Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર સૌથી વધુ સાંપ દેખા દે છે

૭૦ ટકાથી વધુ સાપ કોબ્રા હોઇ સાવધાની જરૃરી : ચોમાસાની સીઝનને લઇ હાલમાં શહેરમાં સાપના ૩૦થી વધુ કોલ મળ્યા : શીલજ, થલતેજમાં સાપની સંખ્યા વધારે

અમદાવાદ,તા.૨૨ : ચોમાસાની શરૃઆત થતાં જ સાપ સહિતનાં અન્ય ઝેરી જીવ દેખાવા અને કરડવાના કિસ્સાઓ વધતા હોય છે. વરસાદી ઋતુમાં આશ્રય સ્થાનો, ઘરો, બંગલાઓ બાંધકામ સાઈટ પર પાણી ભરાવાના કારણે સાપ બહાર નીકળવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે  છે. અમદાવાદ શહેરમાં આ વર્ષ સૌથી વધુ સાપે સિંધુ ભવન રોડ ઉપર દેખા દીધા છે. જેમાં ૭૦ ટકાથી વધુ સાપ કોબ્રા હોવાનું જાણવા મળે છે. કુલ ૧૭ પ્રકારના સાપ માનવ વસ્તી વચ્ચે રહે છે. જેમાં ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે. ખાસ કરીને જેને નાગ કહેવાય છે તે કોબ્રા, કાળોતરો તરીકે ઓળખાય એવો ક્રેઈટ, કુરસો- શો સ્કેલ વાઈપર અને ખળચીતરો એટલે કે રસેલ્સ વાઈપર ઝેરી ગણાય છે. ધામણ, ચેકર્ડ કૂકરી, ભંફોડી, વરુંદતી રૃપસુંદરી તામ્રપીઠ, મિદળિયો, ક્રોબ્રા, વાઈપર, વૂલ્ફ, ફૂરસો ધઈલો, આંધળી ચાકરણ, સીતાની ઓઢણ અને કેટ સાપ પ્રકારના સાપ પણ જોવા મળતા હોય છે. સામાન્ય રીતે, સોસાયટીઓમાં બંગલામાં ઝાડી વિસ્તાર હોય, ગાઢ લીલોતરી હોય, બાંધકામ સાઈટ હોય જ્યાં રેતી ઈંટો કપચીના ઢગલા હોય, કાટમાળ હોય અવાવરું જગ્યાઓ હોય ત્યાંથી સૌથી વધુ સાપ બહાર દેખા દે છે. ગાંધીનગર પણ સાપથી સલામત નથી. રાજભવન, સચિવાલય મંત્રી મંડળ નિવાસસ્થાન તેમજ સેક્ટર ૧૯, ૨૧, ૩૦, ૨૯માં સૌથી વધુ સાપ દેખા દે છે. અંદાજે ૮૦ જેટલા વોલેન્ટિયર સ્નેકકેચર ૨૪ કલાક લોકોની સેવા માટે કાર્યરત રહે છે, જ્યારે પણ ક્યાંય સાપ દેખાયાનો કોલ આવે તેઓ પહોંચી જાય છે. તાજેતરમાં જ અત્યંત અનુભવી એવા બે સ્નેકકેચરને પણ સાપે છોડ્યા નહોતા અને બે સ્નેકકેચરને દંશ માર્યો હોવાની ઘટનાઓ પણ આ વખતે સામે આવી હતી.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સિંધુ ભવન બોપલ, આંબલી, શીલજ, થલતેજ, સોલા, આંબલી સ્થળોએ વધુ સંખ્યામાં સાપ દેખાય છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં નિકોલ, કૃષ્ણનગર, નરોડા, નારોલ, વટવા વગેરે સ્થળોએ વધુ સાપ દેખા દે છે. ખાસ કરીને રેલવે લાઈન આસપાસ સાપ વધુ રહે છે. દરમ્યાન આ અંગે સ્નેકકેચર મૈત્રી ગાંધીએ જણાવ્યું હતું કે, અત્યારે સાપની મેટિંગ સિઝન છે તેથી માત્ર મોટા સાપ જ નહીં, પરંતુ સાપના કણા પણ સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં ૩૦ જેટલા સાપ માટેના કોલ દરરોજ અમારા ગ્રુપને મળે છે. જે વિસ્તારની નજીક વોલેન્ટિયર હોય તે જે તે સ્થળે પહોંચી જાય છે. શહેરનો આઉટ સ્કર્ટ વિસ્તાર અને તેની આબોહવા સાપ માટે અનુકુળ છે. વધુ ડ્રાય અથવા વધુ ભેજવાળી ન હોવાથી સાપ તેમના રાફડા ત્યાં બનાવે છે. વરસાદી સિઝનમાં પાણી દરમાં જવાથી સાપ બહાર આવે છે. દર વર્ષે શહેરમાં ૩૫૦૦થી વધુ સાપનું રેસ્ક્યુ થાય છે. ગત વર્ષે ચોમાસામાં આશરે ૨૫૦૦થી વધુ સાપ પકડાયા હતા. આ અંગે કાંકરિયા ઝૂના ડાયરેક્ટર ડો. આર. કે. સાહુએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં દરરોજ સાપની ફરિયાદ અંગેના બે-ત્રણ કોલ આવતા હોય છે. જે અમે ફોરેસ્ટ હેલ્પ લાઈનને ડાયવર્ટ કરીએ છીએ. ફોરેસ્ટ હેલ્પ લાઈન નં. ૭૬૦૦૦૦૯૮૪૫ પર સાપ દેખાય તો મદદ માટે ફોન કરી શકાય છે. આ હેલ્પલાઈન પર કાર્યરત કર્મીએ જણાવ્યું હતું કે ઘણા જાગૃત નાગરિકો કે સ્નેકકેચર પણ અહીં સાપ મૂકી જાય છે. જેને દૂર જંગલ વિસ્તારમાં છોડી દેવાય છે. કેટલાક કિસ્સામાં જો તે ઘાયલ હોય તો સાપ સહિત અન્ય પશુ પંખીની સારવાર પણ અહીં કરવામાં આવે છે. જો કે, સાપ દેખાય તો નાગરિકોએ જાતે તેને પકડવાની કે અન્ય અવળચંડાઇ કરવાને બદલે પ્રોપર સ્નેકકેચર કે હેલ્પલાઇનની મદદ લઇ સાપને પકડાવવાની સાવધાની કેળવવી જોઇએ કે જેથી સર્પદંશની અનિચ્છનીય ઘટના ના ઘટે.

 

(8:42 pm IST)