મોટી મુસીબતોનો સામનો કરી રહ્યા છે.

  શહેરના વિસ્તારમાં અચાનક રખડતી ગાયો મોટા વાહનોની આડે આવી જતાં વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. તેમજ રખડતી ગાયોનો એટલો ત્રાસ વધી ગયો છે કે, શહેરની સોસાયટી વિસ્તાર અને ડીપ વિસ્તારમાં રાહદારીઓ અને વયોવૃદ્ધ લોકોને હડફેટે લઇને શિંગડે ચઢાવતાં શહેરની પ્રજા રખડતી ગાયોના ત્રાસથી ત્રાહિમામ્‌ પોકારી ઉઠયા છે.

(10:46 pm IST)