Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ગુજરાત રાજયનો સૌપ્રથમ અસાધારણ કેસ

૯૮ વર્ષના દાદાને પીપીઆઇ ગોઠવાયું :તબીબોને સફળતા

મલ્ટિપલ કોમ્પલીકેશન્સની વચ્ચે પણ ૯૮ વર્ષીય દાદાને પરમાનેન્ટ પેસમેકર મશીન મૂકીને અંતે નવજીવન અપાયું

અમદાવાદ, તા.૨૨ : સમાજમાં મોટી ઉંમરના વડીલોની સારવાર અંગે પરિવારમાં જાગૃતતા વધી છે પરંતુ જયારે મરણપથારીએ પડેલા ઘરના મોભી કે વડીલને જીવાડવાની અને તેમની છત્રછાયાને સલામત રાખવાની ઉમદા ભાવના અને તબીબ પર વિશ્વાસ મુકીને જોખમી સારવાર કરવાની સંમતિ પરિવારજનો દર્શાવે ત્યારે તબીબ પણ અનુભવ અને કુશળતાથી નવજીવન આપવામાં પાછી પાની કરતાં નથી. આવા જ એક કિસ્સામાં રાજસ્થાન હોસ્પિટલનાં ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજીસ્ટ ડો.હિતેશ શાહે ગંભીર અને મલ્ટિપલ કોમ્પિલકેશન્સ ધરાવતાં અને મોતનાં મુખમાં ધકેલાયેલા ૯૮ વર્ષીય દર્દીમાં પરમેનન્ટ પેસમેકર મશીન(પીપીઆઇ) ઇમ્પ્લાન્ટ કરી(મૂકી) તેમને નવજીવન બક્ષ્યુ હતું. તબીબી ઇતિહાસમાં ભારે ચર્ચા જગાવનાર આ રાજ્યનો પ્રથમ અને અસાધારણ કેસ હોઇ તેને મેડિકલ જર્નલમાં પણ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા પંચાલ પરિવારના મોભી અને વયોવૃધ્ધ ૯૮ વર્ષીય દાદા મણિલાલ પંચાલની આટલી જૈફ વયે પણ સારવાર કરાવી તેમના ચારેય સંતાનો અને પરિવારજનોએ આજના સમાજને પણ માતા-પિતા અને વડીલોની સેવા-કાળજી માટેની અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. તબીબી ઇતિહાસના આ અસાધારણ કિસ્સા અંગે શાહીબાગ ખાતેની રાજસ્થાન હોસ્પિટલનાં ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજીસ્ટ ડો. હિતેષ શાહે જણાવ્યું હતું કે, ૯૮ વર્ષીય મણિભાઇ પંચાલનો કેસ એટલા માટે અત્યંત ક્રિટીકલ અને પડકારજનક હતો કારણ કે, એક તો તેમની ઉમંર ૯૮ પૂર્ણ અને ૯૯ રનીંગ છે. ઉમંરની સાથે સાથે તેમને હાર્ટ એટેકને લઇ હાર્ટની નબળાઇ, કિડની ફેલ્યોર, ન્યુમોનિયા અને ડાયાબીટીસ જેવી ગંભીર બીમારીઓ હોઇ તેમનું ઓપરેશન અને સારવાર બહુ પડકારજનક હતા. ગત ૫મી જુલાઇનાં રોજ પરોઢિયે ૫.૦૦ વાગ્યે ૯૮ વર્ષીય મણિભાઇ પંચાલને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લવાયા હતા,દર્દીની તપાસ કરતાં તેમનો શ્વાસ બરાબર ચાલતો ન હતો, અને હૃદયનાં ધબકારા ૩૦થી પણ ઓછા હતા. જયારે ઓક્સિજનનું પ્રમાણ ૭૦ ટકાથી પણ ઓછું હતું. આ સંજોગોમાં મણિભાઇ પંચાલને બચાવવા લગભગ અશકય હતું. પરંતુ, મણિભાઇનાં પરિવારે આવીને કહ્યું કે, અમને તમારી સારવાર પર વિશ્વાસ છે અને તમારે કોઇપણ ભોગે બચાવવાના છે, જેથી પરિવારનો મારા પર વિશ્વાસ જોઇનેમેં અને મારી ટીમ દ્વારા તાત્કાલિક તેમની સારવાર શરૃ કરી, જેમાં પ્રથમ હૃદયનાં ધબકારા વધારવા માટે ટેમ્પરરી પેસમેકર મશીન(ટીપીઆઇ) મુકવામાં આવ્યું, અને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યાં. ત્યાારબાદ તેઓ ૨૪ કલાકે ભાનમાં આવ્યાં હતા. ત્યારબાદ બે દિવસ બાદ વેન્ટીલેટર કાઢી લેવાયું અને તેમની આ સ્થિતિનાં કાયમી નિરાકરણ માટે આખેર ભારે સાવચેતી, કાળજી અને સાવધાની સાથે પરમેનન્ટ પેસમેકર મશીન સફળતાપૂર્વક મૂકવામાં આવ્યું અને તેમને નવજીવન બક્ષવામાં આવ્યું હતું એમ ડો.હિતેશ શાહે ઉમેર્યું હતું.

ગુજરાતનો કેસ મેડિકલ જર્નલમાં પબ્લિશ કરાશે

દાદાની સ્થિતિ કેમ ગંભીર હતી

         અમદાવાદ, તા.૨૨ : ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજીસ્ટ ડો. હિતેષ શાહે જણાવ્યું કે, દર્દી બેભાન અવસ્થામાં હોવાથી સાથે હૃદયના ધબકારા અને શ્વાસ બરાબર ચાલતા ન હતા. સાથો સાથ દર્દી કિડની ફેલ્યોર, ડાયાબીટીસ અને ન્યુમોનિયાની સાથે પાંચ વર્ષ પહેલાં ગંભીર હાર્ટ એટેક આવતાં તેમણે જ આ દર્દીની એન્જિયોપ્લાસ્ટી પણ કરી હતી. જેથી ઓપરેશન દરમિયાન દર્દીનું ઇન્ફેકશન, હૃદયમાં પંકચર, પાણી ભરાઇ જવું અને ઓપરેશન ટેબલ પર મૃત્યુની શક્યતા હતી.પરંતુ તમામ તૈયારીઓ અને બધાના વિશ્વાસ વચ્ચે અમે તા.૧૦મી જુલાઇએ પરમેનન્ટ પેસમેકર મશીન મુકવાની સફળ સર્જરી કરી, તેમજ સાત દિવસ સુધી હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખ્યા અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ દર્દીને તા.૧૭ જુલાઇનાં રોજ રજા આપવામાં આવી હતી. એક મહિના પછી પણ દાદા સ્વસ્થ છે. દરમિયાન ૯૮ વર્ષની વયનાં દર્દીમાં એક સાથે વધુ કોમ્પિલેકશન હોય અને છતાં તેમાં સફળતાપૂર્વક પરમેનન્ટ પેસમેકર(પીપીઆઇ) મુકાયાનો રાજયનો પ્રથમ કેસ છે. હજુ સુધી આટલા કોમ્પિલકેશન્સ સાથે સફળ પીપીઆઇ મુકાયાનો એક પણ કેસ રિપોર્ટ થયો નથી, જેથી ગુજરાતના આ સૌ પ્રથમ કેસને મેડિકલ જર્નલમાં પબ્લિશ કરાશે. તબીબી આલમમાં આ કિસ્સાને લઇ ભારે ચર્ચા છે.

 

(7:44 pm IST)