Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

અફઘાનિસ્‍તાનના ૨ વિદ્યાર્થીઓ નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે આવ્યા ને લોકો તેને આતંકવાદી માની બેઠા

નવસારીઃ ગુજરાતમાં અફઘાનિસ્તાનમાંથી બે આતંકવાદી ઘુસ્યા હોવાની વાત અફવા સાબિત થઈ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં આતંકવાદી ઘુસ્યા છે અને મોટો હુમલો કરવાની વાત મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. સાથે એક યુવાનનો સ્કેચ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગુપ્તચર એજન્સીઓએ પણ આતંકવાદી ઘુસ્યાના ઈનપુટ આપ્યા બાદ ગુજરાતની રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલી બોર્ડર સીલ કરવામાં આવી હતી.

જોકે, સુરતના એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીર જેવા યુવકો વડોદરાથી નવસારી જતી બસમાં જોતાં સુરતના પોલીસ કન્ટ્રોલ રૂમને અંગે જાણ કરી હતી. જાગૃત નાગરિકના ફોન પછી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને નવસારી SOG તપાસ કરતાં બંને યુવકો અફઘાનિસ્તાનના હવાનો ખુલાસો થયો છે.

  બંને યુવાનોને પોલીસ સ્ટેશન લાવીને તેમની પાસે રહેલા દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા અને એજન્સીઓ સાથે પણ તેનું વેરિફિકેશન કરાયા પછી તેમને જવા દેવાયા છે. યુવાનો પાસે વિદેશી ચલણ હતું. અફગાનિસ્તાનના વિદ્યાર્થીઓ કાબુલથી દિલ્હી પ્લેન મારફતે આવ્યા હતા. દિલ્હીથી વડોદરા ટ્રેન મારફતે આવી  અને વડોદરાથી બસમાં નવસારી આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, યુવાનો નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં માસ્ટર ડીગ્રીનો અભ્યાસ કરવા આવ્યા છે.

મોહમ્મદ શારીફ સાફી અને સઈદુલ્લા ઘાની અફઘાની નામના બે યુવાનોને અફગાનિસ્તાનમાં આવેલી ભારતીય દુતાવાસ દ્વારા માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે વિઝા આપવામાં આવ્યા હતા. બન્ને યુવાનો પાસે અફઘાનિસ્તાનના પાસપોર્ટ અને ભારતના કાયદેસરના વિઝા હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

અંગે નવસારીના DySP બી.. મોરીએ જણાવ્યું કે, "સુરત જિલ્લાની હદના એક વ્યક્તિએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી કે, તેઓ જ્યારે વડોદરાથી સુરત બસમાં આવી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં બે વિદેશી નાગરિક યુવાનો બેઠા હતા. તેમના હાથમાં બાંધેલી કાંડા ઘડિયાળ પણ અલગ પ્રકારની છે. તેમની પાસે વિદેશી ચલણ પણ જોવા મળ્યું છે. બંને વ્યક્તિ સોશિયલ મીડિયામાં જે સ્કેચ વાયરલ થયા છે તેવા દેખાઈ રહ્યા છે."

DySP મોરીએ વધુમાં જણાવ્યું કે, "સુરત જિલ્લાના વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, અખબારોમાં જે આતંકવાદી ઘુસ્યાના ઈનપુટ છે તે જોતાં બંને વ્યક્તિ તેના જેવી દેખાઈ રહી છે. સુરતના રહીશે જણાવ્યું કે, તેમણે નવસારીની ટિકિટ લીધી છે. આથી સુરત ગ્રામ્ય પોલીસે નવસારી પોલીસને જાણ કરી હતી. નવસારી SOG સમગ્ર મામલે ઊંડાણપુર્વક તપાસ કરી તો જાણવા મળ્યું કે, અફઘાનિસ્તાનના બે યુવાનો મોહમ્મદ શારીફ સાફી અને સઈદુલ્લા ઘાની અફઘાની નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભણવા આવ્યા છે. બંનેની પાસે કાયદેસરનો અફઘાનિસ્તાનનો પાસપોર્ટ છે અને ભારતમાં આવવાના વિઝા પણ છે. સાથે નવસારી કોલેજમાં પ્રવેશ લીધાના દસ્તાવેજો પણ તેમણે બતાવ્યા હતા. તેમની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ તેમને ઓળખી બતાવ્યા હતા. આથી, આતંકવાદી ઘુસ્યાની વાતો ખોટી છે."

(4:58 pm IST)